ગુજરાતનું રૂ. ૩૩૦.૧૬ કરોડની રાહત આપતું બજેટ

Wednesday 04th March 2020 05:08 EST
 
 

ગાંધીનગરઃ નાણા પ્રધાન નીતિનભાઈ પટેલે ૨૬મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું રૂ. ૨૭૫ કરોડની પુરાંત દર્શાવતું કરવેરા વિનાનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. મંદીની અસર વચ્ચે સરકારની વિવિધ વેરાની આવકોમાં ઘટાડો છતાં નાણાં પ્રધાને સરકારની વિવિધ યોજનાને યથાવત્ રાખીને કેટલીક નવી યોજનાની જાહેરાત કરી હતી.બજેટમાં કૃષિ, મહિલાઓ, શહેરી વિસ્તાર અને યુવાનોને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ જાહેર કરાઈ હતી. મુખ્ય યોજનાઓમાં ખેડૂતોને તેમના ખેતરમાં જ નાના ગોડાઉન માટે એકમદીઠ રૂ. ૩૦ હજાર લેખે કુલ ૩૦૦ કરોડની જોગવાઈ સાથે એનએની મંજૂરીમાંથી મુક્તિ, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ગાય દીઠ મહિને રૂ. ૯૦૦ની સહાય, ૩ વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની દિનકર યોજના, પાક બજાર સમિતિઓમાં પાકને થતું નુકસાન ટાળવા પાંચ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે એપીએમસીને રૂ. ૫૦ કરોડ, લારી-ગલ્લાવાળા માટે ૬૫ હજાર છૂટક વેચાણકારોને મોટી સાઈઝની છત્રી આપવા માટે રૂ. ૮ કરોડ, ૫૦૦ સરકારી શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ, સશક્ત મહિલા-સુપોષિત ગુજરાત, ગ્રામીણ વિસ્તારની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા સહાય સહિત યોજનાઓ જાહેર કરાઈ હતી.
નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે હાલમાં કોલ્ડ સ્ટોરેજ પર ૨૦ ટકાના દરે જે વીજકર છે તે હવે ૧૦ ટકાના દરે લેવાશે. તેનો લાભ ૧૩૦૦ કોલ્ડ સ્ટોરેજને મળશે. તેનાથી વેરાની આવક રૂ. ૩૬૦ કરોડ ઘટશે. ધાર્મિક અને અંતિમ ક્રિયાના સ્થળે પર હાલ ૨૫ ટકાના દરે વીજકર લેવાય છે જે ગ્રામ્યમાં ૭.૫ અને શહેરમાં ૧૫ ટકાના દરે વસૂલાશે. જેથી વેરાની આવકમાં રૂ. ૫.૧૧ કરોડનો ઘટાડો થઈ થશે. ધર્મશાળાઓમાં વીજવપરાશ પર ૨૫ ટકાના દરે લેવાતા વીજકરમાં ઘટાડો કરીને એચ.ટી. વીજજોડાણ ધરાવતી ધર્મશાળાઓને ૧૫ ટકા અને એલટી વીજજોડાણ ધરાવતી ધર્મશાળાઓને ૧૦ ટકાએ વીજ દરની જાહેરાત થઈ હતી. બજેટમાં નાણા પ્રધાને જણાવ્યું કે, લાખો દુકાનદારો, કાપડ, રેડીમેઈડ, કાપડ મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલર, પ્રોવિઝન સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ્સ જેવા વ્યાવસાયિકોની દુકાનો, સ્ટોર, શોપિંગ સેન્ટરો, મોલ વગેરેમાં આવેલા છે. વકીલો, સીએ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ ક્લાસો, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લરોના માધ્યમથી સર્વિસ સેક્ટર કાર્યરત છે. આ તમામ વ્યાવસાયિક સ્થળે હાલમાં ૨૫ ટકાના દરે વીજકર છે. તે ઘટાડીને હવે ૨૦ ટકા કરાયો છે. જેથી ૩૦ લાખ વ્યાવસાયિકોને લાભ થશે. જોકે સરકારી આવકમાં તેનાથી રૂ. ૩૨૦ કરોડનો ઘટાડો થશે.

માદરે વતન યોજના

દેશ-દુનિયામાં વસતા ગુજરાતીઓ વતન માટે દાન આપતા રહે છે તેને ધ્યાનમાં રાખતાં જો તેઓ શાળા, સ્માર્ટ ક્લાસ, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, આંગણવાડી, ગામતળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ અને પંચાયત ઘર વગેરે બનાવવા માગતા હોય તો દાતા દ્વારા અપાતા દાનની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકા દ્વારા અપાશે. આ માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

૨૦૨૦નું બજેટ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવશે

બજેટને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવકાર્યું હતું અને કહ્યું હતું કે આ બજેટ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવનારું છે. આ બજેટ કીડીને કણ અને હાથીને મણ જેવું અને સૌનો વિચાર કરીને બનાવાયું છે. શહેરી ગરીબોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૧૦ હજાર વસ્તીને એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરીને આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ કે આયુષ ડોક્ટર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કઈ કચાશ ન રહે તે માટે સ્માર્ટ ટાઉન શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિક્સાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટેની યોજનાની પણ સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. ૫૬ કરોડની જોગવાઈ છે.

બજેટ હાઈલાઈટ્સ

• દૂધ ઉત્પાદકોને પશુદાણની ખરીદીમાં માસિક ૫૦ ટકા સહાય માઈક્રો ઈરિગેશન કૃષિજૂથોને પિયાવાના દરમાં ૫૦ ટકા રાહત
• ૫૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે ડેવલપ કરાશે • ગુજરાત યુનિ.માં સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ માટે જોગવાઈ • વડનગરમાં તાનારીરી પર્ફોમિંગ આર્ટ કોલેજની સ્થાપના થશે • વડોદરામાં રૂ. ૧૮૦ કરોડના ખર્ચે મેટરનિટી હોસ્પિટલ બનશે • બાંધકામ શ્રમિકોની પત્નીને પ્રસૂતિ સમયે રૂ. ૨૭,૫૦૦ની સહાય • ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગને માસિક રૂ. ૧૦૦૦ની સહાય • ૩ વર્ષમાં ૧૭ લાખ ઘરને નળજોડાણ માટે રૂ. ૭૨૪ કરોડ ફાળવાશે • હવે ૬૬ લાખ રેશનકાર્ડ હોલ્ડરને મહિને ૧ કિલો તુવેરદાળ • ૭૫ વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને મહિને ૧૦૦૦નું પેન્શન મળશે • સરકારી કર્મીઓ માટે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે વધુ ૧૩૪૫ ક્વાટર્સ • પોલીસ કર્મચારીઓને ૩ વર્ષમાં ૧૩,૮૫૧ આવાસો • સોમનાથ-દ્વારકાની એક જ દિવસમાં યાત્રા માટે વિમાની સેવા થશે • રૂ. ૪૫ કરોડના ખર્ચે કેવડિયા, સાબરમતી, શેત્રુજંયને વોટરડ્રોમથી જોડીને હવાઈ સેવા • દિલ્હીના મોડલને અનુસરી ૫૦૦ સરકારી સ્કૂલોને મોડલ તરીકે વિકસાવવા રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter