વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનો અમલ કરતાં ગુજરાતનાં ચાર પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં પેપરલેસ વર્કનો પ્રારંભ શરૂ થયો છે. વિદેશ મંત્રાયલ દ્વારા પાસપોર્ટ સંબંધિત અરજદારોના ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે દેશમાં ૮૫ પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) શરૂ કરાયા છે, જે પૈકી ગુજરાતમાં ચાર પીએસકેનો સમાવેશ થાય છે. આ તમામ પીઅસકે પર ૧૭મી ફેબ્રુઆરીથી જ પેપરલેસ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. જ્યાં અરજદારોના ડોક્યુમેન્ટ સીધા જ કમ્પ્યુટરમાં સ્કેન કરી સોફ્ટવેરમાં અપલોડ કરી દેવાય છે. આ કામગીરીની શરૂઆત કરનાર પીએસકે ગુજરાતમાં પ્રથમ કચેરીઓ છે.
દેશમાં ૮૫ પીએસકે ઉપલબ્ધ છે. રાજ્યમાં અમદાવાદમાં બે, વડોદરામાં એક અને રાજકોટમાં એક પીએસકે છે. જ્યાં અરજદારોનાં પાસપોર્ટ સંબંધિત ડોક્યુમેન્ટ અને ફિંગર પ્રિન્ટ સહિતની તમામ મહત્ત્વની કામગીરી કરાય છે. આ પીએસકેમાં અરજદારોના અસલી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરીને તેની એક ઝેરોક્ષ કોપી પીએસકેમાં જમા કરવામાં આવે છે.
અમદાવાદમાં બે પીએસકે પર પ્રતિદિન બે હજારથી વધુ અરજદારો નવા કે રિન્યુ પાસપોર્ટ માટે અરજી કરે છે. જ્યાં અરજદારોના નવા કે રિન્યુ માટેના ડોક્યુમેન્ટમાં કચાશ ન હોય તો તે સીધા જ ઓનલાઇન સોફ્ટવેરમાં અપલોડ કરી દેવાય છે અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ પર સહી સિક્કા કરીને અરજદારોને પરત કરાય છે. જ્યારે પોલીસ વેરિફિકેશન આવે ત્યારે તે પીએસકેએ સહી સિક્કા કરેલા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ બતાવવાની રહે છે.


