ગુજરાતની આઠ હસ્તીઓને પદ્મ સન્માન

Wednesday 30th January 2019 05:57 EST
 
 

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિન નિમિતે ગુજરાતના ૮ પ્રતિભાવંત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા નિર્ણય લેવાયો હતો. આ મહાનુભાવોમાં ‘ગુજરાત સમાચાર’ પરિવારના લેખક અને દસકાઓથી લોકકલા ક્ષેત્રે સંશોધન-સંવર્ધન કામ કરતા જોરાવરસિંહ જાદવ, અમદાવાદ સ્થિત પ્રખ્યાત આર્કિટેક્ટ બિમલ પટેલ, વડોદરા સ્થિત પ્રખ્યાત ચિત્રકાર જ્યોતિ ભટ્ટ, દિવ્યાંગોના ઉત્કર્ષ ક્ષેત્રે સક્રિય સુરેન્દ્રનગરના મુક્તાબહેન પંકજકુમાર ડગલી, આર્ટ પેઈન્ટિંગ ક્ષેત્રે કચ્છના અબ્દુલ ગફુર ખત્રી, કૃષિક્ષેત્રમાં વલ્લભભાઈ વશરામભાઈ મારવાણિયા, ગણપત યુનિવર્સિટીના ગણપતભાઈ પટેલ અને વરિષ્ઠ રાજકીય સમીક્ષક - લેખક નગીનદાસ સંઘવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાક દસકાથી દક્ષિણ આફ્રિકામાં વસતા અને આફ્રિકા સરકારમાં નાણાં પ્રધાન સહિતની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂકેલા પ્રવીણ ગોરધનને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. ૯૬ વર્ષે પણ અડીખમ વલ્લભભાઈ મારવાણિયા કહે છે કે પરતંત્ર ભારતકાળ એમણે જોયો છે અને એ સમયના જૂનાગઢના નવાબ પાસેથી રૂ. ૪૨ હજી લેણાં નીકળે છે.
વલ્લભભાઈ મારવાણિયાઃ વલ્લભભાઈ આઝાદી પહેલાં જૂનાગઢના ખામધ્રોળ ગામે પિતા સાથે શાક વેચવા જતા હતા. એ સમયે પશુનો ચારો ગાજર ગણાતાં. ૧૯૪૩માં જૂનાગઢના નવાબને ઘરે શાકભાજી પણ વલ્લભભાઈને ત્યાંથી જતા હતા. જોકે, ભાગલા પછી નવાબ પાકિસ્તાન ચાલ્યા જતા તેમના રૂ. ૪૨ આજે પણ નવાબ પાસેથી લેણાં નીકળે છે. તેમના પુત્ર અરવિંદભાઈ પણ આ જ વ્યવસાયમાં છે.
બિમલ પટેલઃ ૩૧ ઓગસ્ટ ૧૯૬૧ના રોજ જન્મેલા ડો. બિમલ પટેલ આર્કિટેક ક્ષેત્રે ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ‘સેપ્ટ’ના ચેરમેન છે. ભોપાલની સ્કૂલ ઓફ પ્લાનિંગ અને આર્કિટેકના બોર્ડ ઓફ ગર્વનરના તેઓ ચેરમેન છે. અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટની ડિઝાઈન પણ તેમણે જ તૈયાર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે જેને લઈને હું વિનમ્રતા સાથે સન્માનની લાગણી અનુભવું છું.
જોરાવરસિંહ જાદવઃ ધંધૂકાના આકરુ ગામના વતની જોરાવરસિંહ જાદવનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ થયો હતો. બાળપણથી જ કલા અને સાહિત્યના રસના કારણે તેમણે સાહિત્ય, સંસ્કૃતિ, શિલ્પસ્થાપત્ય લોકનૃત્ય, લોકસંગીત, લોકનાટ્ય, લોકકલામાં પારંગત થઈ અને લોકકલા ફાઉન્ડેશનની તેમણે સ્થાપના કરી. હાલ તેમની સંસ્થા દ્વારા ગુજરાત લોકકલા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમણે ૯૪ પુસ્તકો લખ્યાં છે.
જ્યોતિન્દ્ર ભટ્ટઃ ૧૨ માર્ચ ૧૯૩૪માં ભાવનગરમાં જન્મેલા અને વડોદરા વસેલા આર્ટિસ્ટ જ્યોતિન્દ્ર ભટ્ટને પદ્મશ્રી એવોર્ડ જાહેર થયો છે. ૧૯૬૬માં જ્યોતિ ભટ્ટે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી પેન્ટિંગ અને લલિતકલાનું જ્ઞાન લીધું હતું. તેમણે દેશ-વિદેશમાં ભ્રમણ કરીને લાખો ફોટો ક્લિક કર્યાં છે. તેમનો ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારની મહિલાઓનો નદી કાંઠે પાણી ભરતો ફોટો જગવિખ્યાત છે.
મુક્તાબહેન ડગલીઃ અમરેલીના નાના આંકડિયાના વતની અને અગાઉ અમરેલીની અંધશાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુક્તાબહેન ડગલી હાલ સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની સંસ્થા ચલાવે છે. મુક્તાબહેન અને તેમના પતિ પંકજભાઈ ડગલી બંને પ્રજ્ઞાચક્ષુ છે. મુક્તાબહેન પટેલ જ્ઞાતિમાંથી છે અને પંકજભાઈ વણિક છે. બે દાયકા પહેલાં બંનેએ અમરેલીની અંધશાળામાં શિક્ષણનો યજ્ઞ શરૂ કર્યો હતો.
અબ્દુલ ગફુર ખત્રીઃ પેઢી દર પેઢીથી રોગાન કલા સાથે સંકળાયેલા નખત્રાણા તાલુકાના નિરોણા ગામના અબ્દુલ ગફુલ ખત્રી ૪૦ વર્ષથી રોગાન કલાના રંગે રંગાયેલા છે તેમણે જણાવ્યું હતું કે, વંશ પરંપરાગત રીતે તેઓ આ કલા સાથે સંકળાયેલા છે. ૧૯૯૭માં પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા આ કલાકારે કહ્યું હતું કે, તેમના પરિવારને અત્યાર સુધી ૫ રાષ્ટ્રીય અને ૧૪ રાજ્ય પારિતોષિક મળ્યાં છે.
નગીનદાસ સંઘવીઃ ૯૯ વર્ષીય રાજકીય સમીક્ષક - લેખક નગીનદાસ સંઘવીને એમની કલમ દ્વારા વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિને ઉપલક્ષમાં રાખીને પદ્મ સન્માન એનાયત થયું છે. નગીનભાઈ રાજકીય કટારલેખન કરતા હોવા ઉપરાંત તેમના વેગળા વિષયનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. મોરારિબાપુની દેશવિદેશમાં યોજાતી કથામાં નગીનભાઈ નવી પેઢીના શ્રોતા સમક્ષ બાપુની વાણીનો અંગ્રેજી તરજુમો રજૂ કરવાનું કાર્ય સંભાળે છે.
ગણપતભાઈ પટેલઃ યુએસમાં સ્થાયી થયેલા ૭૪ વર્ષીય ગણપતભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ છે. અમેરિકામાં ઈલેકટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ગણપતભાઈએ આત્મવિશ્વાસ, લગન અને પરિશ્રમ થકી પોતાના વ્યવસાયનું સામ્રાજ્ય વિશ્વભરમાં ફેલાવ્યુ અને ત્યારબાદ ગુજરાત રાજ્યમાં હાઈટેક શિક્ષણને પ્રોત્સાહન આપવા વૈશ્વિક સ્તરની ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter