ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યોની ચૂંટણીએ એવું મહત્ત્વ ધારણ કર્યું છે જાણે ભારતીય લોકશાહીનું ભાવિ જ નહિ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સોનિયા ગાંધી અને ખાસ તો, ૧૩૨ વર્ષ જૂના રાજકીય પક્ષના અધ્યક્ષ તરીકે તાજપોશી થવાની છે તે રાહુલ ગાંધીના ભાવિ માટે પણ તે મોખરે હોય. ભારતમાં છ ટકાના ભૂમિ એરિયા અને પાંચ ટકાની વસ્તી સાથે ગુજરાત પ્રમાણમાં નાનું રાજ્ય હોવા સાથે અર્થતંત્ર, ઉદ્યોગ, નિકાસ, ઉદ્યોગસાહસિકતા અને રોકાણો બાબતે અગ્રેસર છે.
વર્તમાન વિધાનસભામાં ભાજપ પાસે ૧૧૫ બેઠકો સાથે બહુમતી અને કોંગ્રેસની માત્ર ૬૦ બેઠક છે. ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓમાં ભાજપ પાસે ૧૩૨ બેઠક જેટલી બહુમતી હતી અને કોંગ્રેસની પાંખી હાજરી જ હતી. ડિસેમ્બરની ૯ અને ૧૪ એમ બે તબક્કામાં થનારા મતદાનનું પરિણામ ૧૮ ડિસેમ્બરે જાણવા મળશે. ગત થોડા મહિનામાં તો ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી ‘કરો યા મરો’ ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે અને મુખ્ય પ્રધાન વિજય રુપાણીના વડપણ હેઠળના ભાજપને હરાવવા કોંગ્રેસ પાર્ટીએ તેના તમામ સ્રોત ઉપયોગમાં લીધા છે. રાહુલ ગાંધી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતમાં કોઈ જ વિકાસ થયો નથી અને આ દર્શાવવા તેમણે ‘વિકાસ ગાંડો થયો છે’ સૂત્ર વહેતું મૂક્યું છે. માયાવી શબ્દજાળ ગમે તે કહે પરંતુ દેખીતી હકીકત એ છે કે તેમાં કોઈ જ સત્ય નથી. તેમનું કહેવું એ છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીએ ગુજરાતને જે વચનો આપ્યા છે તે પૂર્ણ કરાયા નથી.
કોંગ્રેસ પાર્ટી ભાજપની સામે આક્ષેપો કરવા સિવાય બીજું શીખી નથી. રાજ્યના વિકાસ માટે વૈકલ્પિક એજન્ડા પૂરો પાડવામાં તે સદંતર નિષ્ફળ નીવડી છે. આ અધુરું હોય તેમ તેમની મુખ્ય રણનીતિ વિવિધ જાતિઓ પટેલ, OBC અને SC/STનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ માવાણી સાથે ગઠબંધન સાધવાની હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ એમ માને છે કે લોકો ૧૯૮૪માં ગુજરાતમાં શું થયું તે ભૂલી ગયા હશે. તે સમયે તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીએ ખુલ્લેઆમ ‘KHAM-ક્ષત્રિય હરિજન, આદિવાસી અને મુસ્લિમ’ નામે ઓળખાયેલું જ્ઞાતિવાદી સમીકરણ રચ્યું હતું. આ સમીકરણે કોંગ્રેસને અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૯ બેઠક પર વિજય અપાવ્યો હતો. આ પછી, ફાટી નીકળેલા રમખાણોએ સોલંકીને ઘેર બેસાડ્યા હતા.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ નરેન્દ્ર મોદીની ડિમોનિટાઈઝેશન અને ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ નીતિઓનો બોલકો વિરોધ કરી રહ્યા છે. આમ છતાં, એક વાત સ્વીકારવી જ રહી કે આ બંને પગલાં હિંમતભર્યા અને દૂરદર્શિતા ધરાવનારા છે, જેની પ્રશંસા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પણ કરી છે. ગત ૭૦ વર્ષમાં કેન્દ્રમાં કોંગ્રેસ અથવા રાજ્ય સરકારે આવા ધરખમ સુધારા કરવાની હિંમત કે દૂરંદેશી દર્શાવી નથી.
નરેન્દ્ર મોદી વિશે કોઈને ગમે તે વાંધા-વિરોધ હોય, તેમણે શાસનના સાડા ત્રણ વર્ષમાં સિદ્ધ કર્યું છે કે તેઓ હિંમત, દૃઢ વિશ્વાસ અને કઠોર પરિશ્રમથી સભર છે તથા લોકશાહી અને ધર્મનિરપેક્ષતાના દાયરામાં રહીને ભારતીય વહીવટીસેવા અને સમાજના માળખાને બદલવા કઠિન પ્રયાસો કરવા તત્પર છે. ભારત એ ચીન નથી, જ્યાં સરકાર મનસ્વીપણે ગમે તે આયોજન કે કાયદા ઘડી શકે છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસને બીજો પસંદગીનો વિષય કોમવાદી સુમેળનો રહ્યો છે. રાહુલ ગાંધીનું વર્તમાન અભિયાન ઉપરોક્ત ત્રણ યુવાનોના જ્ઞાતિજૂથો અને આદિવાસીઓ અને મુસ્લિમ્સની વસ્તીના વિસ્તારોમાં કેન્દ્રિત રહ્યું છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ સાચા કે ખોટા આક્ષેપોની ઝડી વરસતી હોય ત્યારે લોકો સાંભળવા ટોળે મળે તે સ્વાભાવિક છે. પરંતુ, યુવાન ગાંધી દર વખતે એ ભૂલી જાય છે કે લોકોને સરકારે લાવેલા સુધારા યાદ છે. તેઓ જાણે છે કે ૨૦૦૨ પછી આઝાદીના આટલા વર્ષોમાં ગુજરાત પ્રથમ વખત કોમવાદી રમખાણોથી મુક્ત રહ્યું છે. કોમવાદી સુમેળ રહ્યો છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતને લગભગ ૧૨ વર્ષ જે મજબૂત નેતૃત્વ આપ્યું તે હવે સમગ્ર ભારતને મળી રહ્યું છે. આજે આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ભારત, અમેરિકા, જાપાન, વિયેટનામ તથા અન્ય દેશોએ સાથે મળીને સામ્રાજ્યવાદી ચીનને હંફાવવા માળખું ઘડ્યું છે તેમાં મોદીની દૂરદૃષ્ટિ જ કામ કરી રહી છે.
ભારતમાં પ્રથમ અને પાયારુપ રાજકીય પક્ષ તરીકે જેનો આરંભ થયો તે કોંગ્રેસ પાર્ટી આજે બે ગંભીર રોગ- પોલિસી પેરેલિસીસ અને વ્યાપક ભ્રષ્ટાચારથી ગ્રસ્ત છે. નરેન્દ્ર મોદીના સાડા ત્રણ વર્ષના શાસનમાં તેમને અથવા તેમની કેબિનેટના સભ્યોને સાંકળતું એક પણ કૌભાંડ સાભળવા પણ મળ્યું નથી. પ્રજા આ બધુ પણ જુએ છે, સાંભળે છે અને જાણે છે.
(વધુ વિગતો માટે એશિયન વોઈસનો તારીખ
૨૫-૧૧-૨૦૧૭નો અંક વાંચવા વિનંતી છે.)


