ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે નિસર્ગ વાવાઝોડાનો ભય મંડરાયો

Wednesday 03rd June 2020 08:28 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે નિસર્ગ નામના વાવાઝોડાએ પણ ભય ફેલાવ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે આ આફત રાજ્યમાં મુશ્કેલી સર્જે એ પહેલાં જ તંત્ર સાબદું થયું છે. ૧૨૦ કિ.મી.ની ઝડપે ગુજરાત પર ત્રાટકી શકે તેવા નિસર્ગ વાવાઝોડા સામે તકેદારીના પગલાં માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત તથા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને ચર્ચા કરી હતી.
આ વાવાઝોડા અંગે સોમવારે મહારાષ્ટ્ર, મુંબઈના દરિયાકિનારાએ એલર્ટ જાહેર કરાયા બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૦-૩૦ સુરક્ષા જવાનો ધરાવતી કુલ ૩૦૦ જણાની સુરક્ષા ટીમો તથા હેલ્થની ટીમ તૈનાત કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ૩જીએ વાવાઝોડું ત્રાટકી શકે છે એવી વકી હોવાથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને પહેલી જૂનથી રાજ્યમાં એલર્ટ પર મુકાઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા માછીમારોને પણ દરિયાકાંઠાથી દૂર રહેવાની સૂચના સોમવારે જ અપાઈ હતી. જો કોઇ દરિયામાં માછીમારી માટે જાય તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે તેવું પણ તંત્ર દ્વારા જણાવાયું હતું. આ ઉપરાંત મીઠાના અગરમાં કામ કરતા અગિયારાઓને પણ સલામત સ્થળે રહેવા સૂચના છે. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડથી લઈને સુરતના દરિયાકિનારા વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, વેરાવળ, સોમનાથ, મહુવા, ઘોઘા, પોરબંદર, જાફરાબાદ સહિતના દરિયાકાંઠા વિસ્તાપમાં સુરક્ષા ટુકડીઓ તૈનાત કરાઈ છે. ઘોઘાના દરિયામાં કરંટ જોવા મળતાં સ્થાનિકોને પણ દરિયાકાંઠાથી દૂર રહેવા જણાવાયું છે. આ વાવાઝોડું ભાવનગર જિલ્લાના ૩૪ અને અમરેલી જિલ્લાના ૨૩ ગામોને અસર કરી શકે છે. ભાવનગર – ઘોઘા દરિયાકાંઠા વિસ્તારના સંભવિત અસરગ્રસ્ત ગામોમાંથી સગર્ભા અને બીમાર મળીને કુલ ૨૦૦થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયાં છે.

સોમવારથી અસર

નિસર્ગની અસર સોમવારથી જ ગુજરાતમાં દેખાઈ હતી. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીમાં બે ઇંચ, દક્ષિણ ગુજરાતના વ્યારામાં બે કલાકમાં ૧૯ મિ.મી., વલોડમાં ૧૫ મિ.મી. અને અમદાવાદમાં અડધોથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વીજતંત્ર પણ સજ્જ

નિસર્ગ વાવાઝોડાને લઇને પશ્ચિમ ગુજરાત વીજ તંત્ર - PGVCL પણ એલર્ટ પર હોવાનું જણાવાયું છે. રાજકોટ PGVCL વર્તુળ કચેરીના એમડી શ્વેતા ટિયોટિયાએ આ અંગે બીજી મેએ એવું જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ૧૨૦૦ કિ.મી.ની કોસ્ટ લાઇન છે. વીજળી અંગે કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ અને તકેદારી પશ્ચિમ ગુજરાત વીજતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. શ્વેતાએ જણાવ્યું કે, ૧૨ સર્કલ રાજકોટ ઝોન હેઠળ આવે છે. તેથી અધિકારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજ પર રહેવા સૂચના અપાઇ ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter