ગાંધીનગરઃ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તો નવાઇ નહીં પામતા. વિશ્વની ટોચની ફ્લાઇંગ કાર નિર્માતા કંપનીએ ગુજરાતમાં પગલાં પાડ્યાં છે. કંપનીએ ભારતમાં ફલાઇંગ કારનો પ્રોજેક્ટ સ્થાપવા ગુજરાત પર પસંદગી ઉતારી છે. નેધરલેન્ડની પીએએલ-વી કંપનીએ આ અંગે સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર વચ્ચે સમજૂતી કરાર કર્યા છે.
રાજ્યમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રચર, લોજિસ્ટીક્સ - પોર્ટ ફેસિલીટી ઉપરાંત અન્ય સુવિધાઓથી આકર્ષિત થઇને પીએએલ-વીએ ફલાઇંગ કાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે. આ પ્રોજેક્ટના આગમન સાથે ભારતનું મેન્યુફેકચરીંગ ઓટો હબ બનેલાં ગુજરાતની વિકાસગાથામાં એક નવું પીછું ઉમેરાયું છે.
પીએએલ-વી વતી ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ કાર્લો માસબોમીલે જણાવ્યું કે, ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપરાંત વર્લ્ડ કલાસ ઇન્ફાસ્ટ્રકચર સહિત લોજિસ્ટીકસ - પોર્ટ ફેસિલીટી વિકસ્યા છે ત્યારે ફલાઇંગ કાર પ્રોડકશનનો પ્રથમ પ્લાન્ટ શરૂ કરવા ગુજરાત પર પસંદગી ઉતારી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કાર્યરત થનારાં ફલાઇંગ કાર પ્રોડકશન પ્લાન્ટમાંથી આગામી દિવસોમાં યુરોપ, અમેરિકા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં ફલાઇંગ કાર નિકાસ કરવા તત્પર છે. આગામી વર્ષ ૨૦૨૧માં જ ફલાઇંગ કારના કોમર્શિયલ લોન્ચિંગ સાથે ઉત્પાદન પણ શરૂ થઇ જશે. ફલાઇંગ કારના કોમર્શિયલ પ્રોડકશન અને લોન્ચિંગ માટે જરૂરી પરમિશન પણ મળી ચૂકી છે.
પીએએલ-વીને ગુજરાતમાં ફલાઇંગ કારના પ્રોડકશન માટે ભારત સરકાર પાસેથી મેળવવાની જરૂરી પરવાનગીમાં ય ગુજરાત સરકાર મદદરૂપ થશે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાતમાં ફલાઇંગ કારનું પ્રોડક્શન શરૂ થાય તે પહેલાં જ પીએએલ-વી કંપનીને દુનિયાભરમાંથી ૧૧૦ ફલાઇંગ કારના ઓર્ડર મળી ચૂક્યાં છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ફલાઇંગ કારના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી ન્યૂ ઇન્ડિયાના નિર્માણની દિશામાં એક આગવી સિદ્ધી બની રહેશે તેવી અપેક્ષા સાથે નવતર સાહસને તમામ રીતે સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ગુજરાતમાં હાલમાં સુઝુકી ઉપરાંત ફોર્ડ મોટર્સના એકમો કાર્યરત છે. લો કોસ્ટ ઓફ પ્રોડકશન અને અનુકુળ ઇકો સિસ્ટમને કારણે અન્ય દેશોમાં નિકાસ કરવી સરળ બની રહે છે. આ મુદ્દે પીએએલ-વી કંપનીએ સર્વગ્રાહી અભ્યાસ સુદ્ધાં કર્યો હતો ત્યાર બાદ ગુજરાતમાં ફલાઇંગ કાર પ્રોડક્શન પ્રોજેક્ટ નાંખવા નિર્ણય કર્યો હતો.