ગાંધીનગરઃ ગુજરાતની ચૂંટણીઓમાં કાળા નાણાંની રેલમછેલ ચર્ચાનો વિષય હોય છે ત્યારે આ વખતે વધુ પ્રચાર ખર્ચ ધરાવતા ક્ષેત્રોમાં વોચ રાખવા વિશેષ આયોજન છે. કાળા નાણાંનો ધૂમ વેડફાટ થતો હોય તેવા ૨૮ વિધાનસભા ક્ષેત્રો અલગ તારવાયા છે ત્યાં ૧૮ જેટલા ખર્ચ નિરીક્ષકો પણ નિમાયા છે. આ નિરીક્ષકો ઉમેદવારોના તથા રાજકીય પક્ષોના જંગી ખર્ચા પર નજર રાખશે.
આ ૨૮ વિધાનસભા ક્ષેત્રો ક્યા છે તે અંગે ચૂંટણી અધિકારીઓએ જોકે જણાવ્યું નથી, પરંતુ મનાય છે કે અમદાવાદના બે વિધાનસભા ક્ષેત્રો તથા પંચમહાલનું શહેર વિધાનસભા ક્ષેત્ર તેમાં સામેલ હોવાનું મનાય છે.
આમ તો ચૂંટણીતંત્ર રાજ્યની પ્રત્યેક લોકસભા બેઠક દીઠ એક એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર નીમે એવો નિયમ છે. એમ આ વખતે પણ ૨૬ લોકસભા બેઠકો માટે ૨૬ ખર્ચ નિરીક્ષકો ઉપરાંત વધારે ખર્ચની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ૨૮ વિધાનસભા ક્ષેત્રો વચ્ચે વધારાના ૧૮ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર નિમાયા છે, જેઓ ટૂંક સમયમાં એમને સોંપાયેલા ક્ષેત્રોમાં કાર્યરત થઇ જશે.
વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં રાજયની ૨૬ બેઠકો માટે કુલ ૩૧ ખર્ચ નિરીક્ષકો નિમાયા હતા, જે પૈકી બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢ બેઠકો પર નોંધનીય રીતે બબ્બે ખર્ચ નિરીક્ષકો મુકાયા હતા.

