ગુજરાતની ૨૬ બેઠકોના ઉમેદવારનો નિર્ણય મોદી કરશે

Thursday 21st March 2019 06:20 EDT
 

ગાંધીનગરઃ સરકારમાં ગુજરાત મોડલની ચર્ચા થયા પછી ગુજરાત મોડલમાં ટિકિટ વહેંચણી વખતે આંતરિક સ્પર્ધા પાર્ટીની ઇમેજ ન બગાડે તેટલા માટે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના ઉમેદવારોને ટિકિટ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ કમાન સંભાળી હોવાનું રાજકીય વિશેષજ્ઞોનું કહેવું છે. જે રીતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ અપાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આનંદીબહેન પટેલ વચ્ચે વર્ચસ્વની લડાઈ હાથ ધરાઈ ગઈ છે. આવા સંજોગોમાં ગત વિધાનસભાની ચૂંટણી વખતે જે ટિકિટ વહેંચણી કુસંપ બહાર આવતા પાર્ટીની ઇમેજ ખરડાઈ હતી, આવી સ્થિતિ આ વખતે ન થાય તેટલા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ ગુજરાતની ટિકિટ માટે નિર્ણાયક રહેશે તેમ સૂત્રોનું કહેવું છે.

૨૬માંથી ૧૪ ટિકિટ કપાશે!

વર્ષ ૨૦૧૪માં તમામ ૨૬ લોકસભાની બેઠક પર વિજેતા થનાર ભાજપ આ વખતે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૪ સાંસદની ટિકિટ કાપશે. ભાજપના રાષ્ટ્રીય સ્તરેથી સંકેત મળ્યા છે કે, વર્ષ ૨૦૧૪માં મોદીલહેર હતી એટલે સ્વાભાવિક છે કે, મોદીને ધ્યાનમાં રાખીને મત પડ્યા હતા. આ વખતે કેટલાય એવા ઉમેદવાર હતા કે જેઓ તે વિસ્તાર સિવાયના એટલે કે બહારના હોય અને પહેલી વખત ચૂંટણી લડતા હોય, પરંતુ આ વખતે ઉમેદવારને ધ્યાનમાં રાખીને મતદારો મત આપવાના હોવાથી ભાજપ ૧૪ સાંસદોની ટિકિટ કાપશે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૯માં મોદીલહેર હતી પણ આ વખતે ઉમેદવારને પણ મતદારો ધ્યાનમાં લેશે તેવું ભાજપને જણાતા ભાજપ કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. વળી, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૭૯ બેઠક જીતીને સારું પ્રદર્શન કર્યું હતું. આથી જ ચૂંટણી જાહેર થાય તે પહેલા અને હજુ ચૂંટણી જાહેર થયા પછી ભાજપ વિવિધ સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભાજપમાં સુરેન્દ્રનગર, પાટણ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જામનગર, પંચમહાલ, વડોદરા અને ભાવનગર બેઠક પર જૂના ચહેરાને બદલે નવા ચહેરાનો ભાજપ પ્રયોગ કરી શકે છે. જોકે, હજુ જાતિ સમીકરણ અને કોંગ્રેસના ઉમેદવારોને ધ્યાનમાં રાખી કોઈ બેઠક પર રિપિટ થઈ શકે છે, પણ જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ સહિતના સમીકરણ ભાજપનું મોવડી મંડળ જોઈને બેઠકમાં ફેરફાર કરી શકે છે, પણ એકંદરે ૧૪ બેઠક પર નવા ચહેરા લાવવા પડે તેવી અત્યારની સ્થિતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter