ગુજરાતની ક્ષત્રિય દીકરી દેવકીબા યુએસ આર્મીની ન્યુક્લિયર સ્પેશ્યાલિસ્ટ બનશે

Wednesday 30th September 2020 07:37 EDT
 
 

વોશિંગ્ટનઃ ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરી અમેરિકામાં ૩ મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. ૨૭મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઠેર ઠેર ઉજવણી થઇ હતી ત્યારે ગુજરાતની આ દીકરી દેવકીબાની સિદ્ધિને પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા તેને વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવ્યી હતી.
યુએસ આર્મીમાં CBRN સ્પેશિયાલિસ્ટ બનશે
સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠાના વિસ્તાર ગણાતા દસાડા તાલુકામાં આવેલા ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની ૨૦ વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ તાજેતરમાં અમેરિકન આર્મીની ૩ મહિનાની ખૂબ જ આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી છે. તે એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનિંગ (AIT)માં પ્રવેશ મેળવી CBRN (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર) સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે.
દવેકીબાએ તાજેતરમાં જ ૩ મહિનાની આકરી ટ્રેનિંગ પૂરી કરી છે તેનાથી અમેરિકામાં રહેતા તેના પિતા કનકસિંહ ઝાલા ગદગદિત છે.
કનકસિંહ જણાવે છે કે, મારી દીકરીએ ૬૫ પાઉન્ડ વજન સાથે ૧૦ માઇલનો વોક, ગેસ ચેમ્બરમાં કામ, બોમ્બ ફોડવા અને રાઇફલો ચલાવવાની તાલીમ લીધી છે.
પરિવારમાં ૩ બહેન અને એક ભાઈ
માતા-પિતા અને સહોદરો સાથે લોસ એન્જલ્સમાં રહેતી ૨૦ વર્ષીય દેવકીબા કનકસિંહ ઝાલા અમેરિકામાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. દેવકીબાને બે બહેન અને એક ભાઈ છે. દેવકીબાની નાની બહેન વૈદેહીબાને પણ કાર્ડિયોસર્જનનો જ અભ્યાસ કરવો છે અને અમેરિકન આર્મીમાં જોડાવવાનું સ્વપ્ન સેવી રહી છે જ્યારે વૈદેહીબાથી નાના ટ્વિન્સ ભાઇ-બહેન દર્શનસિંહ અને દર્શનાબા હાલમાં અમેરિકામાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યાં છે.
દેવકીબાનો પિતરાઈ ભાઈ પણ US એરફોર્સમાં
કનકસિંહ ઝાલાના ભાઈ ઘનશ્યામસિંહ ઝાલાનો દીકરો જયદેવસિંહ ઝાલા પણ હાલમાં અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવીને ઝીંઝુવાડા ગામનું અને ઝાલા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter