ગાંધીનગર: ચીનના વુહાનથી પ્રસરેલો કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ઉદ્યોગજગતને અબજો-ખર્વો ડોલરનું નુકસાન થયું છે, અને અનેક દેશના અર્થતંત્ર ખોરવાઇ ગયા છે, પરંતુ આ જ સમસ્યામાં ગુજરાતને જંગી વિદેશી મૂડીરોકાણ આકર્ષવાની તક જણાઇ રહી છે. આ વાઇરસના પ્રસાર માટે ચીનને જવાબદાર માનતી અમેરિકા અને જાપાનની સરકારોએ પોતાના ઉદ્યોગકારોને ચીનમાંથી મૂડીરોકાણ પાછું ખેંચવા અને કામગીરી ઘટાડવા સુચના આપ્યાના અહેવાલ છે. આ મોકો જોઇને ગુજરાત સરકારે અમેરિકા અને જાપાનની સરકારો તથા કંપનીઓનો સંપર્ક શરૂ કર્યો છે.
ગુજરાત સરકારે રાજ્યમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કરપ્રણાલી સહિત અન્ય સુવિધાઓની બાંહેધરી આપીને, આ કંપનીઓને ચીનમાંથી રોકાણ ખસેડી દક્ષિણ એશિયાઇ પ્રદેશમાં ભારત અને તેમાંય ગુજરાત શ્રેષ્ઠ સ્થળ રહેશે તેવી સમજ આપતાં પ્રેઝન્ટેશન અને પત્રો મોકલ્યાં છે.
ચીન અને અમેરિકા વચ્ચે ચાલતાં ટ્રેડવોરને લઇને ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કર્યાં જ હતાં, પણ હવે આ પ્રયાસો તેજ કરાયા છે. અત્યાર સુધી ટ્રેડ વોર છતાં અમેરિકન કંપનીઓ અન્ય પ્રતિસ્પર્ધીઓના ડરના કારણસર ચીનમાં કામગીરી ઘટાડતી નહોતી. જોકે હવે તેઓ અહીંથી ખસીને કે આંશિક રીતે પોતાનું મૂડીરોકાણ અન્ય દેશમાં વાળીને ચીનમાં પોતાની હાજરી કે નિર્ભરતા ઘટાડી શકે છે અને તે માટે જ ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કરી દીધાં છે.
જાપાન સરકારે પોતાના રોકાણકારો જો ચીનમાંથી અન્ય દેશોમાં પોતાનું રોકાણ ખસેડવા માગતા હોય તો ૨૦ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યું છે. જ્યારે વતન જાપાનમાં જ રોકાણ ખસેડવા માગતા હોય તો તેમના માટે ૨૦૦ કરોડ ડોલરની સહાય જાહેર કરી છે. જાપાન સરકારની આ હિલચાલ ધ્યાનમાં આવતાં જ ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર તરફથી અમેરિકા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ ઉપરાંત સરકાર અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો છે. આ સાથે આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આમંત્રણ પણ મોકલ્યું છે.
દિગ્ગજ કંપનીઓનો સંપર્ક
ગુજરાત સરકારે જે અમેરિકન કંપનીઓનો સંપર્ક સાધ્યો છે તેમાંની ઘણી કંપનીઓ ચીનમાં વિશાળ પ્રોડક્શન યુનિટ ધરાવે છે. ગુજરાત સરકારે જે કંપનીઓનો સંપર્ક સાધ્યો છે તેમાં અમેરિકાની એપલ, હ્યુલેટ પેકાર્ડ, ગૂગલથી માંડીને ઘણી બધી સોફ્ટવેર અને હાર્ડવેર કંપનીઓ ઉપરાંત નાઇકી, એડિડાસ, એબરક્રોમ્બી એન્ડ ફિચ કાર્ટર્સ ઉપરાંત હેસ્બ્રો જેવી રમકડાં બનાવનારી કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાપાનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ કંપનીઓ પોતાના પ્રોડક્શન યુનિટ શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
પીએમઓની મદદ લેવાશે
ગુજરાત રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા રાજ્ય સરકારે હાથ ધરેલા આ અભિયાનમાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) પણ મદદરૂપ થશે. તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પણ મદદ લેવાશે. દિલ્હીસ્થિત આ સંપર્ક સૂત્રો ગુજરાત સરકારને જે-તે દેશના રાજદ્વારીઓ ઉપરાંત વાણિજ્યિક મંત્રાલયના તેમજ ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે સંપર્ક કરાવી આપવામાં કડીરૂપ બનશે.