અમદાવાદ: કોરોનાને પગલે ગુજરાતમાં મૃત્યુની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો હતો, પરંતુ ૧૧મી મેએ રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર ધીમો પડ્યો હતો. આ દિવસે ૨૦નાં મોત થયાં હતાં અને ૩૪૭ નવા કેસ નોંધાયા હતા. આમ છતાં સરેરાશ ગુજરાતનો મૃત્યુદર વધીને ૬ પર પહોંચી ગયો હોવાના અહેવાલ પણ હતા અને દેશના ૧૫૦૦થી વધુ કેસ ધરાવતા ટોપ ૯ રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગયું હતું. દેશના કુલ મૃત્યુમાં ૨૨ ટકાથી વધુ મોત માત્ર ગુજરાતમાં નોંધાયા હોવાના અહેવાલ ૧૦મી મેએ હતા.
સ્મશાનોમાં વેઇટિંગઃ કબ્રસ્તાનોમાં જમીનો ખૂટી
કોરોનાના કારણે રાજ્યમાં મૃત્યુદર વધતાં સ્મશાનોમાં વેઇટિંગ જણાય છે અને કબ્રસ્તાનોમાં જમીનો ખૂટી પડી હોવાનું જાહેર થયું છે. અમદાવાદના વિવિધ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં અંતિમવિધિ અને દફનવિધિની સંખ્યામાં અઢીથી ચાર ગણો વધારો થયો છે. જે મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે તેમાંના સંખ્યાબંધના મોત કોરોનાથી થયાની આશંકા છે. જોકે સરકારી ચોપડે પણ કેટલાક મૃત્યુ કોરોનાના કારણે થયાનું નોંધાયું નથી. જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે, લોકોને એમ છે કે જો સિવિલ હોસ્પિટલમાં જઈશું તો પાછા નહીં આવીએ.
ગંજ શહિદ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટી ઝફર અજમેરીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ વિસ્તારોમાં મોટાભાગની ક્લિનિક બંધ છે, જેથી બીપી, ડાયાબીટિસ, શ્વાસનાં, તાવનાં દર્દીઓ ઘરમાં જ રહે છે. લોકોમાં ડર પેસી ગયો છે કે જો ડોક્ટરને બતાવશે તો કોરોના વોર્ડમાં દાખલ કરી દેશે. માટે ઘરમાંથી બહાર નીકળતાં નથી. સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં એપ્રિલની સામે મેમાં અઢી ગણા વધુ અંતિમ સંસ્કાર થયાં છે. આ આંકડો એટલા માટે ચિંતાજનક છે, કારણ કે કોરોનાના જે મૃતકોને અંતિમદાહ આપવાનો હોય છે તેમને સામાન્ય રીતે અમદાવાદમાં વાસણા સ્મશાને લઈ જવાય છે.
આ કપરી પરિસ્થિતિમાં જોકે ૧૧મી મેએ અહેવાલ હતા કે, અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર ધીમો પડતાં છેલ્લાં એકાદ અઠવાડિયામાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. ૫મી મેના રોજ ગુજરાતમાં કોરોનાથી ૪૯નાં મોત થયાં હતાં. તે દિવસ બાદ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો હતો. તેથી તંત્ર અને પ્રજાએ રાહત અનુભવી હતી.
લક્ષણ ન દેખાય તો રજા આપો
કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલ બાદ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ ૯મી મેએ લોકોને જણાવ્યું હતું કે હવે કોરોના સાથે જીવવાની આદત પાડો, ગભરાશો નહીં. આ સાથે હવે કેન્દ્રની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતે પણ હોસ્પિટલોમાં દાખલ કોવિડ પોઝિટિવ દર્દીઓને રજા આપવા અંગેની પદ્વતિ બદલી છે. જો કોઇ લક્ષણ વિનાના કે ખૂબ લક્ષણવાળા દર્દીને દસ દિવસના એડમિશન દરમિયાન તકલીફ ન જણાય તો ચૌદમા દિવસે રજા આપી દેવી. હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ રહી છે અને ખાટલાં ઓછા પડી રહ્યા છે. તેવામાં જો લક્ષણો ન દેખાય કે હળવા લક્ષણો હોય તે દર્દીની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેમને ડિસ્ચાર્જ આપવામાં વાંધો નથી તેમ માની લેવાયું છે એટલું જ નહીં. રજા આપતા પહેલા તેમનો પીસી પીઆરટી ટેસ્ટ પણ કરવામાં નહીં આવે.
જ્યારે જે દર્દી હળવા કરતાં થોડા વધુ લક્ષણ ધરાવે તેને જો તાવ ત્રણ દિવસમાં ઉતરી જાય અને તે દરમિયાન ઓક્સિજન પર રાખવા પડે તેમ ન હોય તો તેને પણ ટેસ્ટ વગર જ ડિસ્ચાર્જ આપાવાનું જણાવાયું હતું. જોકે રાજ્યમાં કોરોના કેસિસમાં ઘટાડો થતાં રાહતનો શ્વાસ લેવાયો છે અને કોરોના વધુ ન ફેલાય તે માટે લોકડાઉનમાં આકરા પગલાં પણ લેવાયાં હતાં.
૨૫૩ કન્ટેનમેન્ટમાં ૩૩ લાખ લોકો કેદ
લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે ચેપગ્રસ્ત વિસ્તારોને કન્ટેનમેન્ટ કર્યાં હોવાનું છઠ્ઠી મેએ જાહેર કર્યું હતું. રાજ્ય સરકારે જાહેર કરેલી વિગતો પ્રમાણે કુલ ૩૪ જિલ્લા, શહેર અને નગરના મળીને ૨૫૩ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં હતાં. આ વિસ્તારોના ૩૩ લાખ ૪૮ હજાર ૫૨૦ લોકોને તેમના વિસ્તાર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય કોઈ લોકો પણ પ્રવેશી શકશે નહીં.
સૌથી વધુ અમદાવાદ શહેરના કુલ ૧૨ લાખ ૯૦ હજાર ૨૩૧ લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. જોકે એક ચર્ચા એવી પણ થઈ હતી કે, અમદાવાદના ગોમતીપુર જેવા કન્ટેનમેન્ટ ઝોનમાંથી સરકારી પરમિટ અર્થાત પાસ સાથે છેક જામનગર ચેપ પહોંચ્યાની ઘટના બાદ ગુજરાત સરકાર લોકડાઉનની હાજરીમાં ઘોડા છૂટયા પછી તબેલાને તાળું મારવા નીકળી છે.
અમદાવાદમાં આકરી તાળાબંધીઃ દૂધ - દવા ઉપલબ્ધ
રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે આઈએએસ અધિકારી રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે આકરાં પગલાં છઠ્ઠી મેએ જાહેર કર્યાં હતાં.
રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી જ માત્ર દૂધ અને દવાની દુકાનો સિવાય તમામ દુકાનો ૧૫મી મેની સવારે છ વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ અપાયા હતા. રેડ ઝોન વિસ્તારોમાં તમામ બેંકો બંધ રાખવાના, પણ એટીએમ ચાલુ રાખવાના આદેશ હતા.
સિનિયર અધિકારીઓએ તમામ ડેપ્યુટી કમિશનરો તથા હેલ્થ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં નક્કી થયું કે, શાકભાજી-ફળોની લારીવાળા, કરિયાણાના દુકાનદારો સુપર સ્પ્રેડર છે. તેમજ આઈસક્રીમ પાર્લર તથા હોમ ડિલિવરી કરનારાથી પણ ચેપ પ્રસરી શકે છે. આ અટકાવવા માત્ર દવા એટલે કે મેડિકલ સ્ટોર્સ તેમજ દૂધની દુકાનો સિવાયની તમામ પ્રકારની દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો હતો.
આ સાથે ખાનગી હોસ્પિટલ ક્લિનિક, ર્નિંસગ હોમ્સ ૪૮ કલાકમાં જ ચાલુ કરવાના આદેશ પણ હતા. જો આ આદેશનું પાલન ન થાય તો ખાનગી હોસ્પિટલ-ક્લિનિકોના લાઈસન્સ રદ કરવાનું જાહેર થયું હતું. જે મેડિકલ એક્સપર્ટ આદેશ ન માને તો કોવિડ કેર સેન્ટરોમાં તેમજ ઘરોમાં કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દીઓની સારવાર માટે તેમને મોકલાશે તેવું જાહેર કરાયું હતું.
ઉપરોક્ત નિયમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલાં વિસ્તારો માટે લાગુ કરતાંની સાથે જ જોકે લોકો જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરવા નીકળી પડ્યાં હતાં અને લોકડાઉનના લીરેલીરા ઊડ્યા હતા. જોકે અર્ધલશ્કરી દળોની તૈનાત સાત કંપનીઓ અને સુરક્ષા વિભાગ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાઈ હતી.
આ ઉપરાંત અમદાવાદ પાલિકા દ્વારા જાહેર કરાયું હતું કે, શાકભાજી, ફ્રૂટ અને કરિયાણાના વિક્રેતાઓનું પણ સ્ક્રિનીંગ કરીને હેલ્થકાર્ડ અપાશે છે. આ ઉપરાંત લોકડાઉનમાં લોકોને ઘેર બેઠાં ઓનલાઇન સિસ્ટમથી કરિયાણું શાકભાજી મળી રહે તે માટે ૧૫મી મેથી શહેરમાં સ્વિગી, ઝોમેટો સહિત સુવિધા શરૂ કરવા નક્કી કરાયું હતું.
એક તરફ પાલિકાના ઝડપી નિર્ણયને કારણે લોકડાઉનમાં ગરીબોને માત્ર ૧ ટાઈમ જમવાની ફરજ પડી, બાળકોને દૂધ ન મળ્યું હોવાનું તારણ આઈઆઈએમ અમદાવાદના એક સર્વેમાં મળ્યું હતું તો અમદાવાદના શાહપુરમાં વિફરેલા લોકોએ ૧ કલાકથી વધુ પથ્થરમારો કર્યો હતો.
શાહપુરમાં અડ્ડા પાસે શાહપુર પોલીસ લોકડાઉનના અમલ માટે ૮મી મેએ સાંજે નીકળી હતી. દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન ન કરનારા ૩ યુવકોને પકડયા હતા. આ ત્રણેયને છોડાવવા માટે એક ટોળું આવ્યું અને પોલીસ સાથે ઘર્ષણ કરીને પથ્થરમારો શરૂ કર્યાો હતો.
આ ઘટનામાં શાહપુર સિનિયર પીઆઇ અને સેકન્ડ પીઆઈ સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા હતા. એક કલાકથી વધુ ચાલેલા પથ્થરમારામાં પોલીસે ટિયરગેસના ૪૦થી વધુ સેલ છોડયા હતા. સ્થાનિક ડીસીપી, પીઆઈ અને સ્ટાફ્ના અનુભવે પરિસ્થિતિ
કાબૂમાં લીધી હતી. આ અંગે શાહપુર પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ટોળા સામે ગુનો નોંધી ૧૫ની અટકાયત કરી હતી.
રથયાત્રા ટીવીના માધ્યમથી જોવાની તૈયારી રાખવી પડશે
કોરોના મહામારીના કારણે અમદાવાદમાં અષાઢી બીજે એટલે કે ૨૩ જૂન નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરીજનોએ ટીવીના માધ્યામથી જોવાની તૈયારી રાખવી પડશે તેવું જમાલપુરના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ તાજેતરમાં જણાવ્યું છે. નગરચર્ચાએ નીકળનારા ભગવાન જગન્નાથજી, સુભદ્રા અને બલરામમાં રથમાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારી જ હાજર રહેશે.
હાલ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, પણ કોરોના મહામારીની સ્થિતિને પગલે રથયાત્રાના આયોજનમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. જમાલપુરના જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, લોકડાઉન ખૂલ્યા બાદ રાજ્ય સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવાશે. સરકારની ગાઇડ લાઇન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરાશે.
‘મુખ્ય પ્રધાન બદલાઇ રહ્યાા છે’ એવી વાત ખોટી સાબિત થઈ
મર્યાદિત વર્તુળોમાંથી ઊભી થયેલી મુખ્ય પ્રધાન બદલવાની ચર્ચા ૭મી મેએ સવારથી શરૂ થઈ હતી. અમુક સોશિયલ મીડિયા આધારિત સમાચારોને કારણે આ અફવામાં તથ્ય હોય તેવું લોકો માનવા લાગ્યા હતા. ભાજપે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પણ એકાદ દિવસમાં જ આખીય વાત પોકળ સાબિત થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયામાં ચર્ચા હતી કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જશે અને તેમને બદલે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાને હવાલો અપાશે. એ પછી જોકે ખુદ મનસુખ માંડવિયાએ જ ટ્વિટ દ્વારા રદિયો આપ્યો હતો. ચર્ચા હતી કે, મનસુખ માંડવિયા મુખ્ય પ્રધાન બનશે અને તેમને હાઇકમાન્ડે બોલાવ્યા છે. એ વાતનું માંડવિયાએ જાતે જ ટ્વિટ કરીને ખંડન કર્યું હતું અને તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, ગુજરાતમાં રૂપાણીના નેતૃત્વના હાલની સ્થિતિ સામે મક્કમતાથી લડી રહ્યું છે. નેતૃત્વ પરિવર્તનની અફવા ફેલાવવી એ ગુજરાતના હિતોને નુકસાન કરવાનું કૃત્ય છે. આ અફવા ઊડી તેના બીજા દિવસે ૮મી મેએ ભાજપના વરિષ્ઠ કેન્દ્રિય નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સાંજે ટ્વિટ કરીને અફવાને હવા આપતાં જણાવ્યું કે ગુજરાતમાં કેસમાં થઇ રહેલાં મૃત્યુના પ્રમાણ ત્યારે જ સ્થિર થશે જ્યારે આનંદીબહેન પટેલેને ફરીથી મુખ્ય પ્રધાન બનાવશે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી અગાઉ પણ આ પ્રકારે આનંદીબેન પટેલની તરફેણ કરી ચૂક્યા છે. અને અવારનવાર ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેન પટેલને પાછાં બેસાડવામાં આવે તેવી વાત તેઓ જાહેરમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરી ચૂક્યા છે. તેઓ ગુજરાતની વર્તમાન નેતાગીરીના આલોચક પણ રહ્યા છે.
૯૨ વર્ષઃ છ દિવસમાં કોરોનાને હરાવ્યો
અમદાવાદના ૯૨ વર્ષીય નિવૃત્ત શિક્ષક સુમનચંદ્ર વોરાએ માત્ર છ જ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. ૩૫ વર્ષથી તેમને બ્લડ પ્રેશરની બીમારી રહે છે. ૮૬માં વર્ષે તેમણે હાર્ટની એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. સુમનચંદ્ર કોરોનાને હરાવી સાજા થનારા શક્યતઃ રાજ્યમાં સૌથી મોટી વયના માણસ છે. સુમનચંદ્રને અમદાવાદની એસવીપીમાં દાખલ કરાયા હતા અને તેઓ છ જ દિવસમાં જ સાજા થઇ ગયા હતા.
સુમનચંદ્ર વોરા કહે છે કે, સૌએ કોરોના સાથે જીવતા શીખવું પડશે. તે અન્ય બીમારી જેવી જ છે. તેનાથી ડરવાની જરૂર નથી. રિપોર્ટ પોઝિટિવ આવે તો તેનાથી દૂર ભાગવાને બદલે પ્રેમ, હુંફ અને સારવારથી માનસિક શક્તિ વધારી તેની સામે લડી જીતી શકાશે. આ વાઇરસ સામે લડવાનો વિશ્વાસ કેળવવાની માત્ર જરૂર છે. તે માટે પ્રાણાયમ, યોગ કરો. ત્યાં સુધી ‘લિવ વિથ કોરોના એન્ડ લવ વિથ કોરોના.’
સુમનચંદ્ર વોરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમણે બીમારી સામે લડવાની શક્તિ ક્યાંથી મેળવી? તો તેમણે કહ્યું કે, મને શ્રીજી બાવામાં અતૂય શ્રદ્વા છે. એ મને કંઇ નહીં થવા દે. મારો પરિવાર પણ આ કપરી પરિસ્થિતિમાં મારી પડખે રહ્યો હતો. જેથી મને માનસિક હિંમત મળી. એસવીપી હોસ્પિટલના કર્મચારીઓને પણ રાત-દિવસ ખડેપગે રહી મારી સારવાર કરી.


