અમદાવાદઃ ગુજરાત મીડિયા ક્લબ (જીએમસી) દ્વારા નવમો વાર્ષિક સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ નિમિત્તે ૧૬ મેએ અમદાવાદમાં આયોજિત સમારંભમાં વિવિધ શ્રેણીમાં ચાર પત્રકારોને ઓએનજીસીના સહકારથી તૃતીય વાર્ષિક જીએમસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજ્યપાલ ઓ.પી. કોહલી ઉપસથિત રહ્યા હતા. આ સમારંભમાં અન્ય ત્રણ શ્રેણીમાં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કેવડિયાના નરેન્દ્ર પેપરવાલા (સંદેશ ન્યૂઝ ચેનલ)ને બેસ્ટ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર, નવગુજરાત સમયના રિપોર્ટર મનીષસિંહ રાઠોડને બેસ્ટ ન્યૂઝ રિપોર્ટ પ્રિન્ટ (ગુજરાતી), ઓમપ્રકાશ શર્મા (રાજસ્થાન પત્રિકા)ને બેસ્ટ ન્યૂઝ રિપોર્ટ પ્રિન્ટ (હિન્દી અથવા ઈંગ્લિશ) શ્રેણી માટે દરેકને સન્માનપત્રક અને રૂ.૨૫ હજાર પુરસ્કારરૂપે એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત સમાચાર-અમદાવાદના વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ ઝવેરીલાલ મહેતાને ‘લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન ટુ જર્નાલિઝમ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
મીડિયાની ભૂમિકા, જવાબદારી, પડકારો વિશે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતુ કે, મીડિયાની ભૂમિકા નાગરિકોને શિક્ષિત કરવાની છે. મીડિયાની જવાબદારી બહુ મોટી છે અને બદલાતા સમયમાં મીડિયાથી સમાજથી અપેક્ષાઓ વધી છે ત્યારે મીડિયાએ તેની વિશ્વસનિયતા જાળવવી જરૂરી બની જાય છે. રાજ્યપાલ સહિતના મહાનુભાવોનું નવા વરાયેલા પ્રમુખ વિરેન્દ્ર પંડિત અને સિનિયર પત્રકારો દેવેન્દ્ર પટેલ તથા પ્રદીપ મલિકે સ્વાગત કર્યું હતું. એવોર્ડની જ્યુરીમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, જાણીતા અર્થશાસ્ત્રી વાય. કે. અલઘ, માઇકાના સ્થાપક નિયામક ડો. બિનોદ અગ્રવાલે સર્વાનુમતે એવોર્ડ શ્રેણીના નામોની પસંદગી કરી હતી.