અમદાવાદઃ શહેરની સુપ્રસિદ્ધ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં મેડીસિટીના લોકાપર્ણ પ્રસંગે જનસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કાર્યરત વિવિધ વિકાસની યોજનાઓ મોઢે ગણાવી દીધી હતી.
તેમણે જણાવ્યું કે, સાવલીમાં મેટ્રો ટ્રેનના કોચ એક્સપોર્ટ થઇ રહ્યાં છે. આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા સરકારે રૂ. ૧૮૦૦ કરોડની પાણી પુરવઠાની યોજના લાગુ કરી છે. સાબરકાંઠામાં ઇઝરાયલ સાથે મળીને ખેતીના કામો શરૂ થયા છે. આદિવાસી વિસ્તારોમાં ૨૦૦૧ સુધી ૧૨ વિજ્ઞાનની શાળા ન હતી. આજે મેડિકલ કોલેજો બને છે. આદિવાસી વિસ્તારમાં હોસ્ટેલનો લાભ હજારો આદિવાસી વિદ્યાર્થીને મળ્યો છે. વન કાર્ડ વન નેશન સિસ્ટમથી હવે નાણાં જ નહીં, મેટ્રો ટ્રેનનો દેશભરમાં પ્રવાસ કરી શકાશે.
દાહોદ રેલ વર્કશોપમાં ૮૦૦ વેગનોને બદલે ૧૮૦૦ વેગનો બને છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા હજારો પ્રવાસીઓ ગુજરાત પહોંચે છે. ગુજરાતના સમુદ્રી કાંઠા માટે ભારત સરકારે સાગરમાલા પ્રોજેક્ટ માટે રૂ. ૭૫ હજાર કરોડની સહાય કરી છે. ૫૦૦૦ વર્ષ પુરાણા લોથલ બંદરનું સામુદ્રિક જીવન જાણવા નેશનલ હેરિટેજ મ્યુઝિયમ બનાવાશે, જે વિશ્વના ટુરિસ્ટોનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
અમદાવાદ સિવિલમાં મેડીસિટીમાં એક સાથે ૧૦ હજાર ડોક્ટરો ૧૦ હજાર ગરીબ દર્દીને સારવાર આપશે. દેશમાં આજે ૧૫ ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સીસ (‘એઇમ્સ’) બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એક સમયે ગરીબોને ભગવાનના સહારે છોડી દેવાયા હતા. પૈસાના અભાવે ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં જ જતા ન હતાં. આજે દર્દીઓને આયુષ્યમાન ભારત થકી સારી તબીબી સુવિધા મળતી થઇ છે.


