ફરી એક વાર આકરી ગરમી સાથે ગુજરાતમાં જાણે અગનવર્ષા શરૂ થઇ હોય તેમ હવામાન ખાતા દ્વારા આ અઠવાડિયા માટે રાજ્યમાં હિટએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છઠ્ઠી અને સાતમી જૂને સરેરાશ ૪૬ ડિગ્રી તાપમાન સાથે ઇડર સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં સરેરાશ ૪૪.૫થી ૪૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૪.૫ ડિગ્રી, ડીસામાં ૪૪ ડિગ્રી અને અમરેલીમાં ૪૩ ડિગ્રી તાપમાનનો પારો રહ્યો હતો. અમદાવાદમાં છઠ્ઠીએ હિટસ્ટ્રોકથી દાણીલીમડામાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું.
• PSIની નોકરી ન મળતાં પાટીદાર યુવાનનો આપઘાતઃ ભેંસાણમાં ઇજનેરી ભણતા ૨૫ વર્ષીય પાટીદાર યુવાન મનીષે PSIની ભરતીમાં અનામતનો લાભ ન મળવાને લીધે પસંદગી નહીં થતાં ત્રીજી જૂને કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પાટીદાર હોવાથી અનામતનો લાભ મળી શકશે નહીં. હવે બાપાનાં પૈસા બગાડવા માગતો ન હોઇને હું અંતિમ પગલું ભરી રહ્યો છે.
• મુખ્ય પ્રધાન અને પાંચ દેશોના ભારતીય રાજદૂતો વચ્ચે બેઠકઃ ફિનલેન્ડના ભારતીય રાજદૂત અશોક શર્મા, બનામાના સમા જૈન, બોત્સવાનાનાં ડો. કેતન શુકલા, તાન્ઝાનિયાના સંદીપ આર્ય અને મંગોલિયાના ટી. સુરેશ ભાબુ સાથે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે બીજી જૂને ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. ભારતીય રાજદૂતો વચ્ચે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાને જાન્યુઆરી ૨૦૧૭માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ લઇન્વેસ્ટર્સ સમિટ અને ગુજરાત સાથે પાંચ દેશોના યુવાનોના કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ વિશે ચર્ચા કરી હતી. આ પાંચેય દેશોના ભારતીય રાજદૂતોએ રાજ્યપાલ ઓ. પી. કોહલી અને ચીફ સેક્રેટરી જી. આર. અલોરિયા સાથે પણ આ દિવસે બેઠકનો દોર યોજ્યો હતો.
• અમદાવાદ - હિંમતનગર વચ્ચે બ્રોડગેજ લાઈનને મંજૂરી મળીઃ અમદાવાદ - દિલ્હી વચ્ચેનો રેલવે રૂટ અતિવ્યસ્ત ગણાય છે. જોકે આ રૂટના ગેજમાં ફેરફારની તક છે તેની વિચારણા બાદ અમદાવાદ-મહેસાણા અને અમદાવાદ - હિંમતનગર વચ્ચે એક-એક લાઈનને બ્રોડગેજ બનાવવા માટેની મંજૂરી મળી છે. આ બંને રૂટ પર હાલમાં એક બ્રોડગેજ અને સમાંતરે એક મીટર ગેજ લાઈન કાર્યરત છે. હવે આ બંને રૂટ પરની નવી બ્રોડગેજ લાઇન તૈયાર થતાં આશરે ત્રણેક વર્ષ જેટલો સમય લાગશે એવું રેલવે ઇજનેરોએ જણાવ્યું છે. આ ગેજ પરિવર્તનની કામગીરી પૂરી થતાં જ અમદાવાદ અને દિલ્હી વચ્ચે વધુ ટ્રેન દોડાવી શકાશે એવું પણ રેલવે એન્જિનિયરોએ જણાવ્યું હતું.
• સવર્ણોને ૧૦ ટકા ઈબીસી અનામત સામે હાઈકોર્ટમાં રિટઃ ગુજરાતમાં પાટીદારોની અનામતની માગણી બાદ રાજ્ય સરકારે સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક અનામત (ઈબીસી)ની જાહેરાત પછી ગુજરાત હાઈ કોર્ટમાં ૧૦ ટકા આર્થિક અનામતને પડકારતી રિટ કરાઈ છે જેમાં દાવો કરાયો છે કે, આ રીતની અનામત બંધારણ તેમજ સુપ્રીમ કોર્ટના હુકમનો ભંગ સમાન હોવાથી ઇબીસીને સ્ટે આપવો જોઈએ.

