ગાંધીનગરઃ કોરોના વાઈરસ અંગે ગુજરાતની સ્થિતિ હાલમાં ખૂબ જ ચિંતાજનક સ્તરે દેખાઈ રહી છે. ૧૧મી ઓગસ્ટના અહેવાલો પ્રમાણે રાજ્યમાં કોરાનાનાં ૧૧૧૮ કેસ નોંધાતાં રાજ્યમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા ૭૩૨૩૮ નોંધાઈ હતી. ૧૯મીએ ૨૩ મોત સાથે રાજ્યમાં મૃતકાંક વધીને ૨૬૯૭ પહોંચ્યો હતો જ્યારે ૧૧૪૦ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને માત આપતાં રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર ૭૭.૦૩ ટકાએ પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૫૬૪૧૬ દર્દીઓ સાજા થઈ ગયાં છે.
૧૯મીના રિપોર્ટ પ્રમાણે કોરોના મામલે અમદાવાદ (૧૩૯)ની સ્થિતિ સુધરી રહી છે તો સુરત (૧૭૭)ની સ્થિતિ વણસી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ડાંગ સિવાય ૩૨ જિલ્લાઓમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે.
સુરતની સ્થિતિ અંગે ખુલાસો કરોઃ હાઈ કોર્ટ
કોરોના મુદ્દે હાઈ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં હાઈ કોર્ટે ચોથી ઓગસ્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યમાં આ હદે કોરોનાની સ્થિતિ વકરે તે યોગ્ય નથી. માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડ પેટે રૂ. ૧ હજારનો દંડ વસૂલો અને આ માટે સરકાર નોટિફિકેશન, ઠરાવ, પરિપત્ર બહાર પાડે. હાઈ કોર્ટે રાજ્યમાં કોરોના સંક્રમણ મામલે કહ્યું કે, રાજ્યમાં લોકો માસ્ક પહેરતા નથી અને કાયદાનું પાલન કરતા નથી. તેમના માટે આકરા પગલા લો. લોકોને સરકાર માટે તિરસ્કારનો ભાવ પેદા થશે એવું સરકાર ન વિચારે. વર્તમાન સમયમાં મહત્ત્વનું છે તે વિચારો. લોકો પણ સાવચેતી દાખવે અને માસ્ક પહેરીને સરકારને સહયોગ આપે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ડેરીની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરતી વખતે નેતાઓ અને કાર્યકરોનાં ટોળાં ભેગાં થયાં હતાં જેમાં રાજ્યન કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સહિત અનેકે માસ્ક પહેર્યાં નહોતા કે સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.
હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, સુરતની સ્થિતિ આ હદે કેવી રીતે બગડી તેનો ખુલાસો આપો. હાઈ કોર્ટે આદેશ કર્યો કે, અમદાવાદમાં કોરોના વધુ વકરે નહીં તે માટે, સુરત - અમદાવાદ વચ્ચે અવરજવર બંધ કરો. સુરતની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી સુરતથી અમદાવાદ વચ્ચેના જાહેર અને ખાનગી વાહન વહેવાર પર રોક લગાવો. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં પ્રવેશ માટેના દરેક પોઇન્ટ્સ પર લોકોના કોરોના ટેસ્ટ કરો. જે લોકો સંક્રમિત ન હોય તેમને શહેરમાં પ્રવેશવા દો.
હાઈ કોર્ટે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના ગ્રામીણ વિસ્તારો સુધી પ્રસર્યો છે. તેને રોકવા પગલાં લો. હાઈ કોર્ટે રાજ્ય સરકારને એ પણ આદેશ કર્યો છે કે, રાજ્યમાં જાહેર કે ધાર્મિક મેળાવડા પર રોક લગાવો. આ માટે કડક નિર્ણય લો. મહામારીના કાળમાં લોકોની બીમારી કે આરોગ્યના નામે જે લોકો નફખોરીના કાંડ કરે છે તેમની સામે આકરા થાઓ.
સામાજિક-ધાર્મિક મેળવડા પર અંકુશ મૂકો
હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે, સામાજિક - ધાર્મિક મેળાવડાની મંજૂરી અપાય તો કમ્યુનિટી ટ્રાન્સમિશનની સંભાવના વધશે. જેથી એવી સ્થિતિ સર્જાશે કે અસંખ્ય લોકો કોરોના સંક્રમિત થશે. એ સમયે લોકો સારવાર માટે ક્યાં જશે? રાજ્ય સરકાર પાસે પૂરતી દવાઓ, ડોક્ટર્સ કે પથારીઓ છે? કમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિમાં સમગ્ર તબીબી માળખું ધ્વસ્ત થશે અને ભારે નુકસાન થશે. તેથી મેળાવડાની છૂટ આપવી યોગ્ય નથી.
હાઈ કોર્ટના આદેશ પછી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવતાં તહેવારો, ધાર્મિક મેળાવડા, સભા સરઘસ અને પદયાત્રા પર પોલીસ તંત્રએ પ્રતિબંધ ફરમાવ્યો છે અને જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસ ગુનો પણ નોંધશે.
જન્માષ્મી, પર્યુષણ,ગણેશ ઉત્સવ રામાપીરનો મેળા, ભાદરવી પૂનમ-મેળો અને મોહરમ જેવી તહેવારોની જાહેરની ઉજવણી થઇ શકશે નહીં. ગણેશ ઉત્સવમાં પંડાલ બનાવવા પર તેમજ તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકાયો છે. ગણેશ ઉત્સવ અંગે પોલીસ કમિશનરે અલગથી જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ ગણેશજીની બેઠક સહિતની બે ફૂટથી મોટી મૂર્તિ બનાવવા વેચવા કે સ્થાપના પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ગણેશજીની પીઓપીની અને ફાઇબરની મૂર્તિના વેચાણ તેમજ નદીમાં વિસર્જન પર પ્રતિબંધ જાહેર કરાયો છે. મોહરમમાં પણ બે ફૂટથી મોટા તાજિયા બનાવી શકાશે નહીં. કતલની રાતે જાહેર કે ખાનગીમાં તાજિયાનું જુલૂસ નહીં કાઢી શકાય કે તાજિયા વિસર્જન પણ નહીં થઇ શકે.
ગુજરાત તળિયે, ટેસ્ટ વધારો
ગુજરાતમાં ટેસ્ટિંગના મુદ્દા પર હાઈ કોર્ટે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. દર દસ લાખે થતા ટેસ્ટિંગના આંકડામાં ગુજરાત સૌથી નીચે છે. ટેસ્ટિંગ ન કરવા માટે રાજ્ય સરકારની કોઈ પણ દલીલને માન્ય ન રાખતાં હાઈ કોર્ટે કહ્યું કે, તાલુકા અને શહેરને અલગ વિભાગમાં વિભાજિત કરો. રાજ્યમાં કેવી રીતે ટેસ્ટિંગ કરવા તે માટે, વસ્તીના આધારે ટાર્ગેટ નક્કી કરીને એક સાથે ટેસ્ટ કરો. ટેસ્ટિંગના તમામ રેકોર્ડને સાચવી રાખો. રાજ્ય સરકાર ટેસ્ટિંગ વધારવાના બદલે RT-PCRની સચોટતા સામે સવાલ કરે એ યોગ્ય નથી. કોરોનાને નાથવા માટે કેન્દ્ર સરકાર, આઈસીએમઆર, વિશ્વના જુદા જુદા દેશો વધારેને વધારે ટેસ્ટિંગ પર ભાર મૂકે છે. જ્યારે રાજ્ય સરકાર તેનાથી વિપરીત વલણ દાખવે છે.


