અમદાવાદઃ સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું હતું. સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાનો પ્રવેશ થયો હતો. રાજ્યમાં વરસાદ દરમિયાન થયેલા વિવિધ અકસ્માતોમાં ૭ લોકોનાં મોત થયાં હતાં. ભરૂચ જિલ્લામાં સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં નેત્રંગ-વાલિયા તાલુકામાં ૧.૬૯ ઇંચ અને અંકલેશ્વર તાલુકામાં ૧.૧૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં માત્ર દોઢ કલાકમાં વીજળી અને વરસાદમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. બે જણા વીજળીથી દાઝ્યા હતા અને એક યુવાન ગુમ થયો હતો. મહિસાગર જિલ્લામાં પણ સોમવારે તથા મંગળવારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. સોમવારે ઉનામાં વીજળી પડતાં બે માછીમારોનાં મોત થયાં હતાં.
અમરેલી જિલ્લામાં વીજળી પડવાથી ૨ મહિલા અને ૧ કિશોરનું મોત થયું હતું. ૧ મહિલા પૂરમાં તણાઈ ગઈ હતી. તે દરમ્યાન બે તાલુકામાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. જેમાં ૧૮ પશુઓનાં મોત નીપજ્યાં હતા. જેમાં વીરપુર તાલુકાના રળિયાત ગામે રહેતા ખેડૂત અમિતભાઇ પટેલના તબેલા પર વીજળી પડતાં તબેલામાં બાંધેલા પશુઓ પૈકી ૧૧ ગાય, ૧ભેંસ, ૪ વાછરડાંના મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે બગસરા તાલુકાના હામાપુર ગામમાં નવમી જૂને ભારે વરસાદને કારણે ખેતરેથી પરત આવી રહેલાં એક જ કુટુંબનાં સાત પૈકી જેઠાણી રેખાબહેન શરદભાઈ થવાણી (૪૫), દેરાણી મનિષાબહેન હસમુખભાઈ થવાણી (૩૨), એમની પુત્રી ખુશી (૮) અને પુત્ર યશ (૫) તણાઈ જતાં ચારેય મૃત્યુ પામ્યાં હતાં.
ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોતરાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોતરાઈ ગયા છે. ખરીફ વાવેતરની સિઝન ૧૫ જૂનથી ૧૫ જુલાઇ સુધીની હોય છે. સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના ખરીફ પાકની વાવણી શરૂ થઈ છે. અમદાવાદ જિલ્લામાં ૪ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે. હાલમાં ખેડૂતોએ ડાગર અને કપાસનાં રોપા રોપવાનું શરૂ કર્યું છે. એરંડાનું વાવેતર ૧૫ ઓગસ્ટ સુધી થતું હોય છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ખરીફ વાવેતર સારું થવાની સંભાવના છે.
નર્મદા ડેમની સપાટી ૧૨૭.૭૦ મીટરે
ચોમાસાની સિઝનની શરૂઆતે જ ઉપરવાસમાં વરસાદ અને સરદાર સરોવર ડેમના પાવર હાઉસ ચાલુ કરાતાં ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ડેમમાં હાલ ૯,૬૭૧ ક્યુસેક પાણીની અવાક થઇ રહી છે. ૧૫મી જૂનના અહેવાલ પ્રમાણે હાલ ડેમની સપાટી ૧૨૭.૩૦ મીટર પર પહોંચી છે અને હાલ ડેમમાં ૨૫૯૩ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. હાલમાં ડેમ ૭૦ ટકા ભરેલો છે.
ગુજરાત માટે મેન કેનાલમાં ૭૧૭૭ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની વકી છે. આ જોતાં રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાય તો વીજ ઉત્પાદન સાથે સપાટી પણ મેન્ટેઈન રાખી શકાય બાકી વધુ ફ્લડ આવશે તો ગેટ ખોલીને પાણી નદીમાં છોડી દેવાની ફરજ પડશે.