અમદાવાદ: ભારતના ૭૧મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશો આપ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતના નાગરિકો આપત્તિને અવસરમાં પલટી નાંખવાની કળા જાણે છે. રાજ્યમાં સુશાસન વધુ સુદૃઢ કરાવાશે. ૩૬૫ દિવસમાં જ સરકારે જનહિતના ૩૬૫થી વધુ નિર્ણયો કર્યા છે. તેમજ ૮૦ હજારથી વધુ યુવાનોને એક વર્ષના ટૂંકા ગાળામાં રોજગારી આપી છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક પરાક્રમી પૂર્વજોએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા અમૂલ્ય બલિદાન આપ્યું હતું. દેશના ૯૦ વર્ષના સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાત હંમેશા અગ્રીમ રહ્યું છે. આપણે સ્વરાજ્ય મેળવ્યું પણ સુરાજ્યનું સપનું અધૂરું રહી ગયું હતું. આઝાદીના ૭ દાયકા સુધી દેશવાસીઓ સુરાજ્યના સપનાં સાકાર થયા નહીં. હવે દેશ સુરાજ્ય અને સુશાસનની કેડી કંડારી રહ્યો છે. તેઓએ કહ્યું કે સ્ટાર્ટ અપ ઈન્ડિયા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ઉજ્જવલા યોજના, જનધન યોજના જેવી અનેક યોજનાઓ તેમજ નોટબંધી કે સર્જીકલ સ્ટ્રાઈક કરીને દેશને દુનિયાભરમાં ગૌરવ અપાવ્યું છે. આજના આ વૈશ્વિક યુગમાં વિકાસની ચર્ચા થાય, સ્પર્ધા થાય એ સ્પર્ધાના આધારે જ વિકાસનું મૂલ્યાંકન થાય હવે વિકાસ વગર ચાલવાનું નથી. લોકોના કામો જલ્દી થાય અને વિકાસના પરિણામોની રાહ જુએ છે. રાજનીતિનું જે ક્લેવર બદલાયું છે તે મુજબ વિકાસની રાજનીતિ સાથે સંપૂર્ણ પારદર્શિતા, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા, નિર્ણાયકતા વગેરેના સ્તંભ પર અમારી સરકાર કામ કરી રહી છે.
માત્ર સત્તા મેળવવી એ અમારો ઉદ્દેશ્ય નથી. સત્તાને સેવાનું માધ્યમ બનાવી જન-જનનો વિકાસ, દરેકની સુખાકારીની ખેવના અને વિકાસના ફળો પહોંચાડવામાં જનસેવા યજ્ઞ આદર્યો છે. યુવાનો-વિદ્યાર્થીઓની શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં યોગ્ય રીતે થાય તે અમારી દિશા છે. આ સરકાર ખેડૂતોની છે ખેડૂતોનું હિત સરકારના હૈયે વસેલું છે.


