ગાંધીનગરઃ ૧૯૮૯- ૯૦માં માંડલ કમિશનનો વિરોધ કરનાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે ફરી એક વખત પોતાનો એજન્ડા બહાર કાઢયો છે. ગુજરાતમાં પાટીદાર અને ત્યારપછી અનેક બિનઅનામત જ્ઞાતિઓ દ્વારા ઓબીસીમાં સમાવેશ કરવા ચાલી રહેલા આંદોલનોની પાછળ કોણ કાર્યરત છે તે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ગુજરાતના અધિકારીઓ શોધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અધિકારીઓએ સંઘ અને ભાજપ સામે ઈશારો કર્યો છે. આઈબીએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘સંઘ અને ભાજપના કેટલાક ઉચ્ચસ્તરીય નેતાઓ ઓબીસી સહિતના તમામ અનામતને હટાવીને આર્થિક સ્તરે પછાત- ઈબીસી લાગુ કરવા ઈચ્છે છે. આથી આ વિચારને પાટીદારોના આંદોલનમાં વહેતો કરવામાં આવી રહ્યો છે.’ ઘણા લાંબા સમયથી ભાજપ અને સંઘના વિચારોને દેશમાં અમલમાં મુકવા માટે ગુજરાત રાજકીય લેબોરેટરી ગણાય છે. આથી, આવો પ્રયોગ કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈ, બાળકોના શિક્ષણ, ફિક્સ વેતનમાં ફસાયેલી રોજગારી અને લોકભાગીદારી પ્રોજેક્ટ અંગે લોકોમાં નારાજગી હતી હતો. આથી, સ્થાનિક કક્ષાએ શરૂ થયેલી આ આગને અનામતની માંગણીનું રૂપ આપીને ધીરેધીરે વિસ્તારવામાં આવી રહી હતી. આ સંજોગોમાં વિસનગરમાં પાટીદાર આંદોલન શરૂ થતા તેને તીવ્ર વેગ મળ્યો અને અન્ય જ્ઞાતિઓ પણ તેમાં જોડાઇ છે. ગુપ્તચર વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે, અત્યાર સુધી પાટીદારોની રેલીઓમાં સફેદ ટોપી અને લાલ રંગના ખેસ પહેરેલા યુવાનો જોવા મળતા હતા પરંતુ ૨૫ ઓગસ્ટ જેમ નજીક આવી તેમ તેનો કલર પણ કેસરીઓ થઈ રહ્યો છે.
ઓબીસી સમાજનું શક્તિ પ્રદર્શનઃ પાટીદારોની અનામતની માગ કરતી ૨૫મીની રેલી પહેલાં જ અન્ય પછાત વર્ગે (ઓબીસી) અમદાવાદમાં ૨૩ ઓગસ્ટે વિશાળ શક્તિ પ્રદર્શનમાં એક લાખ લોકોને એકઠા કરીને મહાધરણા કર્યા હતા. સવારે ૧૦થી સાંજના ૫ કલાક સુધી ચાલેલા ધરણામાં ઓબીસી, એસ.સી., એસ.ટી અને મુસ્લીમોએ એક થઇને હક્કોનું રક્ષણ કરવાની જાહેરાત કરી હતી. સાથે ઓબીસીની ૧૪૬ જાતિઓના પ્રતિનિધિઓની આગેવાની કરી રહેલા અલ્પેશ ઠાકારે સરકારને ચીમકી આપી હતી કે, જો પાટીદારોને અનામત આપી તો ૨૦૧૬માં સરકારને ઉથલાવીશું. ગરીબ, વંચિત અને દબાયેલા પછાત વર્ગને એટલે સુધી કચડો કે પછી નકસલવાદ પેદા થાય. પાટીદારોએ હવે સહાનુભૂતિ પણ ગુમાવી છે.