ગાંધીનગરઃ કોરોના વાઈરસ અંગે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. ૧૧મી ઓગસ્ટના અહેવાલો પ્રમાણે રાજ્યમાં કોરાનાનાં ૧૧૧૮ કેસ નોંધાતાં રાજ્યમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૭૩૨૩૮ નોંધાઈ હતી. ૧૯મીએ ૨૩ મોત સાથે રાજ્યમાં મૃતકાંક વધીને ૨૬૯૭ પહોંચ્યો હતો જ્યારે ૧૧૪૦ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને માત આપતાં રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર ૭૭.૦૩ ટકાએ પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૬૪૧૬ દર્દીઓ સાજા થઈ ગયાં છે.
સુરતની સ્થિતિ અંગે ખુલાસો કરોઃ હાઈ કોર્ટ
કોરોના મુદ્દે સુઓમોટો અરજીમાં હાઈ કોર્ટે ચોથી ઓગસ્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો કે, રાજ્યમાં આ હદે કોરોનાની સ્થિતિ વકરે તે યોગ્ય નથી. માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ પેટે રૂ. ૧ હજારનો દંડ વસૂલો અને આ માટે સરકાર નોટિફિકેશન, ઠરાવ, પરિપત્ર બહાર પાડે. હાઈ કોર્ટે કહ્યું કે, રાજ્યમાં લોકો માસ્ક પહેરતા નથી અને કાયદાનું પાલન કરતા નથી. તેમના માટે આકરા પગલા લો. લોકોને સરકાર માટે તિરસ્કારનો ભાવ પેદા થશે એવું સરકાર ન વિચારે. વર્તમાન સમયમાં મહત્ત્વનું છે તે વિચારો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડેરીની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરતી વખતે નેતાઓ અને કાર્યકરોનાં ટોળાં ભેગાં થયાં હતાં જેમાં રાજ્યન કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિત અનેકે માસ્ક પહેર્યાં નહોતા કે સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.
હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, સુરતની સ્થિતિ આ હદે કેવી રીતે બગડી તેનો ખુલાસો આપો. હાઈ કોર્ટે આદેશ કર્યો કે, અમદાવાદમાં કોરોના વધુ વકરે નહીં તે માટે, સુરત - અમદાવાદ વચ્ચે અવરજવર બંધ કરો.
હાઈ કોર્ટે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના ગ્રામીણ વિસ્તારો સુધી પ્રસર્યો છે. તેને રોકવા પગલાં લો. હાઈ કોર્ટે રાજ્ય સરકારને એ પણ આદેશ કર્યો છે કે, રાજ્યમાં જાહેર કે ધાર્મિક મેળાવડા પર રોક લગાવો. આ માટે કડક નિર્ણય લો. મહામારીના કાળમાં લોકોની બીમારી કે આરોગ્યના નામે જે લોકો નફખોરીના કાંડ કરે છે તેમની સામે આકરા થાઓ.
ગુજરાત ટેસ્ટ વધારે
હાઈ કોર્ટે જણાવ્યું કે, દર દસ લાખે થતા ટેસ્ટિંગના આંકડામાં ગુજરાત સૌથી નીચે છે. ટેસ્ટિંગ ન કરવા માટે રાજ્ય સરકારની કોઈ પણ દલીલને માન્ય ન રાખતાં હાઈ કોર્ટે કહ્યું કે, તાલુકા અને શહેરને અલગ વિભાગમાં વિભાજિત કરો. રાજ્યમાં કેવી રીતે ટેસ્ટિંગ કરવા તે માટે, વસ્તીના આધારે ટાર્ગેટ નક્કી કરીને એક સાથે ટેસ્ટ કરો.


