ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સત્તા સ્થાને બિરાજશે: કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલે

Tuesday 28th April 2015 13:42 EDT
 
 

કોંગ્રેસ પક્ષનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે અને અત્યારે હાલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ જે રીતે રાજ ચલાવી રહ્યા છે તે જોતા ગુજરાતમાં યોજાનારી આગામી ચૂંટણીઅોમાં કોંગ્રેસ પક્ષ જોરદાર દેખાવ કરી સત્તા સ્થાને બિરાજશે એમાં કોઇ શંકા નથી' એમ ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને એક વખતના વિરોધ પક્ષના નેતા તથા ભૂતપુર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.

પોર્ટુગલમાં યોજાયેલા લગ્નમાં ભાગ લેતા પૂર્વે ખાનગી મુલાકાતે લંડન પધારેલા શ્રી ગોહિલે તા. ૯ એપ્રિલના રોજ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી અને તે જ દિવસે તંત્રી શ્રી સીબી પટેલનો જન્મ દિન હોવાથી શુભેચ્છાઅો પણ પાઠવી હતી.

સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને હાલ કચ્છની અબડાસા બેઠક પરથી કોંગ્રેસનું પ્રતિનિધત્વ કરતા શ્રી ગોહિલે જણાવ્યું હતું કે 'કોંગ્રેસનું ભાવિ ખૂબજ ઉજ્જવળ છે અને દેશના અમુક રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતી ખરાબ હતી તેના કરતા પણ ગુજરાતમાં અત્યારે સ્થિતી સારી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ગોબોલ્સ પ્રચારમાં સતત પ્રચારનો જુઠ્ઠો મારો ચલાવ્યો હતો કે કોંગ્રેસ પક્ષ ગુજરાતને અન્યાય કરે છે. ખરેખર તો અમે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ સત્તાસ્થાને હતા ત્યારે જે લાભ મળતા હતા તેના કરતા અત્યારે ગુજરાતને અોછા લાભ મળે છે અને આ વાતને અમે ગુજરાતની પ્રજા સુધી લઇ જનાર છીએ.'

'ગુજરાત રાજ્યમાં અત્યારે ભ્રષ્ટાચાર પૂરબહારમાં ચાલી રહ્યો છે અને સરકારનું નેતૃત્વ સંભાળવા માટે ભાજપમાં અંદર અંદર લડાઇ ચાલી રહી છે. ખેડૂતને ૨૦ કિલો કપાસના ૧,૫૦૦ રૂપિયા મળવા જોઇએ તેને સ્થાને આજે માત્ર ૮,૦૦ રુપિયા જ મળે છે. આજ રીતે શેરડી પકવતા ખેડૂતો પણ નારાજ છે કેમ કે તેમને પણ શેરડીની આવક પૂરતી મળતી નથી. ખેડુતોનો મોટો વર્ગ ભાજપના વહીવટથી નારાજ છે.'

ગુજરાતમાં કોંગ્રેસ કોને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરશે તેનો જવાબ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 'કોંગ્રેસમાં આંતરિક સ્તરે લોકશાહી છે અને ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો જ પોતાના નેતાની જાહેરાત કરે છે. કોંગ્રેસમાં ચાલતા પરિવારવાદનો આછેરો સ્વીકાર કરતા શ્રી ગોહિલે જણાવ્યું હતું કે ભાજપમાં પણ પરિવારવાદ માઝા મૂકી રહ્યો છે. રાજનાથ સિંહનો દિકરો હોય કે વસંુધરા રાજેનો દિકરો, તેઅો પણ સત્તાના મીઠા ફળ ચાખી જ રહ્યા છે. ભાજપમાં પણ દરેક સ્તરે પરિવારવાદ જોવા મળે છે.'

શ્રી ગોહિલે જણાવ્યું હતું કે 'અમુક રાજકીય નેતાઅો ભલે કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ કરતા હોય પણ સોનીયા ગાંધીએ હરહંમેશ ભારતીય નારીની જેમ પહેલા ઘર અને પછી દેશની જવાબદારી ખૂબજ સારી રીતે સંભાળી છે. રાજીવ ગાંધીના નિધન બાદ જ્યારે નરસિંહ રાવ સરકારની રચના થઇ ત્યારે સોનીયાજીને વડાપ્રધાનપદ માટે મનાવવાના પ્રયાસો થયા હતા. પરંતુ તે સમયે પતિના મોતનો આઘાત તાજો હોવા સાથે બાળકો નાના હોવાથી સોનીયાજીએ વડાપ્રધાન પદ સ્વીકાર્યું નહોતું અને ભાેરતીય પરંપરા મુજબ વૈધવ્યની સીમાઅો જાળવી રાખી હતી. તે પછી બે વખત મનમોહન સિંઘજી વડાપ્રધાન પદે નિમાયા ત્યારે પણ સોનીયાજીને મનાવવા પ્રયાસ થયો હતો. સોનીયાજી જ્યારે કોંગ્રેસના પ્રમુખ થયા ત્યારે કોંગ્રેસ પતનના આરે હતી. પરંતુ સોનીયાજીએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું હતું અને કોંગ્રેસ દેશના સોળ રાજ્યોમાં સત્તાસ્થાને આવી હતી તેમજ ૨૦૦૪માં કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા સ્થાને આવી હતી.'

શ્રી ગોહિલે કોંગ્રેસ શાસનમાં બહાર આવેલા વિવિધ કૌભાંડો અંગે જણાવ્યું હતું કે 'કમનસીબે જે પણ કૌભાંડો બહાર આવ્યા હતા તે બીનકોંગ્રેસી સહયોગી પક્ષોના નેતાઅોએ આચર્યા હતા અને તે તમામ નેતાઅો સામે પગલા લઇ આવા કૌભાંડી નેતાઅોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે કદી પણ કોઇ કૌભાંડી નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો નથી. જે તે કૌભાંડના કેસોમાં ફરિયાદમાં માત્ર નામ આવવાથી જ જે તે નેતાને તેમના સત્તા સ્થાનેથી હટાવી લેવાયા હતા. જો કે કમનસીબી એ છે કે સત્તા મેળવવા માટે જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા તેવા નેતાઅોને હાલમાં ભાજપ પોતાના પક્ષમાં સામેલ કરે છે. આજે કાશ્મિરમાં જે નેતાઅો અલગતાવાદીઅો હતા તેમને ભાજપની સહયોગી સરકારમાં મંત્રીનું સ્થાન અપાયું છે.'

નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાં મળેલા સજ્જડ પ્રતિસાદ અને પૂર્ણ બહુમતી મળી તે અંગે પ્રતિભાવ આપતાં શ્રી ગોહિલે જણાવ્યું હતું કે 'સારી ચીજવસ્તુ હોય પણ જો તેનું માર્કેટીંગ ન થાય તો તે ચાલતી નથી. પરંતુ બોગસ પ્રોડક્ટ જો ઉમદા માર્કેટીંગ કરાયું હોય તો ચાલી જતી હોય છે. આજે હાલત એ છે કે સત્ય ટીપાઇ જાય છે અને અસત્ય ધામધૂમપૂર્વક વેચાઇ જાય છે. નરેન્દ્રભાઇ મોદીનું પણ આવું જ છે. મોદી સરકાર નર્મદા યોજનાના લાભની વાતો કરતી હતી પરંતુ આજની તારીખે ગુજરાતમાં ૪૮,૦૦૦ કિલોમીટરની નહેરનું કામકાજ બાકી છે. જેને મંજુરીની કોઇ જ જરૂર નથી. જો તે નહેરનું કામકાજ પૂર્ણ થયું હોય તો તેનો ફાયદો થાય પણ કામ પૂર્ણ જ ન થયું હોય તો તેનો ફાયદો થવાની શક્યતા જ રહેતી નથી. કચ્છને નહેરના પાણીની કેટલી બધી જરૂર છે તે સૌ કોઇ જાણે છે પણ હજુ સુધી કચ્છની નહેરો પાછળ ખર્ચ થયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter