ગુજરાતમાં અડધો ડઝન લોકસભા બેઠકો ઉપર પાટીદાર મતો નિર્ણાયક

Saturday 27th April 2019 10:41 EDT
 
 

અમદવાદઃ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી ૬ બેઠકો ઉપર પાટીદાર મતદારો નિર્ણયક ભૂમિકા ભજવશે. આ બેઠકોમાં સૌરાષ્ટ્રની ત્રણ - અમરેલી, પોરબંદર અને રાજકોટ, ઉત્તર ગુજરાતની એક મહેસાણા બેઠક જ્યારે ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ) એમ બે બેઠકનો સમાવેશ થાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીને બાદ કરતા પાટીદારોનું વલણ મોટા ભાગે ભાજપતરફી રહ્યું છે. વડા પ્રધાન તરીકે ઇંદિરા ગાંધીએ ખેડે તેની જમીનનો કાયદો ઘડ્યો હતો, જેના કારણે પાટીદારો જમીનમાલિક બન્યા હતા. એ પછી પણ પાટીદારો સખત મહેનત કરીને પ્રગતિ કરતાં રહ્યા છે. એ વખતે પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે હતો. ૧૯૮૦-૮૫ના અરસામાં માધવસિંહ સોલંકી અને ઝીણાભાઈ દરજીએ ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે ‘ખામ’ થિયરી અપનાવી હતી. ક્ષત્રિય, આદિવાસી, દલિત, મુસ્લિમોને આવરી લેતી ‘ખામ’ થિયરીના કારણે ગામડાંઓમાં પાટીદારો કોંગ્રેસથી વિમુખ થયા અને તેઓ ધીમે ધીમે ભાજપ તરફ વળ્યા. ત્યારથી માંડીને આજ સુધી પાટીદારોએ ભાજપતરફી મતદાન કર્યું છે.
જોકે છેલ્લી વિધાનસભા ચૂંટણી વેળા પાટીદારો ભાજપથી નારાજ હતા. પાટીદાર અનામત આંદોલના કારણે આ સ્થિતિ ઉદભવી હતી. ૨૦૧૫થી ચાલતા પાટીદાર અનામત આંદોલન વખતે તોફાનો થયા ત્યારે પાટીદારો પોલીસદમનનો શિકાર બન્યા હતા. ૧૪ યુવાનો શહીદ થયા હતા. આ આંદોલનની અસર હાલ શમી ગઇ છે કારણ કે ભારત સરકારે દેશભરમાં આર્થિક પછાત હોય તેવા લોકો માટે ૧૦ ટકા અનામત જાહેર કરી છે. હવે આ લોકસભાની ચૂંટણીમાં પાટીદાર મતોની મુઠ્ઠી બંધ છે. તેઓ ભાજપને સાથ આપે છે કે કોંગ્રેસ પડખે રહે છે એ ૨૩ મેના રોજ ખબર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter