ગાંધીનગરઃ રાજ્યમાં સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં સરેરાશ રોજ આવતા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસમાં ૨૯મી સપ્ટેમ્બરના છેલ્લા ૨૪ કલાકમાં ઘટાડો નોંધાયો હતો. આ દિવસે કોરોનાના ૧૩૮૧ પોઝિટિવ કેસ નોંધાયા અને કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૧૩૬૦૦૪ પહોંચી હતી. અમદાવાદમાં આ દિવસે ૧૯૫ કેસ સાથે ૩ દર્દીઓનાં મોત થયાં હતા. ૨૯મીના અહેવાલો પ્રમાણે રાજ્યમાં ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૩૪૪૨ પહોંચ્યો છે અને ૧૩૮૩ લોકોએ કોરોનાને હરાવતાં ગુજરાતમાં રિકવર થનારા લોકોની કુલ સંખ્યા ૧૧૫૮૫૯ થઈ હતી. રાજ્ય માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર ૮૫.૦૩ ટકા છે. ૨૯મીની છેલ્લી સ્થિતિ મુજબ ૧૬૭૦૩ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૯ વેન્ટિલેટર પર રખાયા હતા અને ૧૬૬૧૪ સ્ટેબલ હતા.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયજનક સ્તરે છે ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉનની અફવા સોશિયલ મીડિયા પર ચગવા લાગી હતી. જોકે નાયબ મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં પુનઃ લોકડાઉનની શક્યતા નથી.
રાજ્યમાં ફરી લોકડાઉન નહીંઃ નીતિન પટેલ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાથી ફરી લોકડાઉન લાગુ કરાશે તેવી સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓનો નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે છેદ ઉડાડ્યો છે. તેમણે ૨૪મી સપ્ટેમ્બરે સ્પષ્ટ જણાવ્યું કે, હાલના સમયમાં લોકડાઉનની કોઇ વિચારણા રાજ્ય સરકારે કરી નથી અને આગામી સમયમાં એવી કોઇ જરૂરિયાત પણ નથી. પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારને માહિતી મળી કે કેટલાક લોકો લોકડાઉન આવવાની વાત ચલાવી રહ્યા છે. આવી અફવાઓને કારણે નાગરિકોએ ખરીદી શરૂ કરી દીધી છે, પરંતુ લોકડાઉન લાગુ કરવા અંગે સરકારની કોઇ વિચારણા નથી. અત્યારે જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે. કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવામાં સરકાર સફળ રહી છે. વેપાર-ધંધા, જાહેર જીવન સારી રીતે ચાલી રહ્યું છે ત્યારે આ સંજોગોમાં લોકડાઉનની કોઇ જરૂરિયાત જણાતી નથી. લોકોએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.
કોરોના રિપોર્ટ નેગેટિવ છતાં ખેડાવાલાને મ્યુનિ.ની બેઠકમાં પ્રવેશ ન અપાયો
છ મહિના પછી અમદાવાદ મહાપાલિકાની સામાન્ય સભાની બેઠક ૨૫મી સપ્ટેમ્બરે પાલડીના ટાગોર હોલમાં મળી હતી. કોરોનાનો ટેસ્ટ ન કરાવ્યો હોવાથી જમાલપુરના કોર્પોરેટર અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને સભાગૃહમાં બેસવા દીધા નહોતા. જોકે, તેમણે ૨૦ સપ્ટેમ્બરે વિધાનસભા ચાલુ થતાં પહેલાં મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરમાંથી કરાવેલો એન્ટિનજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મેયરે આ રિપોર્ટ પણ અમાન્ય ઠેરવી તેમને સભાગૃહમાંથી બહાર જવા કહ્યું હતું. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, જે રિપોર્ટ સરકારે માન્ય રાખી વિધાનસભામાં પ્રવેશ આપ્યો તે મેયરે અમાન્ય રાખ્યો. શું તેઓ મુખ્ય પ્રધાન કે વિધાનસભા કરતાં પણ મોટા છે? જોકે, કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કરવાની તૈયારી બતાવી, પરંતુ ખેડાવાલાએ તેમને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાનું કહ્યું અને પોતે ગૃહની બહાર નીકળી ગયા હતા.
બહારથી આવતા મુસાફરો માટે એરપોર્ટમાં બેગેજ ટ્રોલી બંધ
કોરાના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અમદાવાદ એરપોર્ટના એરાઇવલ એરિયામાંથી બહાર નીકળતા મુસાફરો માટે બેગેજ ટ્રોલી આપવાનું બંધ કરાયું છે. જેથી એરપોર્ટમાં પ્રવેશ સાથે જ મુસાફરો પાસે જો વધુ લગેજ હશે તો તેણે જાતે જ ઊંચકીને ટર્મિનલની બહાર આવવું પડી શકે છે. ડોમેસ્ટિક એરપોર્ટના એરાઇવલ એરિયામાંથી બહાર નીકળતા મુસાફરો માટે લગેજ ટ્રોલી આપવાની એરપોર્ટ ઓથોરિટીએ છેલ્લા કેટલાક સમયથી આપવાની બંધ કરી છે. જેથી ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉતરતા અનેક મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ અમદાવાદનું એરપોર્ટના સંચાલનની કામગીરી અદાણી ગ્રૂપને હવાલે થવાના અહેવાલ ૨૮મી સપ્ટેમ્બરે હતા. અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનું ખાનગીકરણ કરાયું છે. અમદાવાદ એરપોર્ટને હસ્તગત કરવા માટેની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી હતી. તે દરમિયાન કોરોના સંકટ સહિતની કેટલીક અડચણો પણ આવી હતી. સીઆઇએસએફના જવાનોની મોટી સંખ્યાને લઇને પણ મુશ્કેલી હતી.
હવે ૧૦ નવેમ્બરથી સત્તાવાર રીતે અમદાવાદનું એરપોર્ટ અદાણી ગ્રૂપનું રહેશે. એરપોર્ટના કોન્ટ્રાક્ટ મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રૂપના અધિકારીઓએ એરપોર્ટ બિલ્ડિંગમાં ચાર્જ પણ સંભાળી લીધો છે. અમદાવાદ એરપોર્ટનો મેઈન્ટેનન્સ અને કમ્યુનિકેશન કોન્ટ્રાકટ અદાણી ગ્રૂપ પાસે છે. એટીસી એટલે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે.
કહેવાય છે કે, અમદાવાદ એરપોર્ટ પરના પ્રાઇવેટ કોન્ટ્રાકટ આ પરથી આપોઆપ અદાણી ગ્રૂપ પાસે જતા રહેશે. આ કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની સત્તા અને નવો કોન્ટ્રાક્ટ આપવો કે નહીં તે અદાણી ગ્રૂપના અધિકારીઓ નક્કી કરશે. હવે કોરોના સંક્રમણના સંકટ વચ્ચે અદાણી ગ્રૂપ કેવી રીતે એરપોર્ટ પર ફેરફાર કરે છે તે જોવાનું રહ્યું?
પ્રાઇવેટ સ્કૂલની ફી ન પોષાતા સરકારી સ્કૂલોમાં એડમિશન ૫૦ ટકા વધ્યા
આ વર્ષે જૂનમાં ધો-૧માં ૧૪૪૩૪ વિદ્યાર્થીઓએ એટલે કે ૫૦ ટકા વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષે ૯૫૪૨ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયાં હતાં એટલે કે ગત વર્ષ કરતાં ૪૮૯૨ વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. કોરોના મહામારી અને આર્થિક સંકટને લીધે વાલીઓએ બોળકોને સરકારી શાળામાં દાખલ કરાવ્યા હોવાનું કહેવાય છે. ખાનગી શાળાઓમાં આ વર્ષે ૧૦ ટકા સુધીના એડમિશન ઘટ્યાં છે.


