અમદાવાદઃ ગુજરાતમાં લશ્કર-એ-તોયબાના આંતકીઓ ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઇબીના ઇનપુટ બાદ પાંચમી માર્ચે હાઇએલર્ટ જાહેર કરીને સમગ્ર રાજયમાં તપાસ હાથ ધરાઈ હતી. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજયમાં રાઉન્ડ ધ કલોક સુરક્ષા ગોઠવાઈ તેમ છતાં ગુજરાતમાં ઘૂસેલા આતંકીઓનો કોઇ પત્તો મળી શકયો નથી.
સોમવારે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજયના પોલીસ વડા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ત્યાર ડીજીપી દ્વારા રેડએલર્ટ જાહેર કરીને સૂક્ષ્મ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતમાં લશ્કર-એ-તોયબાના આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાના સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ બ્યૂરોના ઇનપુટ બાદ રાત્રિના નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડો અને ઇન્ટેલિજન્સ ઓફિસરોની ૧૭૦ની ટીમ ગુજરાતમાં આવી ગઇ હતી. ગુજરાત માટે આતંકવાદીઓના મોડયુલને ધ્યાનમાં રાખીને એનએસજીની ઓપરેશનની ટીમના કમાન્ડો અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરની સુરક્ષામાં તેનાત થઇ ગઈ હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ સાતમી માર્ચે આ મુદ્દે વરિષ્ઠ નેતા અને અધિકારીઓની બેઠક બોલાવી હતી અને દેશનાં વિવિધ રાજ્યોમાં સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી. ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈમાં પણ કડક સુરક્ષાબંદોબસ્ત કરવાની તાકીદ કરાઈ હતી.
આ ઉપરાંત ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાજસ્થાન અને ચંડીગઢમાં પણ સુરક્ષા વધારવા આદેશ અપાયા હતા.


