ગુજરાતના મ્યુનિ. કોર્પોરેશનોમાં ‘કમળ’ ખીલ્યું, ગામડાંઓમાં ‘પંજો’ ફરી વળ્યો

Friday 04th December 2015 05:47 EST
 
 

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના મતદારોએ બે તબક્કામાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જાણે ઇતિહાસનું પુનરાવર્તન કરતા હોય તેમ કોંગ્રેસ પર વિજયકળશ ઢોળ્યો છે. બુધવારે જાહેર થયેલા પરિણામો અનુસાર ૭૭ ટકા ગ્રામ્ય વિસ્તારો અને ૩૩ ટકા શહેરી વિસ્તારો કોંગ્રેસે મેળવ્યા છે. શહેરોના ૧.૩૦ કરોડ મતદારો હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોની સંખ્યા ૨.૨૩ કરોડ હતી. મતલબ કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસે વધારે જીત મેળવી છે. આ ટકાવારી મુજબ કોંગ્રેસનો વિજય ભાજપ કરતાં વધારે મજબૂત છે. ૩૬ નગરપાલિકાની બેઠકો એવી છે કે જે અર્ધ શહેરી અને અર્ધ ગ્રામ્ય છે. જે ૩૬ વિધાનસભાની બેઠકો ઉપર અસર કરે છે. જેમાં વિધાનસભાની ચૂંટણી ઉપર અસર થઈ શકે છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ચિંતા કરવી પડે તેવી સ્થિતિ ભાજપની જણાઇ રહી છે. કારણ કે કોંગ્રેસને જે સ્થાનિક સ્વરાજ્યની બેઠકો મળી છે તેમાં વિધાનસભાની બેઠકો પ્રમાણે જીતની શક્યતા વધી જાય છે. બહુમતી મતદારો ઉપર કોંગ્રેસનો વધારે દબદબો રહ્યો છે.

ગુજરાતમાં પુખ્ત લોકશાહી

ગુજરાતમાં કુલ ૧૧ પ્રાદેશિક પક્ષો બન્યા છે અને વિલીન થયા છે. છેલ્લો પક્ષ ગુજરાત પરિવર્તન પક્ષ હતો. આ ચૂંટણી બાદ હવે સ્પષ્ટ છે કે, રાજ્યમાં બે જ પક્ષો ભાજપ કે કોંગ્રેસ જ નાગરિકોને પસંદ છે. ત્રીજા પક્ષને કોઈ સ્થાન નથી. યુરોપ અને અમેરિકાની જેમ ગુજરાતમાં પણ પુખ્ત લોકશાહીની જેમ બે પક્ષોનું અસ્તિત્વ રહ્યું છે જેમાં એક પક્ષ નિષ્ફળ જાય તો બીજા પક્ષને નાગરિકો મત અને તક આપે છે.

કોંગ્રેસયુક્ત ગુજરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. તે ત્યારે કેટલેક અંશે સાચું ઠર્યું હતું, પરંતુ આ ચૂંટણીમાં સૂત્રનો રંગ જામ્યો નહીં. અહીં કોંગ્રેસયુક્ત ગુજરાત બની રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો કોંગ્રેસયુક્ત ગુજરાત સૂત્ર જ સાર્થક બન્યું છે.

વિધાનસભામાં કોણ?

આ ચૂંટણીના પરિણામનો સીધો અર્થ એ નીકળે છે કે, કોંગ્રેસ પાસે મતનો પાયો વધારે મજબૂત થયો છે. જો વિધાનસભાની ચૂંટણી અત્યારે થઈ હોત તો ભાજપ માટે કપરાં ચઢાણની સ્થિતિ સર્જાઈ હોત.

શહેરની વિધાનસભા બેઠકો

છ મ્યુનિ. કોર્પોરેશનની બેઠકમાં વિધાનસભાની ૪૨ બેઠકો છે. જેમાં ૧૦૦ ટકા શહેરી વિસ્તારો ધરાવતી હોય તેવી ૩૫ છે. બાકી અર્ધ ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારોમાં ૧૦ ટકા બેઠકો કોંગ્રેસ પાસે અને ૯૦ ટકા બેઠકો ભાજપ પાસે છે.

ગ્રામ્ય વિધાનસભાની બેઠકો

ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભાની વધુ બેઠકો છે. મ્યુનિ. કોર્પો. અને મ્યુનિસિપાલિટીના ૧૦૦ ટકા શહેરી વિસ્તારોની બેઠકો ૬૦થી વધતી નથી. જ્યારે ગ્રામ્યની ૧૦૦થી વધુ બેઠકો છે. જેમાં શહેરોમાં ૧૦ ટકા બેઠકો પર કોંગ્રેસની જીત થઈ. ૨૦ ટકા ગ્રામ્ય વિસ્તારોની બેઠકો પર આ પરિણામોમાં ભાજપનો પ્રભાવ દેખાયો.

લોકસભાની ૨૬ બેઠકો ભાજપની

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદારોએ ૨૬માંથી ૨૬ બેઠકો ભાજપને આપી હતી. આજે એ જ મતદારો ૧૭ મહિનામાં જ ભાજપથી વિમુખ થઈ રહ્યાં છે. મતદારો કાયમ ગણતરીપૂર્વક મતદાન કરે છે. આ વખતે પણ એવું સ્પષ્ટ થયું છે.

સત્તાધારી પક્ષની જીતની પરંપરામાં બ્રેક વાગી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટાભાગે સત્તાધારી પક્ષનો વિજય થતો આવતો હોય છે. ૧૯૮૮માં અમરસિંહ ચૌધરીની સરકારથી આ પરંપરા અકબંધ હતી, પણ આ ચૂંટણીથી એમાં બ્રેક વાગી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter