અમદાવાદઃ કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) ગુજરાતમાં પણ પગપેસારો કરી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ) ટીમે ૨૫ ફેબ્રુઆરીએ મોડીરાત્રે સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગરમાંથી ISISના બે શકમંદ આતંકી વસીમ રામોદિયા અને નઇમ રામોદિયાને ઝડપી લીધા છે. આ બન્ને સગા ભાઇઓ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા મંદિર ઉપરાંત સ્લીપર સેલની મદદથી સૌરાષ્ટ્રમાં આતંકી હુમલા કરવાનો મનસૂબો ધરાવતા હતા.
ગુજરાતમાંથી પહેલી વખત ISISનું નેટવર્ક ઝડપાતાં સુરક્ષા તંત્ર દોડતું થઇ ગયું છે. રામોદિયા ભાઈઓએ સ્લીપર સેલની મદદથી સૌરાષ્ટ્રમાં આતંક મચાવવા માટે આયોજન કર્યાનું એટીએસ જણાવ્યું છે. તપાસનીશ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, છેલ્લા દોઢ વર્ષથી આ બંને ભાઈઓ ISISના ટ્વિટર એકાઉન્ટને સતત ફોલો કરતા હતા અને કોડવર્ડથી વાતચીત કરતા હતા. જેથી તે શંકાના ઘેરામાં હતા.
એટીએસની ટીમ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં રૈયા રોડ પર આવેલા નેહરુનગરમાં ‘ફિરદૌસ’ મકાનમાં ત્રાટકી હતી અને ૩૦ વર્ષના વસીમ રામોદિયાને ઝડપી લીધો હતો. બીજી તરફ ભાવનગરમાંથી તેના ૨૭ વર્ષના ભાઈ નઇમને ઝડપી લેવાયો હતો. તેમના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી, કેટલાક નકલી આઇડી પ્રૂફ, ૫૮ ગ્રામ ગન પાઉડર, ૧૦ સૂતળી બોમ્બ, ISISના મેગેઝિન ‘ડાબિક’ સહિત જેહાદી સાહિત્ય, મુફ્તી અબ્દુસ સામી કાસમીના ભાષણોની ૧૭૩ પીડીએફ ફાઈલો, મોબાઈલ ફોન, લેપટોપ, પેનડ્રાઇવ, માસ્ક, એક કુહાડી અને એક છરી કબજે કરી છે. ISIS સહિતના આતંકી સંગઠનો વેબસાઇટ અને ટ્વિટરના માધ્યમથી ગુજરાતના શિક્ષિત યુવાનોનું બ્રેઇનવોશ કરવા સતત પ્રયત્નશીલ છે, જેમાં બંને યુવાનો ISISના સંપર્કમાં આવ્યા હતા.
જોઈન્ટ પોલીસ કમિશનર જે. કે. ભટ્ટે જણાવ્યું હતું કે બન્ને ભાઈઓ ISISની સોશિયલ મીડિયાની સાઇટને સતત ફોલો કરતા હતા અને કોડવર્ડથી વાતચીત કરતા હતા. તેઓ ફોન પર મોટા ભાગે કચ્છી ભાષામાં વાત કરતા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પર આતંકી હુમલો કરીને બન્ને સીરિયા જવાના હતા, તેવા ઇનપુટ મળ્યા છે.
લોન વુલ્ફ એટેકથી આતંકનો મનસૂબો
વસીમ અને નઇમ લાંબા સમયથી ISISના ભારતમાં સક્રિય પરિબળોના સંપર્કમાં હતા. આ દરમિયાન તેમને લોન વુલ્ફ એટેક માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આ પ્રકારનું ષડયંત્ર આતંકી એકલા હાથે પાર પાડતો હોય છે, જેનો મુખ્ય ઇરાદો લોકોમાં ભય ફેલાવવાનો હોય છે. આ માટે વસીમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલા પર પસંદગી ઉતારી હતી. વસીમને જણાવાયું હતું કે તેણે ISISમાં જોડાવું હશે તો કાફિરનું ગળું કાપવું પડશે. આ ઉપરાંત આતંકી ભાઇઓએ રાજકોટના હાર્દસમાન ત્રિકોણબાગ વિસ્તારમાં અને ગુંદાવાડી વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડ્યું હતું.
‘કિલ કાફિર એન્ડ શૂટ વીડિયો’
વસીમે તેના હેન્ડલર સાથે કરેલી વાતચીતના ૧૭૩ કોલ રેકોર્ડ એટીએસ ટીમે જપ્ત કર્યાં છે. એક કોલમાં વસીમ એવું બોલતાં સાંભળવા મળે છે કે, ‘મુકમ્મલ કામ કરને કે લિયે તૈયાર હું...’ તેને સામેથી કહેવાયું હતું કે, ‘કિલ કાફિર એન્ડ શૂટ વીડિયો’. જવાબમાં વસીમ કહે છે, ‘એક કાફીર કી કત્લ કરની હૈ, જો શહર સે ૩૦ કિ.મી. દૂરી પર હૈ. વહા ઈનકા બડા ફેમસ મંદિર હૈ.’
બીજા એક કોલમાં સીરિયામાંથી વસીમને આદેશ થયો કે, ‘કુછ ઐસા કામ કરકે દિખા કે અલ્લાહ ખુશ હો જાય.’ આ પછી વસીમની પત્ની શાહજીન અને સીરિયામાંથી સતત ઉશ્કેરણીના પગલે વસીમે ચોટીલામાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું.
વસીમ ૨૪મી ફેબ્રુઆરીએ ચોટીલા પહોંચ્યો હતો. જોકે ત્યાં પહોંચ્યા બાદ તેણે પત્ની શાહજીનને ફોન કરીને કહ્યું કે, ‘બેચેની બહુ થાય છે, લાગે છે કામ થશે નહીં.’ મેં ક્યારેય બકરો પણ કાપ્યો નથી તો ગળું કઇ રીતે કાપી શકાય... આ સમયે શાહજીને વસીમને કહ્યું હતું કે, ‘કાફિરો કે સામને લડાઈ હૈ... અલ્લાહ તુમ્હારા સાથ દેગા. ગભરાયા વિના કામ પૂરું કરી નાંખ.’ વસીમે ચોટીલામાંથી બે ધારદાર છરા પણ ખરીદ્યા હતા. આ બધી વાતચીત વસીમના મોબાઈલમાં રેકોર્ડ થઈ ગઈ હતી. શાહજીને વસીમને તેના ભાઈને સાથે રાખવાની સલાહ પણ આપી હોવાનું કહેવાય છે.
આમ પકડાયા આતંકી બંધુઓ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુફતી અબ્દુસ સામી કાસમીને ઉત્તર પ્રદેશના હરદોઈથી ઝડપી લીધો હતો. તેણે દેશભરમાં ફરીને ઉશ્કેરણી પ્રવચનો દ્વારા અનેક મુસ્લિમ યુવાનોને આતંકી પ્રવૃત્તિઓમાં જોડવાની કામગીરી કરી હતી. મુફતીને ઝડપવામાં આવ્યો ત્યારે તેની પાસેથી મળેલા મોબાઈલમાંથી અનેક નંબરો મળી આવ્યા. આ નંબરોમાં એક નંબર ગુજરાતનો હતો. આ નંબર વસીમના નામે રજિસ્ટર્ડ હતો. આ નંબર પર અનેક વખત વાતચીત થયાનું જાણવા મળ્યું હતું. આ પછી ગુજરાત એટીએસે નંબરને સર્વેલન્સ પર રાખ્યો હતો, જેમાં ખબર પડી કે મુફ્તી સતત વસીમના સંપર્કમાં હતો અને ઘણી વખત ગુજરાત આવી ચૂક્યો હતો. ગુજરાત એટીએસે ત્યારબાદ વસીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત વોચ રાખવાનું શરૂ કરી દીધું હતું.
‘રિબેલ રિબેલ’ નામનું ફેસબુક એકાઉન્ટ
ISISના શકમંદ આતંકીઓ પૈકીના વસીમ રામોદિયાનું ફેસબુક એકાઉન્ટ મળ્યું છે. ‘રિબેલ રિબેલ’ નામથી બનાવેલા આ એકાઉન્ટમાં કેટલાક ફોટો પોસ્ટ અને શેર કર્યાં છે. પ્રોફાઈલ તસવીરમાં બંદુક સાથે ઉભેલા વ્યકિતને મૂક્યો છે. ઉપરાંત પોતાની અંગત માહિતી પણ મુકી છે. વસીમે કવર ફોટોમાં લખ્યું છે કે, પ્રલય થાય અને મને જે પણ કંઈ થાય, પરંતુ તને હું પ્રેમ કરું છું. ફેસબુક એકાઉન્ટમાં નોટબંધી બાદ મોદી વિરુદ્ધનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. ઈસ્લામ ધર્મની ઘણી પોસ્ટ પણ કરવામાં આવી છે. વસીમે પોતાની અંગત માહિતીમાં ૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૫ના રોજ જન્મ, રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ અને હાલ ભાવનગરમાં રહેતો હોવાનો ઉલ્લેખ કર્યો છેે.
આર્થિક સંકડામણને કારણે જેહાદી પ્રવૃત્તિ
આતંકી મોટા ભાઇ વસીમ અને તેના નાના ભાઈ નઈમે કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. બન્ને આરોપીઓ તરફથી રજૂઆત કરવા કોઈ વકીલ તૈયાર ન થતાં આરોપીઓએ ખુદ રજૂઆત કરી હતી. સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ ભરી અદાલતમાં મૌખિક એકરાર કર્યો હતો કે તેમણે ચોટીલા ખાતે રેકી કરી હતી. બોમ્બ બનાવવા માટે ફટાકડાની દુકાનમાંથી ફટાકડા ખરીદી તેમાંથી દારૂગોળો કાઢ્યો હતો. ભાવનગરમાં કાર અને રાજકોટમાં દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આર્થિક સંકડામણને કારણે જેહાદી પ્રવૃત્તિ સાથે જોડાયા હોવાનો બચાવ પણ કર્યો હતો. એટલું જ નહીં, હવે અફસોસ થઈ રહ્યાનું ગાણું ગાઇ રહ્યા છે. જોકે એટીએસના સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓની જ્યારે પણ ધરપકડ થાય છે ત્યારે તેમને અફસોસ થવા લાગે છે. આથી તેમાં કંઈ નવું નથી.
પિતા બોલ્યાઃ મારે ઝેર પીવાનો વારો આવ્યો
અમદાવાદ એટીએસ અને રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમ શનિવારે મધરાત્રે ‘ફિરદૌસ’ મકાનમાં ત્રાટકી ત્યારે સીધુંસાદું જીવન જીવતા વસીમ અને નઈમના પિતા આરિફભાઈ એસ. રામોદિયા ગભરાઈ ગયા હતા. પોલીસના અધિકારીઓ એક સાથે અને આટલી મોટી સંખ્યામાં શા માટે આવ્યા તેની જાણકારી પોલીસ પાસેથી મેળવી હતી. પોલીસે કહ્યું કે, ‘તમારા બન્ને દીકરા આઈએસ સાથે સંકળાયેલા છે અને ભારતવિરોધી કામ કરે છે, આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે’. આ વાત સાંભળીને આરિફભાઈ અવાચક થઈ ગયા હતા. તેને પોલીસની હાજરીમાં જ મોટા પુત્ર વસીમનો કાંઠલો પકડીને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને આક્રોશ ઠાલવ્યો હતો કે, ‘તમારા કરતુતોના કારણે મારે ઝેર પીવાનો વારો આવ્યો.’
આરિફભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટેનો ટાઈપિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા અને બે વર્ષ પહેલા નિવૃત્ત થયા છે. આરિફભાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવવા ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) દ્વારા
યોજાતા ડિસ્ટ્રિક્ટ લેવલના મેચમાં અમ્પાયરિંગ કરતા હોવાનું એસસીએના મીડિયા મેનેજર હિમાંશુ શાહે કહ્યું હતું.


