ગુજરાતનો વિદેશી મૂડીરોકાણમાં હનુમાન કૂદકો

Wednesday 02nd December 2020 04:51 EST
 
 

અમદાવાદ: કોરોના મહામારીના સંકટને કારણે આખી દુનિયાને આર્થિક કટોકટી નડી રહી છે, પણ ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણની રેલમછેલ છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ (FDI)નું પ્રમાણ આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઘટ્યું હતું. જોકે જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં ગુજરાતે વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના મામલે રેકોર્ડ સર્જ્યો છે. એપ્રિલથી જૂન સુધી માત્ર ૩,૦૫૫ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવ્યું હતું, પણ બીજા ક્વાર્ટરમાં ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ (DPIIT)ના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે.
રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ૧.૩૮ લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. દેશમાં કુલ રોકાણના ૩૫ ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે.
દેશમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૩૦ લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. જુલાઇથી સપ્ટેમ્બર સુધી દેશમાં ૧.૭૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. ઓગસ્ટમાં જ રૂપિયા ૧.૩૦ લાખ કરોડનું રોકાણ આવ્યું છે.

રોકાણનો આ આંકડો આખું વર્ષ ગુજરાતને આગળ રાખશે

બીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં ૧.૧૯ લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. એપ્રિલથી જૂન મહિના સુધીના લોકડાઉનના સમયમાં ગુજરાતમાં ૩૦૫૫ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. દેશમાં ગુજરાત સાતમા સ્થાને હતું.
વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ત્રણ મહિનાના આંકડાઓ મુજબ, કર્ણાટકમાં રૂ. ૧૦,૨૫૫ કરોડ, મહારાષ્ટ્રમાં રૂ. ૮,૮૫૯ કરોડ, દિલ્હીમાં રૂ. ૭,૨૩૭ કરોડ, ઝારખંડમાં રૂ. ૫,૯૮૫ કરોડ, તેલંગણમાં રૂ. ૪,૧૮૦ કરોડ, તામિલનાડુમાં રૂ. ૩,૩૭૭ કરોડ વિદેશી મૂડીરોકાણ થયું છે. ૨૦૧૯-૨૦ના એક જ વર્ષમાં રાજ્યમાં ૪૨,૯૭૬ કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું.
FDI ઇક્વિટી ઇનફ્લોના આંકડાઓ મુજબ, ઓક્ટોબર ૨૦૧૯થી જૂન ૨૦૨૦ સુધીના સમયગાળામાં દેશના કુલ વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા હતો. મહારાષ્ટ્રનો ફાળો ૨૮ ટકા, કર્ણાટકનો ૧૯ ટકા, દિલ્હીનો ફાળો ૧૬ ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter