ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ લીધાં

Wednesday 24th July 2019 07:25 EDT
 
 

અમદાવાદઃ રાજ્યપાલ ઓ. પી. કોહલીની વિદાય બાદ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલપદે નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે ગાંધીનગરમાં રાજભવનમાં આયોજિત શપથવિધિમાં આચાર્ય દેવવ્રતે સંસ્કૃતમાં શપથ લીધાં હતાં અને ગુજરાતના રાજ્યપાલ તરીકે પદ સંભાળ્યું હતું.
શપથવિધિ સમારોહ અગાઉ મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલા નિયુક્તિ પત્રનું પઠન કર્યું હતું. એ પછી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ. એસ. દવેએ આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. શપથવિધિ ગ્રહણ કરતાં પહેલા લેડી ગવર્નર દર્શના દેવીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરી હતી.
શપથવિધિ બાદ રાજ્યપાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી અને રેટિંયો કાંતીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે આશ્રમમાં ગાંધીજીની ચીજવસ્તુઓને રસપૂર્વક રીતે નિહાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter