ગુજરાતમાં કપાસ, મગફળી, ડાંગરનું ઓછું વાવેતર

Wednesday 05th September 2018 06:53 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં કપાસનું ૮૩ ટકા અને મગફળીનું ૭૩ ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું છે. જોકે આ બન્ને ખરીફ પાકોનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં ૮,૮૯,૭૪૬ હેક્ટરમાં ઓછું થયું છે. આમ પણ આ વર્ષે ખરીફ વાવેતર ગયા વર્ષની સ્થિતિએ ૧૮,૭૬,૧૦૯ હેક્ટરમાં ઓછું જ થયું છે. ઉપરોક્ત બે પાક ઉપરાંત ડાંગરની પણ પાણીના અભાવે ૧,૧૮,૫૨૦ હેક્ટર ઓછી વાવણી થઈ છે.
ગુજરાતમાં સરેરાશ પાછલા ત્રણ વર્ષમાં થયેલા કુલ વાવેતરના આધારે નક્કી થયેલા સરેરાશ આંકડા મુજબ ૮૫,૬૫૨૬૭ હેક્ટર વાવેતર વિસ્તાર મનાય છે. આ વર્ષે ૬૦.૦૩ ટકા અર્થાત્ ૫૧,૪૧,૪૯૧ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે ૨૦૧૭માં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા પ્રમાણે ૭૦,૧૭,૬૦૦ હેક્ટર જેટલું હતું.
કૃષિ વિભાગના સત્તાવાર આંકડા મુજબ ડાંગર સહિતના ધાન્ય પાકોમાં ૭,૮૮,૪૪૧ હેક્ટર, તુવેર સહિતના કઠોળ પાકોનું ૨,૯૬,૨૪૦ હેક્ટરમાં, મગફળી સહિતના તેલીબિયાં પાકોનું ૧૨,૭૮,૩૧૩ હેક્ટરમાં, કપાસનું ૨૧,૮૪,૨૭૨ હેક્ટર સહિત અન્ય પાકોમાં ૨૭,૭૮,૪૯૭ હેક્ટરમાં વાવેતર થયું છે. એકેય પાકનું વાવેતર અગાઉના વર્ષની સરખામણીએ વધારે નથી. ટકાવારી દૃષ્ટિએ જોઈએ તો ૯૫ ટકા જેટલું ઊંચું વાવેતર મકાઈનું થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter