ગુજરાતના સિંહોની લંડનમાં કમાણીઃ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક લાયનની એક જોડી લંડન ઝૂમાં મોકલાઇ છે. જ્યાં તેમને જોવા ટિકિટ રાખવામાં આવી છે. ટિકિટમાંથી થતી આવકનો અમૂક હિસ્સો લંડન ઝૂ સોસાયટી દ્વારા ગુજરાત સરકારના વન વિભાગને સિંહ સંવર્ધનના વિશેષ કાર્યક્રમો માટે આપવાનો નિર્ણય લેવાયો છે. એ પેટે વન વિભાગને ભારત સરકારના માધ્યમથી અંદાજે ૨.૫૦ કરોડ રૂપિયા મળ્યા છે. જેમાંથી સિંહના સંવર્ધન અને સંશોધનના કાર્યક્રમો હાથ ધરાયા છે.
• બેંકની ભૂલથી ખાતામાં રૂ. ૧૮.૮૫ કરોડ જમાઃ દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોજિંદો હજ્જારો કરોડના વ્યવહાર થતાં હોય છે, પરંતુ કોઈ સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાં સીધા કરોડો રૂપિયા આવી જાય તો શું હાલત થાય? ગાંધીનગરમાં રહેતા અને રાધિકા મોટર્સ નામની ફર્મ ચલાવતા સુનિલભાઈ શાહના બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં ૨૮મી મેએ બપોરે ૧.૩૬ કલાકે રૂ. ૧૮.૮૫ કરોડ જમા થઈ ગયા હતા. બેંકની ભૂલના કારણે આરટીજીએસથી અન્ય કંપનીને મોકલવાના નાણાં આ વેપારીના એકાઉન્ટમાં જમા થયા હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે.
• જવાનોને બંધક રાખવામાં વિપુલ વિજોય દોષીઃ કરાઇ ખાતે પોતાના બંગલાનાં ગેરેજમાં ૧૩ પોલીસ કર્મચારીઓને બંધક બનાવનારા આઈપીએસ અધિકારી વિપુલ વિજોયને ૨૬મીએ દોષિત જાહેર કરાયા છે. હવે તેમની સામે ખાતાકીય પગલાં લેવાશે. તપાસ સમિતિનાં અહેવાલ બાદ ગુજરાતનાં ગૃહ ખાતા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે સાત-આઠ મહિના પહેલાં ગાંધીનગર ખાતે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હતી. એ સમયે અમુક પોલીસમેનોએ મોબાઇલ ફોનથી પોતાને બંધક બનાવાયા હોવાનું વીડિયો શૂટીંગ કરીને અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

