ગુજરાતના નાથની પસંદગી અમિત શાહ કરશેઃ પક્ષે જવાબદારી સોંપી
ગાંધીનગર, નવી દિલ્હીઃ ભાજપના હાઇ કમાન્ડે ગુજરાતના નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવાની જવાબદારી અધ્યક્ષ અમિત શાહને સોંપી છે. બુધવારે પાર્લામેન્ટરી બેઠક બાદ વેન્કૈયા નાયડુએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે અમિત શાહનો મુખ્ય પ્રધાન બનવાનો કોઇ સવાલ જ નથી. નવા મુખ્ય પ્રધાનની પસંદગીની સંપૂર્ણ જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે.
નાયડુએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યો જે નામની દરખાસ્ત કરશે એ જ CM બનશે. ધારાસભ્યોની બેઠક અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેઓ પોતે પણ ગુજરાત વિધાનસભાના સભ્ય છે.
બીજી તરફ, એક અહેવાલ એવા પણ છે કે અમિત શાહને ગુજરાતના મુખ્ય પ્રધાન નહીં બનાવવાનો દાવો ખોટો છે. ભાજપ ખરેખર તો અમિત શાહને જ મુખ્ય પ્રધાન બનાવવા માગે છે. બેઠકમાં અમિત શાહ જેવા કદાવર નેતાની હાજરી હશે. આથી કોઈ પણ બીજા કોઇ નેતાના નામની દરખાસ્ત કરવાની હિંમત કરી જ શકશે નહીં. સ્વાભાવિક છે કે મોટા ભાગના ધારાસભ્યો અમિત શાહ મુખ્ય પ્રધાન બનશે તેને જ સમર્થન આપશે! જેની દરખાસ્ત પણ નીતિનભાઇ પટેલ જેવા વરિષ્ઠ નેતા કરે તો પણ નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારે કેશુભાઈ પટેલ રાજીનામું આપવાના હતા એ દિવસે પણ ભાજપનાં ટોચના નેતાઓ જૂઠ્ઠું બોલ્યા હતા. એ સમયે પક્ષે એવી જાહેરાત કરી હતી કે કેશુબાપા જ મુખ્ય પ્રધાન પદે ચાલુ રહેશે. તેઓ રાજીનામું આપવાના નથી, પરંતુ એ જ દિવસે કેશુબાપાએ રાજીનામુ ધરી દીધું હતું.
અત્યારની સ્થિતિ પણ એવી જ છે. અમિત શાહ મુખ્ય પ્રધાન નહીં બને એવી જાહેરાતમાં પણ ભાજપે છળકપટ કર્યું હોય એવું લાગે છે. આ બધી બાબતોની સ્પષ્ટતા ધારાસભ્યોની બેઠક બાદ થઇ જશે.


