ગુજરાત સરકાર દ્વારા અધૂરા અહેવાલથી અંધાધૂંધી

Friday 05th June 2020 06:39 EDT
 
 

ગાંધીનગરઃ ૨૬મી મેએ જાહેર અહેવાલો પ્રમાણે હર્ડ ઇમ્યુનિટીનો સિદ્વાંત અનુસરી ગુજરાત સરકારે પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધી છે. સરકારે કોરોનાના સંક્રમણને લગતી જાણકારીમાં અંધાધૂધી સર્જાય તે હદે સમાચાર માધ્યનો સહિતને કોરોનાના કેસ અંગેની માહિતીઓ આપવાનું પણ બંધ કરી દીધું.
છેલ્લાં કેટલાય સમયથી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુના કેસમાં સતત વધારો થયો અને સમગ્ર બાબતે તંત્રનું કોઇ નિયંત્રણ નથી. ઉપરથી ઘણાં દર્દીઓ હોસ્પિટલોમાં પરેશાન થતાં હોવાના અને સંક્રમણ અમર્યાદિત બનતું હોવાના કિસ્સા સામે આવ્યાના અહેવાલો મળે છે.
ટાંચા સાધનો અને સ્ટાફની ઘટની ઢાંકવાની પ્રયત્નો નિષ્ફળ થતાં ગુજરાત સરકારે સમાચાર માધ્યમોને કરાતાં અધિકારીઓનાં બ્રિફિંગ બંધ કરી દીધાં. આ ઉપરાંત કોરોનાના કેસ મૃત્યુના કેસ જેવી બાબતો જાહેર ન થાય તે માટે આ માહિતી પણ ભળતા-સળતાં સ્વરૂપમાં અપાઇ રહી છે.
અગાઉ ગુજરાત સરકારના ત્રણ પ્રતિનિધિ દિવસમાં ચારેક વાર માહિતી આપતા હતા. આ અધિકારીઓમાં આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં બે વાર એટલે કે સવારે અને સાંજે કોરોનાના કેસની વધઘટ અંગે જાણકારી આપતા. જેમાં જિલ્લાવાર કેસ, મૃત્યુ અને તેના કારણો, ટેસ્ટની સંખ્યા રિકવરી, ક્વોરેન્ટાઇનની સંખ્યા અને તે ઉપરાંત રાજ્ય સરકારે આરોગ્યને લઇને લીધેલાં પગલાંની જાણકારી રહેતી. એક તરફ રાજ્યમાં કોરોના કેસની સંપૂર્ણ માહિતીમાંથી અંશતઃ માહિતી મળી રહી છે ત્યારે બીજી તરફ હાઈ કોર્ટે સરકારની તરફેણમાં ૨૯મી મેએ એવું પણ જણાવ્યું છે કે સરકારની ખામીઓ શોધવાથી ભય પેદા થાય છે. સરકારે કશું જ કર્યું ન હોત તો અત્યાર સુધી આપણે બધા મરી ગયા હોત.
ગુજરાત હાઇ કોર્ટે કોવિડ-૧૯ અંગે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ૩૧મી મેએ સરકારની કામગીરીની સરાહના કરી હતી તથા બિનજરૂરી વિવાદ છેડીને લોકોમાં ભય પેદા કરવાની પ્રવૃત્તિ બદલ વિરોધીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
હાઇ કોર્ટે ૨૯ મેના રોજ જાહેર હિતની અરજી સંદર્ભે આદેશ જારી કર્યો હતો. આ આદેશમાં હાઇ કોર્ટે જણાવ્યું હતું કે જો સરકારે સારું કામ કર્યું હોય તો ચોક્કસપણે તેની સરાહના થવી જોઈએ. સાથે જ હાઇ કોર્ટે કહ્યું હતું કે જાહેર હિતની યાચિકાનો રાજકીય હેતુસર ઉપયોગ થવો જોઈએ નહીં.
આ સાથે જ હાઇ કોર્ટે સોશિયલ મીડિયા તથા અન્ય પ્લેટફોર્મ પર સરકારની કામગીરી અંગે બિનજરૂરી ચર્ચા કે ટિપ્પણીઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનાથી માત્ર લોકોમાં વધુ ભય પેદા થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter