ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણનો રોજિંદો આંક મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં ૫૦૦થી ઓછો ૪૮૫ નોંધાયો હતો જ્યારે રાજ્યમાં વધુ બે દર્દીઓનાં મંગળવારે મૃત્યુ થયાં હતાં. બન્ને મોત અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૪૩૬૯ થયો હતો. ૭૦૯ લોકોએ મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને હરાવતાં રાજ્યમાં કોરોનામાંથી રિકવર થનારા લોકોનો કુલ આંક ૨૪૬૫૧૬ થયો હતો. આ સાથે ગુજરાતમાં કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર ધીરે ધીરે વધીને ૯૫.૯૮ ટકાએ પહોંચ્યો છે. કોરોનાના કારણે ક્વોરેન્ટાઈન કરાયા હોય તેવા લોકોની સંખ્યા ૪૬૭૬૧૨ હતી એ પૈકી ૪૬૭૪૮૩ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન હતી અને ૧૨૯ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૯૯, સુરત કોર્પોરેશન ૮૪, વડોદરા કોર્પોરેશન ૭૨, રાજકોટ કોર્પોરેશન ૫૧, વડોદરા ૨૩, મહેસાણા ૧૪, રાજકોટ ૧૪, કચ્છ ૧૧, જામનગર કોર્પોરેશન ૧૦, ગાંધીનગર ૯, જામનગર ૯, ખેડા ૮, સુરત ૮, દાહોદ ૭, ભાવનગર કોર્પોરેશન ૬, આણંદ ૫, ભરૂચ ૫, ગાંધીનગર કોર્પોરેશન ૫, જૂનાગઢ ૫, સાબરકાંઠા ૫, અમદાવાદ ગ્રામ્ય ૪, જૂનાગઢ કોર્પોરેશન ૪, મોરબી ૪, નર્મદા ૪, પંચમહાલ ૪, અમરેલી ૨, ગીર સોમનાથ ૨, પાટણ ૨, પોરબંદર ૨, સુરેન્દ્રનગર ૨, તાપી ૨, દેવભૂમિ દ્વારકા ૧, મહીસાગર ૧, નવસારી ૧ કેસ સામે આવ્યા હતા. મંગળવારની છેલ્લી સ્થિતિ મુજબ ૫૯૬૭ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૫૨ વેન્ટિલેટર ઉપર હતા અને ૫૯૧૫ સ્ટેબલ હતા.
રાજ્યમાં ૨૨૨ દિવસ બાદ કોરોનાના ૫૦૦થી ઓછા કેસ
અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો મંગળવાર સુધીના છેલ્લા ચાર દિવસથી ૫૦૦થી નીચે નોંધાયો છે. દૈનિક કેસ, એક્ટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોનાની સાત મહિના પહેલાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ થઈ ગઈ છે. મંગળવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૮૫ કેસ નોંધાયા હતા, જે છેલ્લા ૨૨૩ દિવસમાં સૌથી ઓછા હતા. આ પહેલાં ૯મી જૂન, ૨૦૨૦ના રોજ ગુજરાતમાં કોરોનાના ૫૦૦થી ઓછા ૪૭૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૯૫ કેસ નોંધાયા હતા. સોમવારે અને મંગળવારે કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા બે નોંધાઈ હતી જે પણ છેલ્લા સાત મહિનામાં સૌથી ઓછી છે.
કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત શાળામાં ૧૧ વિદ્યાર્થિનીઓને કોરોના
કેશોદમાં પાનદેવ સમાજ પાસે આવેલી શ્રીમતી કડવીબહેન આંબાભાઈ વણપરિયા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિનય મંદિર, ધો. ૧૦ - ૧૨ની શાળામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ્ના સામૂહિક એન્ટિજન ટેસ્ટ કરાયા હતા તેમાં કોરોના એક પણ લક્ષણો ન હોવા છતાં એકસાથે ૧૧ વિદ્યાર્થિનીનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભય ફેલાયો હતો.
શાળાના પ્રારંભે અભ્યાસ માટે આવેલી તમામ ૧૨૨ દીકરીઓ અને સ્ટાફ્માં ૧૩ લોકોનાં એન્ટિજન ટેસ્ટમાં ૧૧ વિદ્યાર્થિનીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામ વિદ્યાર્થિનીઓનાં વાલીઓને બોલાવીને હેલ્થ સ્ટાફે દવા આપીને જરૂરી સૂચનાઓ સાથે હોમ આઈસોલેટ થવા માટે રવાના કર્યાં હતાં. જે ૧૧ વિદ્યાર્થિનીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાં ૮ દીકરીઓ કેશોદ શહેરમાં જ રહે છે જયારે ૩ દીકરીઓ અહીં જ હોસ્ટેલમાં રહે છે. હાલ આ અંગેનો જિલ્લા શિક્ષણાધિકારીએ ગાંધીનગર રિપોર્ટ કર્યો છે. હાલમાં તો શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે અને શાળા અને હોસ્ટેલનું નિયમિત સેનેટાઈઝેશન થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના નિર્દેશ પછી ધો.૧૦ - ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવી છે, પણ આ સ્થિતિમાં કોરોના પ્રસરવાનો પણ ભય રહ્યો છે.


