ગુજરાતમાં આઠ બેઠક માટે પેટા ચૂંટણી જાહેરઃ ભાજપ-કોંગ્રેસમાં તૈયારીઓ શરૂ

Tuesday 06th October 2020 10:43 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને પગલે વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો માટે ૩જી નવેમ્બરે મતદાન અને ૧૦મી નવેમ્બરે મત ગણતરી યોજવાની કેન્દ્રીય ચૂંટણી પંચે ૨૯મી સપ્ટેમ્બરે કરેલી જાહેરાતને પગલે મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ - કોંગ્રેસમાં ધમધમાટ શરૂ થયો છે. કોરોના મહામારીના સમયમાં યોજાતી પેટા ચૂંટણીમાં ૫૬૫ મતદાન મથકો ઓક્ઝિલરી એટલે કે પૂરક મતદાન મથકો તરીકે વધારાયા છે. આઠ વિધાનસભા બેઠકો માટે અગાઉ ૨૪૫૯ મતદાન મથકો હતા જેમાં હવે ૫૬૫ નવા મથકો ઉમેરાતાં કુલ ૩૦૨૪ મતદાન મથકોમાં મતદાન થશે. આ ઉપરાંત મતદાન સ્થળોની સંખ્યા ૧૮૦૭ રહેશે. મતદાન માટે ઇલેક્ટ્રોનિક મશીન તથા ખરાઈ ચકાસવા વીવીપેટ મશીનનો ઉપયોગ થશે.
છેલ્લે ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી મુજબ આઠ બેઠકો પર ૧૮ લાખ ૭૧ હજાર ૬૧૨ મતદારો છે. જેમાં પુરુષ મતદારો ૯ લાખ ૬૮ હજાર ૨૨૫ અને સ્ત્રી મતદારો ૯ લાખ ૩ હજાર ૩૫૩ તથા ત્રીજી જાતિના ૩૪ મતદારો છે. જોકે મતદાર યાદીમાં નામ કમી - ઉમેરવા - સુધારો કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે અને એ પછી મતદાર યાદી ફાઇનલ થશે.
નવરાત્રીમાં ચૂંટણીના રાસડાંઃ ૮ બેઠકોમાં કૃષિ સહાય મળશે નહીં
૧૭મી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થા છે. ૧૯મીએ ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ચૂંટણીમાં પ્રચારના ગરબા બરોબરના જામશે એ નક્કી છે. આઠેય બેઠકોમાં ચૂંટણી આચારસંહિતાને કારણે કૃષિ સહાય, ખેડૂતોને સબસિડી, નવા વિકાસલક્ષી કામો, કાર્યક્રમો, રાહત કે નાણાકીય ગ્રાન્ટ ફાળવણીની શરૂઆત કે જાહેરાત, ખાનગી મિલકતનું ડિફેસમેન્ટ કે સરકારી મિલકતનો પ્રચાર માટે ઉપયોગ થઈ શકશે નહીં. ગુજરાત સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલીક્રિષ્નાએ આઠ વિધાનસભા મતક્ષેત્ર સિવાય જિલ્લાના બાકી ભાગોમાં વિકાસ અને રાહતના કામો થઈ શકશે એમ પણ જણાવ્યું હતું.
જાહેરસભામાં માત્ર ૫૦ અને ઘેર ઘેર કેમ્પેઇનમાં કેવળ ૫ માણસોની મંજૂરી!
કોરોનામાં યોજાતી ચૂંટણી માટે પંચ દ્વારા માત્ર ૫૦ માણસોની જાહેરસભા માટે અને ડોર-ટુ-ડોર કેમ્પેઇન માટે માત્ર પાંચ માણસોને મંજૂરી મળશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ૪ માણસો તેમજ રોડ-શો કે રેલી માટે માત્ર પાંચ ગાડીઓની મંજૂરી અપાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની આ નવી માસ્ક તથા સેનિટાઇઝર્સનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.
આઠેય બેઠકો ઉપર ભાજપની જીતઃ પાટિલ
ઘણા દિવસોથી ભાજપના કાર્યકરો પેટાચૂંટણીની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કાર્યકરો ખુશ છે કારણ કે દિવાળી પહેલાં જ પ્રચાર-પ્રસાર, વોટિંગ અને કાઉન્ટિંગ પણ પૂરું થઈ જવાનું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે આ ચૂંટણીઓ અંગે કહ્યું કે, ભાજપના કાર્યકરો આઠેય બેઠકો જીતીને દિવાળી ઉજવવાના મૂડમાં છે. ભાજપના કાર્યકરો દરેક વખતે ચૂંટણીમાં જીવ રેડીને કામ કરે છે. આ ચૂંટણીમાં વધુ એક વખત તક મળી છે. ભાજપ આઠેય બેઠક જીતશે. કોંગ્રેસના ધારાસભ્યો અંગે કહેવાઈ કહ્યું છે કે, કોંગ્રેસની જૂથબંધીથી નારાજ હતા. માન સન્માન ન મળતાં રાજીનામાં આપ્યાં હતાં. કોંગ્રેસમાં અંદરોઅંદર ભારે ફૂટ છે, કાર્યકરો હતોત્સાહ છે.
આ બેઠકો ઉપર ચૂંટણી
(૧) અબડાસા (૨) લીંબડી (૩) મોરબી (૪) ધારી (૫) ગઢડા (૬) કરજણ (૭) ડાંગ (૮) કમરાડા.
૮ જિલ્લામાં આચારસંહિતા
(૧) કચ્છ (૨) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) અમરેલી (૫) બોટાદ (૬) વડોદરા (૭) ડાંગ અને (૮) વલસાડ એમ આઠ જિલ્લાઓમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter