ગાંધીનગર: ગુજરાત સરકારે ૨૯મી એપ્રિલે ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત કરી છે. રૂ. છ લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે, પરંતુ આ અનામતના નામે યુવા સ્વાવલંબન યોજનાનો અમલ કરવાનો સરકારનો આડકતરો ઇરાદો હોવાનો બંધારણના તજજ્ઞો માની રહ્યા છે.
આર્થિક સહાય આપવાની ગણતરી
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હતી, પરંતુ આંદોલનકારીઓએ આ યોજનાને લોલીપોપ કહીને ફગાવી દીધી હતી. પાટીદારોની અનામત અંગેની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકારે યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને જ અનામતના નામે આપીને પાછલા બારણે અનામતના બદલે યોજનાનું અમલ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. કેમ કે, જો સરકાર દસ ટકા EBC પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા જાય તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય તેમ છે. જે ગેરબંધારણીય કહેવાય. પરિણામે સરકાર દસ ટકા EBC અનામતમાં એવું વિચારી રહી છે કે ૪૯ ટકા SC, ST અને OBCની અનામત બેઠકોને બાદ કરતાં ૫૧ ટકા જનરલ બેઠકોમાં કોમન મેરિટ લિસ્ટ બનાવી એમાંથી જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત હશે તેમને યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને આધારે સરકાર આર્થિક મદદ કરશે.
મુખ્ય પ્રધાનનો મત
મુખ્ય પ્રધાન આનંદીબેને જણાવ્યું હતું કે, યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સાથે યુવાનોને આ પ્રસ્તાવિક ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ મળશે. તેમજ પ્રસ્તાવિક અનામતનો લાભ નવા શૈક્ષણિક વર્ષ જૂન, ૨૦૧૬થી મળશે. જેના લાભાર્થીઓમાં તમામ બિનઅનામત જ્ઞાતિઓનો સમાવેશ થશે.
૧૦ ટકા EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ શક્ય નથી
ગુજરાત સરકારે શિક્ષણમાં ૧૦ ટકા આર્થિક અનામત આપવી હોય તો માત્ર વટહુકમના માધ્યમથી આપી શકે નહીં, પરંતુ તેઓ ખાસ કિસ્સામાં આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે અલગ મેરિટ બનાવી શકે છે. તે માટે રાજ્ય સરકારે પોતાના શિક્ષણ વિભાગ દ્વારા અનામતના બદલે ખાસ કોટા નક્કી કરીને આર્થિક રીતે પછાત માટે અલગ મેરિટ બનાવી શકે. પરંતુ બંધારણીય રીતે તેને ખાસ દરજ્જો આપવો પડે. પરિણામે સરકારે જાહેર કરેલી ૧૦ ટકા EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ બહાર પાડવું શક્ય નથી.
EBC નહીં પરંતુ SEBC જોઇએ
કોઇપણ રાજ્યની સરકારે આર્થિક અનામત આપવું હોય તો તેના માટે EBC નહીં પરંતુ SEBCનો દરજ્જો આપવો પડે. આ માટે ગુજરાત વિધાનસભામાં માત્ર કાયદો પસાર કરવાથી મળી શકતું નથી. SEBC આપવા માટે કેન્દ્રમાં રાજ્યસભા અને લોકસભામાં ભારતીય બંધારણમાં એમેન્ડમેન્ટ લાવીને સુધારો કરી SEBCને અનામત આપી શકે છે. અગાઉ કેન્દ્રમાં નરસિંહ રાવની સરકારે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો.
અનામતનું અમલીકરણ નવા શૈક્ષણિક સત્રથી
- સરકારે ૧૦ ટકા EBCમાં ૬ લાખની આવક મર્યાદા નક્કી કરી છે જે આવક મર્યાદા યુવા સ્વાવલંબન યોજનામાં પણ છે.
- યુવા સ્વાવબંન યોજના હેઠળ પ્રતિ વર્ષ રાજ્યના વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦ કરોડ સુધીનો લાભ મળશે એવી જાહેરાત સરકારે કરી હતી. આ યોજનાનું અમલ વર્ષ ૨૦૧૫-૨૦૧૬થી યોજનાનો અમલ થશે. જ્યારે સરકારે જાહેર કરેલી ૧૦ ટકા અનામતનું અમલ પણ નવા શૈક્ષણિક સત્રથી થશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ ૧૨માં ૯૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસક્રમોમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ રૂ. બે લાખ સુધીની ફી સહાય આપશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કરી પ્રથમ ૮૦ પર્સેન્ટાઈલમાં આવતા જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ટેકનિકલ કોર્સમાં ગ્રાન્ટેડ કૉલેજમાં તથા સેલ્ફ ફાયનાન્સમાં પ્રવેશ મેળવશે તેમને આમ ડિપ્લોમાના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી દીઠ રૂ. ૭૫ હજાર સુધીની ફી સહાય રાજ્ય સરકાર આપશે.
- બી.એ., બી.કોમ., બી.એસસી., બી.એડ્.ના ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીદીઠ રૂ. ત્રીસ હજાર સુધીની મર્યાદામાં ફી સહાય સરકાર આપશે.
- સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત ગણવેશ, મફત પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.
નોંધનીય છે કે, રાજ્યપાલની મંજૂરી બાદ ચર્ચાયેલા વટહુકમનો અમલ શરૂ થશે. અમલ થયા બાદ આગામી વિધાનસભામાં આ વટહુકમનો ખરડો પસાર કરીને કાયદામાં સુધારા કરવામાં આવશે.


