નવી દિલ્હી, અમદાવાદઃ દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ અને કેટલાંક રાજ્યોની વણસી રહેલી સ્થિતિ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. આ મુદ્દે સોમવારે એક સુનાવણી દરમિયાન કોર્ટે કેટલાંક રાજ્યોનો ઉધડો લીધો હતો. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ સુભાષ રેડ્ડીની ખંડપીઠે કોરોનાની સ્થિતિ અંગે ગંભીર નોંધ લેતાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામને કોરોનાની વાસ્તવિક સ્થિતિ અને તેને કાબૂમાં કરવા માટે લેવાયેલાં પગલાં તથા આગામી આયોજનો અંગે બે દિવસમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છતાં ગુજરાત અને દિલ્હીમાં રાજકીય, સામાજિક મેળાવડા થાય છે, લગ્ન સમારંભોને પરવાનગી આપવામાં આવી રહી છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, ગુજરાતની સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હી કરતાં પણ ખરાબ છે. આ મુદ્દે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.
ગુજરાત સરકારને સવાલ: શું થઈ રહ્યું છે?
જસ્ટિસ એમ. આર. શાહે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ શાહે જણાવ્યું કે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે? સરકાર દ્વારા કેવી રીતે નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે? અહીંયા કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં લગ્નો, રાજકીય સમારંભોને પરવાનગી અપાઇ રહી છે. આ વિશે કેવા પગલાં લેવામાં આવ્યાં છે? ગુજરાત તરફથી હાજર રહેલા વકીલને ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર આ મુદ્દે તાકીદે કોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે.
તો ડિસેમ્બરમાં સ્થિતિ સ્ફોટક થશે
ત્રણ જજની ખંડપીઠે જણાવ્યું કે, નવેમ્બરમાં જ આ રાજ્યોની આવી સ્થિતિ છે અને સારવારમાં પણ મોટી સમસ્યાઓ સર્જાઈ છે ત્યાં આગામી સ્થિતિ વધારે ભયાનક હોવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટે ટકોર કરી હતી કે, નવેમ્બરમાં જ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રાજ્યો દ્વારા યોગ્ય રીતે તૈયારી કરવામાં નહીં આવી હોય તો ડિસેમ્બરમાં તો સ્થિતિ વધારે કફોડી થઈ જશે. કોર્ટે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે, દર્દીઓને યોગ્ય રીતે સારવાર પણ મળી રહી નથી. દિલ્હીમાં હાલત ખરાબ થઈ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર તાકીદે સ્થિતિ સ્પષ્ટ કરે.
કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લેતાં જણાવ્યું કે, મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે કે, દિલ્હીની એક સરકારી હોસ્પિટલની લોબી અને વેઈટિંગ એરિયામાં મૃતદેહો રઝળતા પડયા હતા. મોટા ભાગના બેડ ખાલી છે છતાં દર્દીઓને ભટકવું પડે છે. રાજ્યમાં દર્દીઓ અને મૃતદેહો રઝળી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી પણ સ્પષ્ટતા માગવામાં આવી હતી.
રાજ્યમાં કેસનો આંકડો બે લાખને પાર
ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ ૧૫૧૦ વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે બે લાખનો આંકડો વટાવીને ૨૦૦૪૦૯ થયો છે. હાલ રાજ્યમાં ૧૪૦૪૪ એક્ટિવ કેસ છે જ્યારે ૯૪ દર્દી વેન્ટિલેટર પર છે. મંગળવાર સાંજ સુધીમાં વધુ ૧૬ મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩૮૯૨ થયો છે. કોરોનાના કેસને મામલે અમદાવાદ ફરી ગુજરાતમાં એપીસેન્ટર બની ચૂક્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં રેકોર્ડ ૩૨૩ જ્યારે ગ્રામ્યમાં ૨૪ એમ કુલ ૩૪૭ નવા કેસ નોંધાયા હતા.
ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ
અમદાવાદમાં ૫૭ કલાકનો વીકેન્ડ કરફ્યૂ સોમવારે સવારે પૂરો થયો છે, પણ રાત્રિ કરફ્યૂ યથાવત્ રહેશે. ગુજરાત સરકારે અમદાવાદની સાથે સાથે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ રાતના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કરફ્યૂ અમલમાં મૂક્યો છે. વડોદરા, સુરત અને રાજકોટમાં અત્યારે સંક્રમણના કેસો ન વધ્યા હોવા છતાંય અગમચેતીના પગલાં રૂપે રાત્રિ કરફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં લોકડાઉન લાદવાનો કોઇ ઇરાદો નથી, પરંતુ રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. અમદાવાદમાં હાલના તબક્કે ૬ ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ રહેશે, જ્યારે અન્ય ત્રણેય શહેરો અંગે હવે પછી જાહેરાત થશે.
લગ્નમાં ૧૦૦ મહેમાનની મર્યાદા
ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે સમગ્ર રાજ્યમાં લગ્ન સમારંભોમાં ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા ઘટાડીને ૧૦૦ વ્યક્તિની કરી છે. જ્યારે અન્ય સમારંભો કે અંતિમવિધિમાં માત્ર ૫૦ વ્યક્તિ જ ભાગ લઇ શકશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ હોવાને કારણે આ શહેરોમાં કર્ફ્યૂના સમય દરમિયાન કોઇ કાર્યક્રમ યોજી શકાશે નહીં. ખરેખર તો ગુજરાત સરકાર આ મર્યાદા ઘટાડવાના સહેજ પણ મૂડમાં ન હતી, પરંતુ સોમવારે મોડી સાંજે દિલ્હીથી આદેશ આવતાં ગુજરાત સરકારે આ મર્યાદા ઘટાડી હોવાનું સૂત્રો જણાવે છે. કેન્દ્ર સરકાર તરફથી જ સૂચના મળી હતી કે હાલ રાજ્યમાં સંક્રમણની સ્થિતિ સંગીન હોવાથી આ મર્યાદા ઘટાડીને ૫૦ની કરવી જોઇએ. છતાં લોકોને વધુ અગવડ ન પડે તે માટે ગુજરાત સરકારે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરી છે. હાલ ગુજરાતમાં લગ્નની સિઝન છે આવાં સમયે સાવ ૫૦ વ્યક્તિઓની મર્યાદા બાંધી દેવામાં આવે તો યજમાનો માટે મોટી મુશ્કેલી સર્જાય. તેથી રાજ્ય સરકારે થોડોક વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. આ અગાઉ દિલ્હી સરકારે પણ ૨૦૦ વ્યક્તિઓને લગ્નો તથા અન્ય સમારોહ માટે છૂટછાટ આપી હતી, પણ ત્યાં સંક્રમણ વધતાં અહીં પાંચેક દિવસ પહેલાં જ ફરી પાછી ઉપસ્થિત વ્યક્તિઓની મર્યાદા ૫૦ વ્યક્તિઓની કરી નાંખી છે.
ઓક્સિજનનો દૈનિક વપરાશ વધ્યો
રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો વિસ્ફોટ થયો હોય તે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે એક્ટિવ અને નવા દર્દીઓની સંખ્યામાં વ્યાપક વધારો થતાં દર્દીઓ માટેના મેડિકલ ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓનો ઉપયોગ પણ નોંધપાત્ર વધી રહ્યો છે. દિવાળીના તહેવારો પછીના પાંચ જ દિવસમાં ઓક્સિજનનો વપરાશ દૈનિક ૩૦ મેટ્રિક ટન જેટલો વધી ગયો છે. જો આ રીતે કેસો વધતા રહેશે તો અઠવાડિયામાં જ સપ્ટેમ્બર મહિનામાં કેસો પિક ઉપર હતા તે વખતના મહત્તમ વપરાશનો આંક પણ વટાવી જાય તેવી શક્યતા છે. સપ્ટેમ્બરમાં ઓક્સિજનનો સૌથી વધુ વપરાશ પ્રતિ દિવસ ૨૪૦ મેટ્રિક ટન હતો. જોકે ઓક્ટોબરમાં નવા અને એક્ટિવ કેસો ઘટતાં આ વપરાશ ઘટીને ૧૨૯ મેટ્રિક ટન થઇ ગયો હતો.
કોવેક્સિનનું ૧ હજાર પર પરીક્ષણ
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતાં સ્થગિત કરાયેલું કોરોના રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ હવે સપ્તાહના મધ્યભાગ બાદ ગમે ત્યારે શરૂ કરાશે. અગાઉ આ પરીક્ષણ ગયા મંગળવારથી શરૂ થવાનું હતું, પરંતુ ગુજરાતમાં કોરોના કેસ વધતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થવા લાગતા આ પરીક્ષણ મુલત્વી રખાયું હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવાર કે ગુરુવાર સુધીમાં કોરોનાની રસી ગુજરાત આવી જશે. ત્યાર બાદ ગુજરાત સરકારે જે પાંચ હોસ્પિટલોમાં આ રસીનાં પરીક્ષણની મંજૂરી આપી છે ત્યાં સમગ્રતયા ૧,૦૦૦ લોકો પર આ રસીનું પરીક્ષણ કરાશે. કેસો વધવાને કારણે હોસ્પિટલોમાં પથારી ઘટી રહી હતી અને પરીક્ષણ માટે તૈયાર થનારા સ્વયંસેવકોને પણ કોવિડ હોસ્પિટલમાં આઇસોલેશનમાં જ રાખવાના હોવાથી આ પરીક્ષણ પાછું ઠેલવાનો નિર્ણય લેવાયો હતો. ભારત સરકારની ભારત બાયોટેકે વિક્સાવેલી આ સ્વદેશી રસી કોવેક્સિનની અસરકારકતા ૭૦ ટકા હોવાનું જણાવાયું છે, જે ઘણાં સારાં પરિણામ કહી શકાય. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં આ રસીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ગયા સપ્તાહે જ શરૂ થઇ ગયું છે. જાણકારોના મતે, સ્વયંસેવકોના શરીરમાં રસીનો પહેલો ડોઝ અપાયા બાદ લોહીના પરીક્ષણ તથા અન્ય પરીક્ષણોને આધારે પરિણામો ચકાસાય છે. ત્યાર બાદ ૨૧મા દિવસે બીજો ડોઝ આપીને ૪૮ દિવસ સુધી સ્વાસ્થ્ય પરીક્ષણ કરાય છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને માર્ચ ૨૦૨૧માં આ રસી આવશે તેમ જણાવ્યું હતું.
લોકડાઉનના ડરે શ્રમિકોની હિજરત
રાજ્યમાં કોરોનામાં વધતાં ફરી લોકડાઉન આવશે એવી ભીતિ વચ્ચે શ્રમિકોએ અગાઉ લોકડાઉનમાં વેઠેલી હાલાકી ફરી વેઠવી ન પડે તે માટે વતન તરફ પલાયન શરૂ કર્યું છે. વાપીમાં શ્રમિકો સોમવારે ખાનગી લક્ઝરીમાં વતન જવા નેશનલ હાઇવે પર પહોંચ્યાં હતાં. વાપીથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ તરફ શ્રમિકો જઇ રહ્યાં છે. ટ્રેનમાં ટિકિટ ન મળતાં શ્રમિકો ખાનગી લકઝરીમાં વધુ ભાડું ચૂકવી વતન જવા મજબૂર બન્યા છે. કેટલાક શ્રમિકો લગ્ન પ્રસંગમાં જતાં હોવાનું પણ જણાવી રહ્યાં છે. લોકડાઉનમાં સૌથી વધારે ખરાબ હાલત શ્રમિકોની થાય છે. પરિણામે શ્રમિકો ફરી વતન જવાનું આયોજન કર્યું છે. વાપી નેશનલ હાઇવે પર ઉપર સોમવારે મોટી સંખ્યામાં શ્રમિકો પરિવાર પોતાનો સામાન લઇને વેતન તરફ જવા માટે ખાનગી વાહનો ની રાહ જોતા નજરે પડ્યા હતા. વાપીના ઔદ્યોગિક એકમોમાં હાલ ૯૦ હજાર પરપ્રાંતિય શ્રમિકો છે. પ્રથમ લોકડાઉનમાં ૬૦ ટકાથી વધુ વતન ચાલી ગયા છે.
ગુજરાતથી મહારાષ્ટ્ર જતા લોકો માટે ટેસ્ટ ફરજિયાત
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ દર્દીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસો ફરી ન વધે તે માટે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાંથી ફ્લાઈટ કે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચતા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચતા તમામ પેસેન્જરોને મુંબઈમાં લેન્ડિંગ સમય કરતાં ૭૨ કલાક પહેલાં કરાવેલો આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. એ જ રીતે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચતા લોકો માટે ૯૬ કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઈન મુજબ હવે અમદાવાદ સહિત રાજ્યના અન્ય એરપોર્ટથી ફ્લાઈટ દ્વારા મુંબઈ પહોંચતા તમામ પેસેન્જરોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જો પેસેન્જર રિપોર્ટ કરાવ્યા વગર મુંબઈ એરપોર્ટ પહોંચશે તો તેને ટર્મિનલમાંથી બહાર નીકળતા પહેલા સ્વખર્ચે ટેસ્ટ કરાવવો પડશે અને ત્યારબાદ જ તેને બહાર જવા દેવામાં આવશે.