ગાંધીનગરઃ રાજ્યમાં ચોતરફ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ સપ્ટેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને તેને સંલગ્ન અરેબિયન સમુદ્રમાં તેમજ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે, સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર - સોમનાથ, દીવમાં, મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહીસાગરમાં, બુધવારે વલસાડ- દમણમાં, ગુરુવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં સતત હવામાં ભેજનું પ્રમાણ રહે છે અને વરસાદી ઝાપટાં પડતાં રહે છે. કચ્છના મુન્દ્રામાં મુશળધાર વરસાદ થયો છે. મુન્દ્રામાં સોમવારે ૪૫ મિનિટમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કચ્છમાં લોકલ સિસ્ટમ સક્રિય થયા બાદ મુન્દ્રામાં ૪૦ મિનિટમાં ધોધમાર ૪ ઇંચ જ્યારે તાલુકામાં ૨થી ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૩ તાલુકા અબડાસા, માંડવી અને ભચાઉ તાલુકામાં હાજરી નોંધાવી હતી.
ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ
સૌરાષ્ટ્રમાં ગીરના જંગલ વિસ્તારમાં રવિવારથી સતત વરસાદી માહોલ છે. ગીર જંગલમાં રવિવારે ૫ ઈંચ વરસાદ થયો હતો. વિસાવદર અને જાફરાબાદમાં રવિવારે ૨.૫, વંથલીમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઊના પંથકમાં સોમવારે પણ પાંચ ઇંચ વરસાદ થતાં અમુક ગામોમાં નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જયારે નદીમાં ધોડાપુર આવતા અનેક ગામો સંપર્ક વિહોણાં બની ગયા હતા. ભાવનગરમાં સોમવારે રાત્રે વીજળી ચમકારા શરૂ થયા હતા. મંગળવારે રાત્રે ૧.૪૫થી ૨.૧૫ એટલે કે અડધા કલાક સુધી ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. મહુવા અને તળાજામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. વડગામ તાલુકાના જલોતરા પંથકમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સતત વરસાદથી ખેતીની જમીનોમાં તળાવ ભરાઈ ગયા હોય એવા દૃશ્યો સર્જાયા હતા. અનરાધાર વરસાદથી પાક સદંતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રના કલ્યાણપુર, માણાવદરમાં મૂશળધાર ૬ ઈંચ
૧૨મી સપ્ટેમ્બરે રાજ્યના ૨૨ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ચોમાસાની સિઝનમાં આ વખતે ૧૨૩ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
૧૨મીના અહેવાલો પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં શનિવારે બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરે ૨થી ૪માં સૌથી વધુ ૪.૦૫ ઈંચ જ્યારે ૪થી ૬ દરમિયાન ૧.૧૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૮૧.૭૭ ઈંચ સાથે મોસમનો ૩૨૪.૭૫ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં ચોમાસાની મોસમમાં આ વખતે ૪૧.૬૫ ઈંચ સાથે મોસમનો ૨૫૬.૯૦ ટકા કરતાં વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી ચીખલીમાં રવિવારે બપોરે ૨થી ૪ દરમિયાન સૌથી વધુ ૧.૩૩ ઈંચ વરસાદ પડયો હતો.