ગુજરાતની ૧૮૨માંથી ૫૦ બેઠકો પર પાટીદારોનો દબદબો

Wednesday 08th November 2017 06:10 EST
 
 

ગાંધીનગરઃ બ્રિટિશ ઈન્ડિયામાં સ્વતંત્રતા આંદોલન, સર્વ સમાજ સુધારા અને લોકશાહીમાં પહેલી સરકારની રચનાથી લઈને ગુજરાતની કલ્પના પાટીદાર સમાજ વગર અશક્ય છે. ઈતિહાસથી લઈને આધુનિક સમયમાં પણ પાટીદારો સમાજજીવનના તમામ વર્ગો, જ્ઞાતિઓ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલા રહ્યાં છે. આથી, ૨૦૧૨ પહેલાં જ્યાં પાટીદાર મતો અન્ય સમાજ કરતા ઓછા હતા ત્યાં પણ જનપ્રતિનિધિ સ્વરૂપે તમામ વર્ગના મતદારો પાટીદાર આગેવાનોને જ ચૂંટતા રહ્યાં છે. વર્ષ ૨૦૧૨માં નવું સીમાંકન અસ્તિત્ત્વમાં આવ્યા બાદ મતોની દૃષ્ટિએ ૧૮૨ બેઠકોમાંથી ૫૦ બેઠકોમાં પાટીદાર મતદારો સૌથી મોટા સમૂહ તરીકે ઊભર્યા છે.
વિતેલા બે દાયકામાં ભાજપે ગુજરાતની સત્તા હસ્તગત કર્યા બાદ પાટીદાર સમાજમાં કડવા-લેઉવા સમાજને નામે પણ મોટી રાજનીતિ થતી રહી છે. ૨૦૧૫થી ચાલતા પાટીદાર અનામત આંદોલને આ બંનેને એક કર્યા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, ૯૦ના દાયકામાં કૃષિ ક્ષેત્રે ઓછી ઉપજને કારણે આ સમાજનું સતત સ્થળાંતર થયું છે. આથી, અંબાજીથી ઉમરગામની વચ્ચેની તમામ શહેરી બેઠકો અને તેની આસપાસની ગ્રામ્ય બેઠકોમાં પણ પાટીદારો નિર્ણાયક બની રહ્યાં છે. સાંપ્રત સ્થિતિમાં પાટીદાર સમાજને નજરઅંદાજ કરવો એ ભાજપ કે કોંગ્રેસ બેઉમાંથી કોઈને પણ પોષાય તેમ નથી.
મૂળભૂત રીતે ભાજપ શાસનના પાયામાં જ પાટીદારો રહ્યાં છે. આર્થિક, સામાજિક, ધાર્મિક અને વ્યક્તિગત પુરુષાર્થ - રણનીતિને આધારે જ ભાજપને ૨૦૧૪માં ભારતવિજયનો રસ્તો મળ્યો છે. સાંપ્રત સમયમાં અનામત, પોલીસ દમન, જીએસટી, નોટબંધી, સરકારી સેવાઓનું સતત ખાનગીકરણ જેવા અસંખ્ય મુદ્દે પાટીદારોએ ૩૨ વર્ષે ભાજપથી મોંઢું ફેરવ્યંુ છે. પોતાની કોર વોટબેન્કને સહમત કરવા આકાશપાતાળ એક કરી રહેલું ભાજપ કેટલું સફળ રહેશે તેના ઉપર વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓની નજર છે.
૧૯૯૦થી વર્ષ ૨૦૦૭ સુધી વિધાનસભા ચૂંટણીઓમાં ૧૮૨ જનપ્રતિનિધિઓમાંથી સરેરાશ ૩૨થી ૩૬ પાટીદાર ધારાસભ્યોનો દબદબો રહ્યો છે. પરંતુ, ૧૩મી વિધાસનભા માટે નવું સીમાંકન દાખલ થયું ત્યારે પાટીદાર સમાજનું સંપૂર્ણ પ્રભુત્ત્વ ધરાવતી ૪૬ બેઠકો ઊપસી આવી હતી પરંતુ, ડિસેમ્બર ૨૦૧૨માં બે તબક્કે મતદાન થયું ત્યારે ભાજપના ૩૯, કોંગ્રેસના ૮, જીપીપીના બે અને એક એનસીપી એમ કુલ ૫૦ પાટીદાર આગેવાનો ચૂંટાઈ આવ્યા હતાં.
આ જ નવા સીમાંકનથી ગુજરાત ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૪મી વિધાનસભાની રચના તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સવા લાખથી ૪૦ હજાર મતદારો સાથે પોતાના ૫૦ મતક્ષેત્રમાં પાટીદારો સૌથી પહેલી પંક્તિનો સમૂહ છે. આમ છતાંયે નારણપુરા, માણસા, રાજકોટ પશ્ચિમ, નરોડા, ગોંડલ, માણાવદર, જૂનાગઢ જેવી બેઠકો વણિક, સિંધી, લોહાણા, આહીર સહિત ઓબીસીની જ્ઞાતિઓના ઉમેદવારોના હારજીતનું મજબૂત ફેક્ટર રહ્યો છે. આ જ રીતે પાટીદાર અનુસૂચિત જાતિ માટે બંધારણીય અનામત રહેલી કડી, ઈડર, રાજકોટ ગ્રામ્ય, ગઢડા, કાલાવડ આ પાંચ અનામત બેઠકો ઉપર પણ પાટીદાર સમાજના મતો સૌથી વધુ છે. જેમાંથી કડીને બાદ કરતા તમામ બેઠકો હાલમાં ભાજપ પાસે છે.

ગુજરાતના રાજકારણમાં આ ફેક્ટર પહેલી વાર નથી આવ્યું!

ગુજરાતના રાજકારણમાં, ભાજપની સત્તા સામે પાટીદારોની નારાજગીનું ફેક્ટર એ કંઈ નવું નથી! ભાજપની પહેલી સરકાર વર્ષ ૧૯૯૬માં બની ત્યારે શંકરસિંહે બળવો કરી કેશુભાઈ પટેલ સરકારને ઉથલાવી હતી. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીપદ સંભાળ્યા બાદ ૨૦૦૨માં પણ કેટલાક પાટીદારો ભાજપની સામે પડયા હતા. કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડયા હતા. ૨૦૧૨માં તો ખુદ કેશુભાઈ પટેલ ભાજપની સામે પાર્ટી બનાવીને ચૂંટણી લડયા હતા.

‘તેલની શીશી’ના નિવેદનથી કોંગ્રેસે ગુજરાત ગુમાવેલું

૧૯૮૫માં કોંગ્રેસના નેતાએ અનામતનો વિરોધ કરનારા શીશીમાં તેલ લાવતા થઈ જશે એમ કહ્યું હતું. આ વિધાનોને સ્વમાનનો મુદ્દો બનાવીને પાટીદારો પહેલીવાર ગુજરાતની રાજનીતિમાં ખુલ્લેઆમ આવ્યાં એ વખતે માંડ બે વર્ષથી અમલમાં આવેલી રાજકીય પાર્ટી ભાજપને સમર્થન આપીને ૧૯૯૦માં જ કોંગ્રેસને ઐતિહાસિક પછડાટ આપી. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસ માટે લગભગ ગુજરાતવટો કહેવાય એવી સ્થિતિ છે, જેને ખુદ કોંગ્રેસ પણ સ્વીકારે છે.

‘પટેલ’ – આ ત્રણ શબ્દોમાં જ નેતાગીરીની સંજ્ઞા

પટેલ - આ શબ્દમાં કોઈ જ્ઞાતિની ઓળખ કરતા નેતૃત્વનો ભાવ વધુ છે. પટેલ એ ન્યાત, સમાજ, ગામ, વિસ્તારમાં પણ હોઈ શકે અને એક સમયે તો પોલીસતંત્રમાં પણ ‘પોલીસપટેલ’ની વ્યવસ્થા પણ હતી! ખેતી સાથે સીધો સંબંધ, સમાજ સુધારની પહેલ, જન્મથી લઈને મૃત્યુ સુધીની વ્યવસ્થાઓનું સંચાલન કરતી સંસ્થાઓમાં પાટીદારોની દૂરંદેશીતાને કારણે અન્ય જ્ઞાતિ-સમાજોમાં પણ પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે.

નવા સીમાંકન કાર્યવાહીમાં પાટીદારોના મતો કેન્દ્રસ્થાને

વિધાનસભાની ૧૮૨ બેઠકોનું સીમાંકન ફેરવવા વર્ષ ૨૦૦૯ પહેલા કાર્યવાહી થઈ હતી. ચૂંટણી પંચ સીમાંકનની પ્રક્રિયા જિલ્લા કલેક્ટરો દ્વારા કરાવે છે. એ વખતે ભાજપની સરકાર હતી અને પોતાની કોર વોટબેન્ક પાટીદારોને ફોકસમાં રાખીને નવુ સીમાંકન રચ્યું. બે વર્ષ પહેલા રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવું સીમાંકન દાખલ કર્યુ તેમાં પણ આ જ ફોર્મ્યુલા હતી. અનેક પાલિકા-પંચાયતો હાથમાંથી સરકી જતા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાટીદાર કોર વોટબેંકને પાછી વાળવા આકાશ-પાતળ એક કરી રહ્યો છે.

૩૦ હજાર કરતાં વધુ પટેલ મતદારો ધરાવતાં મતક્ષેત્રો

વિધાનસભાની ૨૪ બેઠકોમાં પાટીદાર મતદારોની સંખ્યા બીજા સૌથી મોટા જ્ઞાતિ સમુહની છે. ઠાકોર, કોળી, આહીર, ક્ષત્રિય, મુસ્લિમ જેવા જ્ઞાતિ સમાજોની આ બેઠકોમાં સ્થાનિક પ્રભાવને કારણે કેટલીક બેઠકો ઉપરથી ૨૦૧૨માં પાટીદારો પણ ચૂંટાયા છે.
આ બેઠકોમાં અબડાસા, પાલનપુર, ચાણસ્મા, મોડાસા, પ્રાંતિજ, ગાંધીનગર સાઉથ, ગાંધીનગર નોર્થ, કલોલ, વટવા, બાપુનગર, તાલાલા (ગીર), મહુવા (ભાવનગર), પાલીતાણા, ભાવનગર ઈસ્ટ, ભાવનગર વેસ્ટ, ખંભાત, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ઓલપાડ, સુરત ઈસ્ટ, ઉધના, સુરત વેસ્ટનો સમાવેશ થાય છે.

૨૦ હજાર કરતાં પટેલ મતદારો ધરાવતાં મત ક્ષેત્રો

અનેકવિધ જ્ઞાતિ સમાજોની વચ્ચે પણ પાટીદાર સમાજના ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ મતો ધરાવતી હોય તેવી કુલ ૧૯ બેઠકો છે. જેમાં રાપર, જામનગર સાઉથ, તળાજા (ભાવનગર), ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, શહેરા, વાઘોડિયા, અકોટા, રાવપુરા, માંજલપુુર, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારીનો સમાવેશ થાય છે. આવી બેઠકો પરથી પણ પાટીદાર ઉમેદવારોને વિધાનસભામાં એન્ટ્રી મળી છે.

પાટીદારોનો સંપૂર્ણ અંકુશ ધરાવતી ૫૦ બેઠકો

• ઊંઝા • વિસનગર • બહુચરાજી • ગાંધીનગર ઉ. • મહેસાણા • વિજાપુર • હિંમતનગર • માણસા • ઘાટલોડિયા • વેજલપુર • ઠક્કરબાપાનગર • નારણપુરા • નિકોલ • નરોડા • મણિનગર • સાબરમતી • ધ્રાંગધ્રા • મોરબી • ટંકારા • દસ્ક્રોઈ • વિરમગામ • રાજકોટ ઈસ્ટ • રાજકોટ વેસ્ટ • રાજકોટ સાઉથ • જસદણ • ગોંડલ • જામજોધપુર • માણાવદર • જૂનાગઢ • વિસાવદર • કેશોદ • ધારી • અમરેલી • લાઠી • સાવરકુંડલા • જેતપુર • ધોરાજી • જામનગર ગ્રામ્ય • સયાજીગંજ • બોટાદ • કામરેજ • સુરત ઉત્તર • વરાછા • કારંજ • મજૂરા • કતારગામ • લુણાવાડા • નડિયાદ • ડભોઈ • કરજણ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter