ગુજરાતદિને રૂ. ૧૬૦૦ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ

Wednesday 03rd May 2017 08:08 EDT
 
 

અમદાવાદઃ ૫૭મા ગુજરાત સ્થાપના દિવસે ૬૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તીર્થસ્થાનોની યાત્રા માટે ૫૦ ટકા સહાય આપવાની યોજનાનો રાજ્યના મુખ્ય પ્રધાને પ્રારંભ કરાવ્યો હતો. યાત્રા માટે રૂ. ૪ કરોડની જોગવાઇ કરી છે. રાજ્યના સ્થાપના દિવસે બુકફેર, હોમગાર્ડઝ ભવન, સોલા હોસ્ટિલમાં ઓપીડી બ્લોક, આવસ યોજના સહિતની યોજનાઓનો લોકાર્પણ કર્યા હતા. સ્થાપના દિવસ દરમિયાન અંદાજે રૂ. ૧૬૦૦ કરોડની યોજનાનો લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ રિવરફ્રંટ પર પરેડની સલામી પણ ઝીલી હતી. 

તીર્થ સ્થાનોની યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં યાત્રા કરનાર જેટલું પુણ્ય યાત્રા કરાવનારને મળે તેવી શ્રદ્ધા છે. જ્યારે લાલ દરવાજામાં રૂ. ૧૫.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલા હોમગાર્ડઝ ભવનનું લોકાર્પણ કરાયું હતું. સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુચાચા ઉપરાંત અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાયો હતો. સરદારબાગમાં જાહેર સભાને પણ સંબોધી હતી. ત્યારબાદ સોલા હોસ્પિટલમાં ઓપીડી બ્લોકનું લોકર્પણ કરાયું હતું.

રાજ્યની મેડિકલ કોલેજોમાં આવનાર ૨ વર્ષમાં ૫ હજાર બેઠકોની ક્ષમતા મળે અને પીજી ડિગ્રી માટે વધારાની ૨૯ બેઠકો મંજૂર કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતું. સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ હોસ્ટેલ અને પીજી હોસ્ટેલનું લોકાર્પણ કરવા ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા માસ્ટર પ્લાન અંતર્ગત માર્ચ-૨૦૧૭ સુધીમાં સિવિલ હોસ્પિટલના આધુનિકરણ માટે રૂ. ૮૮૮ કરોડનો ખર્ચ કરાયો હોવાનું કહેતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવી ૬૦૦ નર્સિંગ બેઠકોની મંજૂરી મળી છે. ચાલુ વર્ષે ૫૦ નવી નર્સિંગ કોલેજો રાજ્યને પ્રાપ્ત થશે.
ચાંદખેડામાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ૧૩૮ કરોડના ૧૦૦૦ એલ.આઇ.જી.આવાસોનું વિતરણ કરાયું હતું. વહેલી સવારથી હાથ ધરાયેલા લોકાર્પણના વિવિધ કાર્યક્રમોમાં રાજ્યના અન્ય પ્રધાનો ઉપરાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter