અમદાવાદઃ ગુજરાતનો સમાવેશ દેશના મોખરાના રાજ્યમાં કરવામાં આવે છે, પરંતુ વાત એરપોર્ટમાં મુસાફરોની સંષોતકારક સુવિધાની કરવામાં આવે તો તેમાં ગુજરાતના ડોમેસ્ટિક એરપોર્ટ દેશના અન્ય એરપોર્ટની સરખામણીએ ઘણા પાછળ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના કયા એરપોર્ટ મુસાફરોને સંતોષકારક સુવિધા આપે છે તે અંગે સર્વેક્ષણ હાથ ધરાયો હતો. જેમાં ગુજરાતના એક પણ ડોમેસ્ટિક એરપોર્ટનો ટોપ-૧૫માં સમાવેશ કરાયો નથી.
આ સર્વેક્ષણમાં વડોદરા પાંચમાંથી ૪.૪૩ પોઈન્ટ સાથે દેશમાં ૧૭મા અને ગુજરાતમાંથી પ્રથમ ક્રમે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુલાઈથી ડિસેમ્બર-૨૦૧૬ સુધીનું આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ પૈકી જુલાઈથી સપ્ટેમ્બર એમ ત્રણ મહિનાના સર્વેક્ષણના પરિણામ જારી કરવામાં આવ્યા છે.
આ સર્વેક્ષણનો પ્રથમ રાઉન્ડ જાન્યુઆરીથી જૂન દરમિયાનનો યોજાયો હતો. જેમાં વડોદરાને ૪.૪૧ પોઈન્ટ મળ્યા હતા. આમ બીજા રાઉન્ડમાં ગુજરાતના પોઈન્ટમાં વધારો નોંધાયો છે. આ સર્વેક્ષણમાં માત્ર ડોમેસ્ટિક એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી તેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ યાદીમાં ચંડીગઢ ૪.૮૨ પોઈન્ટ સાથે મોખરે, રાયપુર ૪.૮૨ પોઈન્ટ સાથે બીજા અને ઉદયપુર ૪.૭૨ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
ગુજરાતના કયા ડોમેસ્ટિક એરપોર્ટને કેટલા પોઈન્ટ?
ક્રમ એરપોર્ટ પોઈન્ટ
૧૭ વડોદરા ૪.૪૩
૨૪ સુરત ૪.૩૪
૨૯ ભુજ ૪.૩૦
૩૧ જામનગર ૪.૨૫
૩૨ રાજકોટ ૪.૨૪


