અમદાવાદઃ ગુજરાતમાં આવીને બે દિવસમાં ત્રણ રોડ શૉ અને ત્રણ સમારોહને ગજવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે જ દરેકને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુજરાતમાં દરેકને દોરી જવા તેઓ જ સક્ષમ છે. ગુજરાતની જનતા અને તેમની વચ્ચે અન્ય કોઈ જ મધ્યસ્થી નથી.
હવે પછી ગુજરાતના સંદર્ભમાં લેવાનારા દરેક નિર્ણય અને પગલાંઓ તેમની મંજૂરીથી જ લેવામાં આવશે. તેમના સિવાય કોઈની મંજૂરી લેવાની રહેશે નહિ. આ સાથે જ તેમણે આપેલા વક્તવ્યો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલના નામને જ મંજૂરીની મહોર મારી છે.
સાથે માત્ર પટેલ અને પાટીલ
બે દિવસમાં યોજાયેલા દરેક સમારોહમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રધાનમંત્રીની સાથે સાથે જ રહ્યા હતા. એરપોર્ટથી શ્રી કમલમ સુધીના રોડ શો, વસ્ત્રાપુરના સમારોહ તથા આજના દહેગામ સુધીના રોડ શો અને સરદાર પટેલ સ્ટેડિયમમાં મહાકુંભ સહિતના દરેક ફંક્શનમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ તેમની સાથે જ ઉપસ્થિત રહ્યા હતા.
કમલમ ખાતે યોજવામાં આવેલી પક્ષના ચૂંટણી વ્યૂહ અંગેની બેઠકમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો હતો કે ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપના મુખ્ય ચહેરા તરીકે પોતાની જાતને જ પ્રોજેક્ટ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામને ચહેરો બનાવીને લડવામાં આવશે, કારણ કે ગુજરાતની જતનતા સાથેનો તેમનો સીધો નાતો ઘણો જ મજબૂત છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પછી તેમના પ્રધાન મંડળના સિનિયર સાથાીઓ સામે જોવાનું કે તેમની નોંધ લેવાની પણ પ્રધાનમંત્રીએ દરકાર કરી નહોતી. આ સાથે જ તેમણે ભાજપના દરેક કાર્યકરોને એવો પણ સંદેશો આપી દીધો છે કે ભૂપેન્દ્ર પટેલને અને સી.આર. પાટીલને તેમના આશીર્વાદ છે. તેમનું સમર્થન છે.
સિનિયર હવે માર્ગદર્શકની ભૂમિકામાં
હવે, વિજય રૂપાણી, નીતિન પટેલ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજાને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની માફક પક્ષના માર્ગદર્શક તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. દિલ્હીના ભાજપના એક સિનિયર ઓબ્ઝર્વરે અવલોકન કરતાં એવી ટકોર કરી હતી કે હવે પછી ભાજપમાં એકથી દસમા ક્રમમાં માત્ર નરેન્દ્ર મોદી જ છે.
ગુજરાત જ નહિ, દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપ પક્ષ પર અને ભાજપની સરકાર પર નરેન્દ્ર મોદી પોતે જ સીધો કંટ્રોલ-અંકુશ રાખશે. સંસદની આગામી ચૂંટણી પણ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના ચહેરાને પ્રોજેક્ટ કરીને જ લડવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપના મુખ્ય ચહેરા તરીકે નરેન્દ્ર મોદીને જ પ્રોજેક્ટ કરવામાં આવશે.