અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક ભાગોમાં બુધવારે મોડી રાત્રે મહા માસમાં ભર ચોમાસા જેવો માહોલ જામ્યો હતો અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદથી ઘઉં, કેરી, જીરું, વરીયાળી, ઈસબગુલના પાકને ખૂબ જ નુકસાન થયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ આમ પણ રાજ્યમાં શિયાળા-ઉનાળની મિશ્ર ઋતુ અનુભવાઇ રહી છે ત્યાં હવે ચોમાસુ પણ ઉમેરાતા આશ્ચર્ય ફેલાયું છે. અમદાવાદમાં બુધવારે રાત્રે ૨:૩૦ કલાકે પ્રચંડ ગાજવીજ શરૂ થઇ ગઇ હતી તેમજ પવન ફૂંકાયો હતો. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે વહેલી સવારે ઝાપટું પડયું હતું.
અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનથી પલ્ટો
પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે વાતાવરણમાં પલ્ટો આવતા વાવાઝોડાનો માહોલ સર્જાયો છે. બુધવારે મોડી સાંજથી આ ચક્રવાત મધ્ય રાજસ્થાન અને ત્યાર બાદ ઉત્તર તરફ શિફ્ટ થવાનો આરંભ થયો હતો.
રાજ્યભરમાં રવી પાક, મસાલા પાકોને વ્યાપક નુકસાન
રાજ્યમાં જીરું, ઇસબગુલ, એરંડા, કેરી, ચણા અને ઘઉંના પાકમાં નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં કરા અને અમરેલી પંથકમાં વરસાદથી આંબા પર મોરવા ખરી પડયા છે. કેસર કેરી હાલમાં સોપારીથી વટાણાની સાઇઝમાં છે. વાતાવરણ વાદળછાયું રહ્યું તો રવી પાકોમાં રોગજીવાત આવવાની સંભાવના છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદથી રાજ્યમાં વાવેતર કરાયેલા ચણાના પાકને પણ અસર પહોંચી છે. ગત વર્ષે પણ ફેબ્રુઆરી અને માર્ચમાં કમોસમી વરસાદથી દેશમાં રવી પાકને રૂ. ૨૦ હજાર કરોડનું નુક્સાન થયું હતું.
સ્ટેટ રાઉન્ડ અપઃ વીજળી પડતાં એક મોત
• મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો
• આમોદના સીમરથા ગામે વીજળી પડતા એકનું મોત નીપજ્યું
• મોરવાના રામપુર ગામે આકાશી વીજળી પડતાં મકાનમાં આગ ભભૂકી
• ગરુડેશ્વર તાલુકામાં ખાડીમાં પુર આવતા બે પશુ તણાઇ ગયા
• સંજેલીના કકડા મહુડી ગામે વીજળી પડતા ચાર પશુના મોત
• પંચમહાલ-હાલોલ, કાલોલ, જાંબુઘાડો, ગોધરા, લુણાવડા, કડાણામાં માવઠા
• સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં માવઠું
• નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાતા ચીખલી, ખેરગામ અને • બીલીમોરા ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો.
• રિંગણ, તુરિયા, દુધી, પરવળ, લસણ અને ચીકુવાડીને પણ અસર
• ઘઉં, ચણા, મગ, તુવેરની લણણીને પણ મોટા પાયે નુકસાન
• વલસાડ પંથકમાં આંબાવાડીમાં મોર ખરી પડવાની સ્થિતિ સર્જાઈ
• બાબરા માર્કેટ યાર્ડમાં પ૦૦ મણ કપાસ પલળી ગયો
• ભાવનગર જિલ્લામાં કેરીના પાકને માવઠાંથી વ્યાપક નુકસાન
• સોસિયા, અલંગ, મણાર સહિતના ગામમાં કેરીનો પાક ખરી પડયો
• મરચા, જીરું, ઘઉંના પાકને પણ મોટા પાયે અસરથી ખેડૂતો ચિંતામાં
• ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું, ઘઉં, રાયડાને નુકસાનની ભીતિ
• પ્રાંતિજ અને ખંભીસર પંથકમાં બે જગ્યાએ વીજળી પડી
• સાબરકાંઠા-અરવલ્લીમાં તોફાની પવનથી ઉભા પાકનો સોથ વળ્યો
• સાણંદ, બાવળા, ધોળકા પંથકમાં કમોસમી વરસાદ, સાણંદમાં કરા પડયા
• ચરોતરમાં માવઠાથી તમાકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું
વરસાદથી સાત ફ્લાઇટો લેઇટ
અમદાવાદથી મુંબઇ અને દિલ્હી જનારી સાત ફ્લાઇટ એક કલાકથી બે કલાક મોડી ટેક-ઓફ થઇ હતી. સવારે એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી, ઇન્ડિગોની અમદાવાદ-દિલ્હી, વિસ્તારા એરલાઇન્સની અમદાવાદ-દિલ્હી, ગો એરની અમદાવાદ-મુંબઇ, એરકોસ્ટાની બેંગ્લોર-અમદાવાદ, એર ઇન્ડિયાની દિલ્હી અને અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ તેમજ એમિરેટસ એરલાઇન્સની દુબઇ-અમદાવાદની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોડી પડી હતી. એર ઇન્ડિયાના સવારે ૬.૩૦ વાગે અમદાવાદથી લંડન જનાર જમ્બો એરક્રાફ્ટના એન્જીન પાર્ટસમાં ખામી સર્જાતા ફ્લાઇટને રદ કરાઇ હતી. અંદાજે ૧૪૦ પેસેન્જરોને એરપોર્ટ નજીકની હોટેલમાં ઉતારો અપાયો હતો.


