ગુજરાતમાં અશાંતિની આગ શમીઃ જનજીવન ફરી ધબકતું થયું

Friday 28th August 2015 05:07 EDT
 
 

ગુજરાતમાં અશાંતિની આગ શમીઃ જનજીવન ફરી ધબકતું થયું
અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં બે દિવસના અશાંત માહોલ બાદ જનજીવન ફરી એક વખત ધબકતું થઇ ગયું છે. હીરાનગરી સુરત અને અમદાવાદમાં બુધવારે સાંજે લશ્કરી કુમક ઉતારવામા આવ્યા બાદ હિંસક ઘટનાઓ ઘટી ગઈ હતી. જે વિસ્તારોમાં કરફ્યુ નહોતો ત્યાં તો ગઇ કાલથી જ જનજીવન સામાન્ય થવા લાગ્યું હતું અને આજે શુક્રવારે તો લગભગ સમગ્ર રાજ્ય લોકો અને વાહનોની અવરજવરથી ધબકવા લાગ્યું છે. ગુરુવારે દિવસ કે રાત્રિ દરમિયાન હિંસા કે તોફાનનો કોઇ મોટો બનાવ ન બનતાં પોલીસે અને નાગરિકોએ હાશકારો અનુભવી રહ્યા છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મંગળવારે યોજાયેલી પાટીદાર આંદોલન અનામત સમિતિની મહાક્રાંતિ રેલી તો શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ મોડી સાંજે પોલીસે આંદોલનના નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરતાં રાજ્યભરમાં હિંસા હિંસાનું મોજું ફરી વળતાં જનજીવન ખોરવાઇ ગયું હતું.
અમદાવાદમાં હવે બીઆરટીએસ તથા એએમટીએસના રૂટ ફરી શરૂ થઇ ગયા છે. આ ઉપરાંત રાજ્યભરમાં એસટી બસોની સેવા શરૂ કરી દેવામાં આવી છે. રેલવેના નુકસાન પામેલા ટ્રેક પણ રીપેર થઇ ગયા હોવાથી સાંજ સુધીમાં સેવા શરૂ થઇ જવાની ધારણા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જનજીવન થાળે પડયું હતું અને ધંધા-રોજગાર ધમધમ્યા હતા.

રાજ્યમાં આજથી શાળા-કોલેજો પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયા છે. અલબત્ત, શાળા-કોલેજોમાં હાજરી પાંખી જોવા મળે છે. સુરતમાં પણ બુધવારે પેરામિલિટરી ફોર્સની ફ્લેગમાર્ચ બાદ કોઇ હિંસક ઘટના બની નહોતી. શહેરમાંથી કરફ્યુ ઉઠાવી લેવાતાં વાહનવ્યવહાર શરૂ થયો હતો. લોકો ધીમે ધીમે રોજિંદા જીવન તરફ વળ્યાં છે. ભાવનગર પંથકમાંથી પણ શાંતિના અહેવાલ મળ્યા છે. વડોદરામાં પણ એકંદરે શાંતિ જળવાઈ હતી.

વડા પ્રધાનથી માંડીને સાધુસંતો સુધીનાં લોકોની અપીલ બાદ ગાંધીનાં ગુજરાતે શાંતિ તરફ કૂચ કરી છે. ચરોતર અને સુરેન્દ્રનગરમાં પણ જનજીવન ધબકતું થયું હતું.

રાજ્ય વિધાનસભામાં ગુજરાતનાં તોફાનોનો મુદ્દો ચગ્યો હતો. ઉપરાંત હાઈ કોર્ટે પણ આ તોફાનો અને પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. ગઢ ગામમાં થયેલા પોલીસ ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં ત્યાં પોલીસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરાંત વિવિધ હિંસક ઘટનાઓની ફરિયાદો પણ રાજ્યભરમાં નોંધાઇ છે. સરકારે વિવિધ ઘટનાઓની તપાસની ખાતરી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter