ગુજરાતમાં કોંગ્રેસે ૨૨ ઉમેદવાર જાહેર કર્યા, ભાજપે એક નામ બાકી રાખ્યું

ચૂંટણી વિશેષ

Wednesday 03rd April 2019 07:52 EDT
 
 

અમદાવાદઃ મહિનાઓની ચર્ચાવિચારણા અને જિલ્લા કક્ષાથી માંડીને દિલ્હી સુધી મંત્રણા-મનામણાનો સિલસિલો ચાલ્યો હોવા છતાં શાસક ભાજપ કે વિપક્ષ કોંગ્રેસ ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારો નક્કી કરી શક્યા નથી. ગુજરાતના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયાને લગભગ પખવાડિયું થવા આવ્યું હોવા છતાં ભાજપની નેતાગીરી આજે આ લખાઇ રહ્યું છે મંગળવાર મોડી રાત સુધી અમદાવાદ (પૂર્વ) બેઠકના ઉમેદવાર અંગે આખરી નિર્ણય લઇ શકી નથી. જ્યારે કોંગ્રેસની હાલત તો આનાથી પણ વધુ ખરાબ છે. આજે મંગળવારે તેણે વધુ આઠ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા પછી પણ હજુ ચાર બેઠકો માટે તેણે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
ગુજરાત કોંગ્રેસે મંગળવારે મોડી રાતે જે આઠ ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં પરેશ ધાનાણી (અમરેલી), સી. જે. ચાવડા (ગાંધીનગર), મૂળુ કંડોરિયા (જામનગર), સોમા ગાંડા પટેલ (સુરેન્દ્રનગર), રોહન ગુપ્તા (અમદાવાદ પૂર્વ), પરથીભાઈ ભટોળ (બનાસકાંઠા), પી.ડી.વસાવા (ભરૂચ) અશોક અધેવાડા (સુરત)નો સમાવેશ થાય છે. આમાંથી સોમા ગાંડા પટેલ, પરેશ ધાનાણી અને સી. જે. ચાવડા હાલ સિટીંગ ધારાસભ્ય છે. હજુ કોંગ્રેસના ચાર ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે.
દરમિયાન, ભાજપે પણ આખરે મગનું નામ મરી પાડ્યું છે. સુરતની પ્રતિષ્ઠિત ગણાતી બેઠક પરથી લાંબી કશ્મકશ પછી વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોષને રિપિટ કર્યા છે. એ ઉપરાંત મહેસાણા બેઠક પરથી શારદાબહેન પટેલને ઉમેદવારી અપાઇ છે. ભાજપે જાહેર કરેલ બંને બેઠકો પર મહિલા ઉમેદવારને તક આપી છે. ભાજપે હવે ફક્ત અમદાવાદ પૂર્વના ઉમેદવાર જાહેર કરવાનું બાકી રાખ્યું છે.

કોંગ્રેસે ૭ ધારાસભ્ય ઉતાર્યા

કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા ૨૨ ઉમેદવારોમાંથી કુલ ૭ ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાં રાજકોટમાં લલિત કગથરા, જૂનાગઢમાં પુંજા વંશ, વલસાડમાં જીતુ ચૌધરી, પોરબંદરમાં લલિત વસોયા, અમરેલીમાં પરેશ ધાનાણી, સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા પટેલ અને ગાંધીનગરમાં સી. જે. ચાવડાનો સમાવેશ થાય છે.

આક્રમક રણનીતિ કે ઉમેદવારના ફાંફા?

રાજ્યની ૨૬ લોકસભા બેઠકો પર કોંગ્રેસને ઉમેદવારો શોધવાના ય ફાંફા પડતાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અગાઉ ૪ ધારાસભ્યોને ચૂંટણીમાં ઉતાર્યા બાદ મંગળવારે જાહેર કરેલ વધુ ૩ ઉમેદવારો વર્તમાન ધારાસભ્યો છે. એ જોતાં કોંગ્રેસના જાહેર થયેલા કુલ ૨૨ ઉમેદવારોમાં ૭ ધારાસભ્યો છે, અને બાકી ઉમેદવારોની યાદી જાહેર થશે ત્યારે હજુ આમાં ઉમેરો થઈ શકે છે. ચૂંટાયેલા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતારવા એ આક્રમક રણનીતિ પણ ગણી શકાય, પરંતુ કોંગ્રેસના કિસ્સામાં એ મજબૂરી હોય તેવું પ્રતીત થાય છે. બીજું રસપ્રદ તારણ એ છે કે અત્યાર સુધી જાહેર થયેલ ૧૮ ઉમેદવારોમાં કોંગ્રેસે હજુ સુધી એક પણ મહિલા ઉમેદવારને તક આપી નથી. હા, જ્ઞાતિ સમીકરણોને બંને પક્ષો એકસરખી રીતે સંતુલિત કરી રહ્યા છે.

આહિર સામે આહિર

સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે એ જ સ્થિતિ જામનગરમાં પણ છે. અહીં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારનો મિજાજ અલગ પડે છે. શહેરી મતદાતાઓ લાંબા સમયથી ભાજપની કમિટેડ વોટબેન્ક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારો મુદ્દાઓના આધારે મતદાન કરતાં રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ વિરોધાભાસ જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણી આવતાં સુધીમાં ભાજપે પક્ષાંતર કરાવીને સ્થિતિ સુધારવા પ્રયાસ અવશ્ય કર્યો છે પરંતુ પક્ષપલટાથી નેતાઓના ખેસ બદલાયા છે, પ્રજાનો મિજાજ કેટલો બદલાયો છે એ તો પરિણામના દિવસે ખબર પડશે.
હાલ કોંગ્રેસે ભાજપના પુનમ માડમની સામે મૂળુભાઈ કંડોરિયાને ઉતારીને આહિર સામે આહિરનું સમીકરણ સંતુલિત કરવા પ્રયાસ કર્યો છે. અહીં આશરે પોણા બે લાખ આહિર મતદારો છે. જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા સુધીના પટ્ટામાં આહિરોનું વર્ચસ છે. આહિર સમાજ પર ઘેલુભાઈ માડમના સમયથી માડમ પરિવારનો પ્રભાવ રહ્યો છે. માડમ પરિવારના વિક્રમ માડમ કોંગ્રેસમાંથી જીતી ચૂક્યા છે અને પૂનમ માડમ ભાજપમાંથી બીજી ટર્મ માટે ઉમેદવારી કરી રહ્યા છે.

શહેન‘શાહ’ સામેનો જંગ આસાન નથી

ભાજપના રાષ્ટ્રીય નેતાની બેઠક તરીકે જાણીતા ગાંધીનગર મતવિસ્તારમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા કોઈ તૈયાર થાય એ જ મહત્વપૂર્ણ લેખાવું જોઈએ. ડો. સી. જે. ચાવડા નિયમિત રીતે વિધાનસભામાં ચૂંટાતા રહેલા નિવડેલા રાજકારણી છે. અન્ય કોઈ ઉમેદવાર હોય તો ચાવડા ચોક્કસપણે પડકારરૂપ બની શકે, પરંતુ અમિત શાહ સામેનો જંગ બિલકુલ આસાન નહિ હોય. આથી એટલું જ કહી શકાય કે વિજય તો ઠીક છે, અમિતભાઈને ગાંધીનગરમાં રોકી રાખવા એ જ કોંગ્રેસની સૌથી મોટી ઉપલબ્ધિ બની રહેશે.

લોકસભામાં પણ પરિવર્તનનો પવન?

પાટીદાર સમાજની પ્રભાવક ગણાતી આ બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડિયા સામે નારાજગીની, નિષ્ક્રિયતાની ફરિયાદો હોવા છતાં તેમને રિપિટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસે લાંબા મનોમંથન પછી આખરે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે. ધાનાણીનો આ ગઢ છે. અહીં આશરે સાડા ત્રણ લાખ પાટીદારો નિર્ણાયક છે.
બંને ઉમેદવાર પાટીદાર હોય ત્યારે અન્ય સમાજના મતો પણ નિર્ણાયક બની શકે છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો કબજો છે. ધારી, લાઠી-લિલિયા, બાબરા વિસ્તારમાં પાટીદાર મતદારો વધુ છે. રાજુલા-જાફરાબાદમાં કોળી અને આહિર મતદારો વધુ છે. હિરાલાલ સોલંકીની નિષ્ક્રિયતાને લીધે કોળી મતો કોંગ્રેસ તરફ ઢળી શકે છે. વીરજી ઠુમ્મર આ વિસ્તારના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય છે. જે.વી.કાકડિયા (ધારી), પ્રતાપ દુધાત (સાવરકુંડલા), અંબરિશ ડેર (રાજુલા) વ. ધારાસભ્યો પણ પરેશ ધાનાણીના વિશ્વાસુ છે. આ બેઠક પર કોંગ્રેસ નિઃશંકપણે આશાવાદી રહી શકે છે.

સુરેન્દ્રનગરમાં સોમાભાઇ ભારે પડી શકે

સુરેન્દ્રનગરમાં ધારણા હતી એ મુજબ કોંગ્રેસે આખરે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ પર પસંદગી ઉતારી છે. વિધાનસભા, લોકસભા બંનેનો બહોળો અનુભવ ધરાવતા સોમાભાઈ આ વિસ્તારમાં વ્યાપક લોકસંપર્ક ધરાવે છે. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા પ્રમાણમાં નવોદિત ગણાય. સેવાભાવી તબીબ તરીકેની લોકચાહનાને હવે તેઓ મતોમાં કેટલી અંકે કરી શકે છે એ મુદ્દો મહત્વનો છે. કોળી મતો બંને ઉમેદવારોમાં વહેંચાઈ જાય એ સંજોગોમાં માલધારી સમાજ, દલિત અને મુસ્લિમ મતો પણ નિર્ણાયક બની શકે છે. આ બેઠક પણ ભાજપને ૨૦૧૪ની ક્લિન સ્વિપનું પુનરાવર્તન કરવામાં અડચણરૂપ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter