ગુજરાતમાં ગાયની ચોથી નસલ ડગરીને માન્યતા મળશે

Friday 21st December 2018 06:16 EST
 
 

અમદાવાદઃ કાંકરેજ, ડાંગી, ગીર ગાય બાદ હવે ગુજરાતમાં ગાયની ચોથી નસલની ઓળખ થઇ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ડગરી ગાયની ઓળખ કરી છે. ડગરી ગાયની સંશોધન કાર્યવાહી કરી માન્યતા મેળવવા રાજ્ય પશુપાલન વિભાગે તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો, કરનાલન દરખાસ્ત મોકલાશે.

ભારતમાં સૌથી વધુ પશુ નસલોની ઓળખ ગુજરાતમાં થઇ છે. રાજ્યમાં ત્રણ નસલની ગાયો, ચાર નસલની ભેંસો, ૩ નસલના ઘેટાં - ઘોડા, ૨ નસલના ઊંટ, એક નસલના ગર્દભની ઓળખ થઇ છે અને જેને માન્યતા પણ મળી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૬-૧૭માં ડગરી ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન કર્યું હતું. ડગરી રાજ્યના આદિવાસી-પહાડી વિસ્તારો જેવા કે, દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદામાં સૌથી વધુ જોવા મળે છે. ડગરી ગાય ગુજરાત માળવી તરીકે પણ જાણીતી છે. આ ગાય અન્ય ગાય કરતાં થોડી કદાવર હોવાથી જુદી પડે છે. યુનિવર્સિટીએ ૬૦૦ ગાયોના શારિરીક લક્ષણોનું નિરીક્ષણ કર્યું હતું. માત્ર ડગરી ગાય જ નહીં, તેના વાછડાનાં વજન, પ્રજનન અને બળદોની ખેતીલક્ષી કાર્યક્ષમતાના વૈજ્ઞાનિક માપદંડોની ય માપણી કરી હતી.

પર્વતીય ઓલાદ ગણાતી ડગરી ચરિયાણ પર નિર્ભર રહે છે. પરિણામે તેને ઘાસચારાની ઓછી જરૂર રહે છે. જોકે, ડગરી ગાયનું દૂધ ઉત્પાદન ઘણું ઓછુ છે. આ નસલના નાના કદના બળદો વધુ કાર્યક્ષમ માટે પ્રચલિત છે. આમ, ગુજરાતને ગાયની ચોથી નવી નસલની ગાય મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter