ગાંધીનગરઃ રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કેર ઓછો થઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરાયા હતા તે પ્રમાણે રાજ્યમાં કોરોના વાઈરસના નવા ૨૩૪ કેસ નોંધાયા હતા અને રાજ્યમાં ૩૫૩ દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા. મંગળવાર સુધીમાં ૨૫૭૪૭૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો એ સાથે ૨૫૭૪૭૩ લોકો રાજ્યમાં કોરોનામાંથી સાજા થયાં છે. મંગળવારના અહેવાલ પ્રમાણે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર ૯૭.૫૬ ટકા નોંધાયો હતો.
મંગળવારે અમરેલી, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી એમ કુલ નવ જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નહોતો. ગુજરાતમાં કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું જેથી રાજ્યમાં કોરોનાનો કુલ મૃતકાંક ૪૩૭૯ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરના ૯૭૪ કેન્દ્રો પરથી મંગળવારે ૫૬૩૩૨ લોકોને કોરોના વેક્સિન અપાઈ હતી. આ સાથે જ અત્યાર સુધીમાં ૬૬૦૫૧૬ લોકોને કોરોના રસી આપી દેવાઈ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
૧૦ મહિને તમામ શહેર-જિલ્લામાં દૈનિક કેસનો આંકડો ૫૦થી નીચે
સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૩૨ કેસ નોંધાયા હતા. કોવિડ-૧૯ના કારણે સોમવારે અમદાવાદ શહેરમાં ૧ દર્દીનું મૃત્યુ થયું હતું સોમવારે ૧૦ મહિના બાદ ગુજરાતના એક પણ શહેર-જિલ્લામાં દૈનિક કેસનો આંકડો ૫૦ કે તેનાથી વધુ નોંધાયો નહોતો. અગાઉ ૧૩ એપ્રિલના રોજ આખા રાજ્યમાં નવા ૪૮ કેસ નોધાયા હતા. બીજા દિવસે ૧૪ એપ્રિલના રોજ રાજ્યમાં નવા ૭૮ કેસ નોંધાયા હતા જેમાંથી અમદાવાદ શહેરમાં ૫૩ કેસ નોધાયા હતા. ત્યાર બાદ અમદાવાદ શહેરમાં દૈનિક કેસનો આંકડો ૫૦થી વધુ જ નોંધાયો હતો. વચ્ચે ત્રણ દિવસ આ આંકડો ૫૦થી નીચે આવ્યા બાદ ફરી રવિવારે અમદાવાદમાં ૫૩ અને વડોદરામાં ૬૪ કેસ નોધાયા હતા. રાજ્ય સરકારના આરોગ્ય ખાતા શનિવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરમાં ૪૭ નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત થયું હતું.
કુડાસણના યુકે રિટર્ન પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગાંધીનગરના કુડાસણમાં તાજેતરમાં યુકેથી આવેલા પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. પોઝિટિવ પતિ-પત્ની અને બંને બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને તેમનાં સેમ્પલ નવા સ્ટ્રેઈનની તપાસ માટે પુણે પણ મોકલવાની તજવીજ થઈ હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટન સહિતના કેટલાક દેશોમાં કોરોના વાઈરસનો સ્ટ્રેઈન હજુ હાહાકાર મચાવી રહ્યો છે. અતિચેપી આ વાઈરસને અટકાવવા માટે પ્રભાવિત દેશોમાં ફરી લોકડાઉન પણ છે. તેથી વિદેશથી આવતા પ્રવાસીઓની તપાસ અને ક્વોરેન્ટાઈનનું પણ કેન્દ્ર સરકારે ગાઈડલાઈનમાં જાહેર કર્યું છે એ પ્રમાણે આ પરિવાર સાથે સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવાયાં હતાં.


