ગાંધીનગરઃ ગુજરાતના વહીવટી તંત્રનું સુકાન ધારણા મુજબ વરિષ્ઠ આઇએએસ અધિકારી પંકજ કુમારને સોંપાયું છે. તેમણે ૩૧મી ઓગસ્ટની સાંજે અનિલ મુકીમની નિવૃત્તિ પછી મુખ્ય સચિવ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ૨૭ ઓગસ્ટે સવારે પંકજ કુમારની વરણી સંદર્ભે સામાન્ય વહીવટ વભાગે જાહેરનામું બહાર પાડતાંની સાથે જ બ્યૂરોક્રસી સહિત સચિવાલયમાં ખુશાલી વ્યાપી ગઈ હતી અને દિવસભર મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીગણે તેમને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા આપી હતી.
ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ પદે ફરજ બજાવી રહેલા પંકજ કુમાર તેમની ૧૯૮૬ની બેચમાં સૌથી સિનિયર છે અને એમના પછી સિનિયોરિટીના ક્રમમાં પંચાયત વિભાગ સંભાળતા એસીએસ વિપુલ મિત્રા અને ઉદ્યોગ વિભાગના એસીએસ ડો. રાજીવ ગુપ્તા આવે છે. સરકારે જો ઇચ્છ્યછયું હોત તો સિનિયોરિટી ડિસ્ટર્બ થઈ શકી હોત, પરંતુ તેમ નહીં થતાં અધિકારીઓ સરકારના આ વલણને વધાવી રહ્યા છે.
બિહારના પટણાના વતની એવા પંકજ કુમાર મોદીશાસન વખતે સીએમઓ ખાતે સચિવપદે હતા. તેઓ પોર્ટ, મહેસૂલ જેવા મહત્ત્વના વિભાગોનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેઓના રિટાયરમેન્ટ આડે હવે નવ મહિનાનો સમય બચ્યો છે. જીએડીએ નવા ચીફ સેક્રેટરીને આવકારવા તથા વર્તમાન ચીફ સેક્રેટરીને વિદાયમાન આપવા ૩૧મીએ સાંજે સમારોહ યોજ્યો હતો. પંકજ કુમાર મુખ્ય સચિવ પદનો ચાર્જ સંભાળશે. એ સાથે એ જ દિવસે બીજી પણ કેટલીક મહત્ત્વની જગ્યાઓની બદલીઓના ઓર્ડર નીકળશે એમ મનાય છે.