ગુજરાત વિધાનસભા ૨૦૨૨નો ચૂંટણી તખતો તૈયારઃ પાટીદારોને પ્રમોશન, ઓબીસીને પ્રતિનિધિત્વ

Wednesday 14th July 2021 03:37 EDT
 
 

ગાંધીનગરઃ આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ કોઇની કલ્પનામાં પણ નહોતા તેવા ત્રણ સાંસદોને પ્રધાન મંડળમાં સ્થાન આપીને ચોંકાવ્યા છે. પ્રધાન મંડળના વિસ્તરણમાં રાજ્યપ્રધાન તરીકે કાર્યરત મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાને કેબિનેટ પ્રધાન તરીકે પ્રમોશન સાથે જ વડા પ્રધાને સુરતથી દર્શના જરદોશ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરથી ડો. મહેન્દ્ર મુંજપરા એમ ત્રણને રાજ્ય પ્રધાન તરીકે સ્થાન આપ્યું છે.
મોદીએ જ તૈયાર કરેલા ગુજરાત ભાજપના આ સોશિયલ એન્જિનિયરિંગે વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી તૈયારીનો તખતો તૈયાર કરી નાંખ્યો છે. વિવિધ જ્ઞાતિ અને વર્ગ વિશેષ સમુહમાંથી ગુજરાતમાં ‘મુખ્ય પ્રધાન તો અમારો જ હોવો જોઈએ’ના નિવેદનો વચ્ચે મોદીએ બંને પાટીદારોને ભારત સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે પ્રમોટ કરી અને ઓબીસી સમુહની જ્ઞાતિઓમાંથી આવતા ત્રણ સાંસદોને પોતાની સરકારમાં સમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યાનું કહેવાય છે.
મોદી સરકારના વિસ્તરણથી ગુજરાતમાં માત્ર ક્ષેત્ર અને સામાજિક સંતુલન જ નહિ, સ્વતંત્ર ભારતમાં પહેલી વાર કેન્દ્ર સરકારમાં ગુજરાતી પ્રતિનિધિત્વનું વજન વધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના સિવાય ૮૨ સભ્યોના પ્રધાન મંડળમાં અમિત શાહ સહિત ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રધાનોની સંખ્યા વધીને સાત થઈ છે, જે ઐતિહાસિક છે.
ગુજરાતના પાંચેય પ્રદેશ, સમૂહને સ્થાન
ભાજપની સરકારોમાં સામાન્યપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો જ દબદબો જોવા મળતો હોય છે, પણ ત્રણ ઓબીસી સમુહના સાંસદોને પ્રધાન તરીકે ભારત સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. સાથે સાથે જ ગુજરાતમાં પાંચેય પ્રદેશ અને જ્ઞાતિ, વર્ગ વિશેષ સમૂહ વચ્ચે સંતુલન સાધવામાં આવ્યું છે.
હવે રૂપાણી સરકારમાં વિસ્તરણ નહીં?
લાંબા સમયથી રૂપાણી સરકારમાં પ્રધાન તરીકે સ્થાન મેળવવાની રાહ જોનારા ભાજપના સિનિયર ધારાસભ્યો માટે હવે ૧૪મી વિધાનસભાની આખી ટર્મ એમનેમ પૂર્ણ થાય તેવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં જે વિસ્તારો અને સમુહને પ્રતિનિધિત્વ નથી મળ્યું તેવા ક્ષેત્રો અને સમુહોમાંથી આવતા સાંસદોને ભારત સરકારમાં પ્રધાન તરીકે પોતાની સાથે કામ કરવાની તક આપી છે. આ સાથે જ અહીં ગુજરાતમાં રૂપાણી સરકારમાં વિસ્તરણની શક્યતાઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે. જોકે, ૧૪ મહિના પછી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને રાખીને બોર્ડ- નિગમોમાં રાજકીય નિયુક્તિ નિશ્ચિત છે.
પ્રદેશ ભાજપમાં હવે નવા પ્રભારી આવશે
પ્રધાનમંડળના વિસ્તરણમાં રાજસ્થાનના સાંસદ ભૂપેન્દ્ર યાદવનો પણ સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ભાજપના પ્રભારી છે. હવે તેમણે કેન્દ્રમાં પ્રધાનપદ ધારણ કરતા ગુજરાત ભાજપ માટે રાષ્ટ્રીય સ્તરેથી નવા પ્રભારીની નિમણૂંક કરવામા આવશે તે નક્કી છે.
કુલ ૭ સાંસદ કેન્દ્રમાં પ્રધાન
લોકસભામાં ગુજરાતના ૨૬માંથી ૨૬ સાંસદો ભાજપના છે. જેમાંથી ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરાને પ્રધાન તરીકે સરકારમાં કામ કરવાની તક મળી છે. રાજ્યસભામાં ગુજરાતના ૧૧માંથી ભાજપના ૯ સાંસદો પૈકી એસ. જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે. પહેલાથી રાજ્ય પ્રધાન પદે રહેલા મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાનો હવે કેબિનેટમાં સમાવેશ થયો છે. આમ, ભારત સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ૭ સાંસદોને પ્રધાન પદ મળ્યું છે.

આ ત્રણ નેતાને શા માટે પ્રધાન પદ મળ્યું?

જરદોશ: મૂળ સુરતીઓને ન્યાય મળ્યો
ભાજપમાં દક્ષિણ ગુજરાતના સાંસદ અને સંગઠનના આગેવાનોમાં અન્યાયની લાગણી કાયમ રહી છે. કાશીરામ રાણા બાદ મૂળ સુરતીઓ નેતાને કેન્દ્ર કે રાજ્યમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. આ મ્હેણું મોદીએ તોડયું છે. સાંસદની ત્રીજી ટર્મમાં દર્શના જરદોશને પ્રધાન પદ મળ્યું છે. સુરતમાં ફોટોગ્રાફર, કોર્પોરેટરથી કેન્દ્રમાં પ્રધાન પદે પહોંચનારા જરદોશની પારિવારિક પૃષ્ઠભૂમિકા સ્વાતંત્ર્ય સેનાની અને મહાગુજરાત અભિયાનના ચળવળકર્તા સાથે જોડાયેલી છે.
દેવૂસિંહ: કોંગ્રેસની ખામ થિયરીને ફટકો
દૂરદર્શન-આકાશવાણીની નોકરી છોડીને ચૂંટણી લડનારા દેવુસિંહ ચૌહાણ એક સમયે કોંગ્રેસના ઈશ્વર ચાવડા, ભરતસિંહ સોલંકીના ચૂસ્ત ટેકેદાર હતા. વર્ષ ૨૦૦૭માં મધ્ય ગુજરાતમાં ખામ થિયરીને કારણે અકબંધ રહેલા ખેડા અને આણંદના ગઢને તોડવા નરેન્દ્ર મોદી દેવુસિંહને ભાજપમાં લઈ આવ્યા હતા. આ પ્રતિભાશાળી ઠાકોર નેતા ભાજપમાંથી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. લોકસભાના સાંસદ તરીકે બીજી ટર્મમાં તેમને પ્રધાન પદ મળ્યું છે.
ડો. મુંજપરા: સૌરાષ્ટ્રના કોળી બેલ્ટને પ્રતિનિધિત્વ
સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાનો રાજકીય ભૂતકાળ નથી. વ્યવસાયે તબીબ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા ડો. મુંજપરાની આ પહેલી ટર્મ છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં અને વિશેષતઃ વિરમગામથી મોરબી વચ્ચેના કોળી બેલ્ટમાંથી રાજ્યની સરકારમાં પ્રધાન તરીકે કોઈ જ પ્રતિનિધિત્વ નથી. પછાત સમાજ અને વિસ્તારમાંથી આવતા શિક્ષિત સાંસદને સરકારમાં સ્થાન આપી ભાજપમાં કાયમ પદ, પોર્ટફોલિયાની માંગણી કરતા નેતાઓને સ્પષ્ટ સંકેત આપ્યો છે.

વિવિધ પ્રદેશનું પ્રતિનિધિત્વ

• સૌરાષ્ટ્ર: મુખ્ય પ્રધાન સહિત ૧૨ નેતા સત્તામાં. કેન્દ્રમાં બે પાટીદાર કેબિનેટ પ્રધાન. રાજ્ય સરકારમાં ૩ પાટીદાર કેબિનેટમાં, રાજ્યકક્ષામાં ત્રણ ઓબીસી, ૧-૧ બ્રાહ્મણ, પાટીદાર, ક્ષત્રિય એમ કુલ ૧૨નો સમાવેશ છે.
• કચ્છ: વાસણ આહિર, ગુજરાત સરકારમાં પ્રધાન
• ઉત્તર ગુજરાત: નાયબ મુખ્ય પ્રધાન સહિત ૩ સત્તામાં. ગૃહ પ્રધાન અમિત શાહ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર.
• મધ્ય ગુજરાત: અધ્યક્ષ સહિત ૬ સત્તામાં. વિધાનસભા અધ્યક્ષ (બ્રાહ્મણ), એક કેન્દ્રીય પ્રધાન (ઓબીસી), રાજ્ય સરકારમાં પાટીદાર, ક્ષત્રિય અને બે ઓબીસી રાજ્ય પ્રધાન.
• દક્ષિણ ગુજરાત: પ્રદેશ પ્રમુખ અને ૫ પ્રધાન. ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપરાંત સુરતથી ઓબીસી સમૂહના સાંસદને કેન્દ્રમાં પ્રધાન પદ, રાજ્યમાં બે એસટી અને એક એસસી અને એક પાટીદાર સમુહ એમ છ પ્રધાન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter