ગાંધીનગર: રાજ્યમાં વાવાઝોડા પવન સાથે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ૨૨મી જૂનની મોડી રાત્રેથી શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં ફેલાયો હતો. રવિવારે મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડા-પવન સાથેના વરસાદને કારણે અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ૧૬૪ જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અમદાવાદમાં ૧૯૯૭ પછી પહેલી વાર જૂનમાં લઘુતમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. ૧૯૯૭માં શહેરમાં ૧ જૂને ૨૧.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ૨૫મીએ સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના સોનગઢમાં ૬૭ મિમી પડ્યો હતો. વાલોડમાં ૩૪ મિમી, પલસાણામાં ૨૬ મિમી, ડોલવણમાં ૨૦ મિમી, વાંસદામાં ૧૭ મિમી વરસાદ નોંધાયો હતો. માંડવી, ઓલપાડ અને ઉમરપાડામાં ૧૬ મિમી વરસાદ નોંધાયો હતો. ૨૪મીએ તાપી જિલ્લા ખાતે નિઝરમાં ૪ કલાકમાં ભારે પવન સાથે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ૨૪મીએ તાપી જિલ્લામાં પડેલા પવન સાથે વરસાદના કારણે વેલ્દા ગામની સિમમાં જીઈબીના અંદાજે ૧૦ જેટલા વીજપોલ ધરાશાયી થઈ ગયા હતાં. તેની સાથે જોડાઇયેલા બે ટ્રાન્સફર પણ નુકસાન થતા વીજ પ્રવાહ બંધ કરી દેવાયો હતો.
રાજકોટ જિલ્લામાં ૨૨મીએ સવારથી વાદળિયા વાતાવરણની વચ્ચે સાંજે જસદણ શહેર અને તાલુકામાં વરસાદના ઝાપટાં આવ્યા પછી રાજકોટમાં પણ વરસાદ પડ્યો હતો. આટકોટ, ઇશ્વરિયા, કરમાળ, નાના માંડવા, રમાોદ, મોવિયા, ગોંડલ, દેરડી કુંભાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૨૨મીએ સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લામાં માત્ર વરસાદી માહોલ છવાયો હતો.
ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા પંથકમાં આવેલા ગીર જંગલમાં ધોકડવા, બાબરીયા, ખરેડા, કાઠિયા, નીતલી, વડલી વગેરે વિસ્તારોમાં દોઢ ઇંચ પાણી પડી ગયું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી લઈ બે ઇંચ વરસાદ થયો હતો.
કચ્છમાં પર વરસ્યો મેઘ
કચ્છ જિલ્લામાં ભૂજ નજીક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાથી માંડીને એક ઇંચ સુધી પાણી વરસી ગયું હતું. રાપર અને બન્ની આસપાસના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી ઠંડક પ્રસરી હતી.
સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં બાયડમાં દોઢ ઇંચ કરતા વધુ તેમડ મોડાસામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસા બાયડ અને માલપુર પંથકમાં વાગા અને તળાવોમાં વરસાદી પામી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ ગાજવીજ સાથે પ્રાંતીજ, તલોદ, હિંમતનગર સહિત પાંચ તાલુકામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી હતી.
પોશીના, ઇડર અને વડાલી તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં અંદાજે સવા કલાકમાં ૪૩ મિમી વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશી હતી. કાંકરેજ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે ગઢ પંથકમાં પણ વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કડીમાં વાવાઝોડા સાથે એક ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદમાં ૧૬૪ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં રવિવારે મધરાતે ૩૭ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવન સાથે પડેલા સવા ઇંચ વરસાદમાં કુલ ૧૬૪ વૃક્ષ ધરાશાયી થયાં હતાં. એકથી દોઢ કલાકના સમયમાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષ પડ્યાં હતાં. અગાઉ વર્ષ ૨૦૧૨માં એક દિવસમાં ૭૫૦ વૃક્ષ ધરાશાયી થયા હોવાનું મ્યુનિ. અધિકારીનું કહેવું છે. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૪૫ વૃક્ષ પડ્યાં હતાં, જેમાં ૨૪ વૃક્ષ માત્ર ઘોડાસરથી નારોલ વચ્ચેના રસ્તા પર પડ્યા હતા. ઝોનવાર સૌથી વધુ દક્ષિણમાં ૪૫ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૩૧ વૃક્ષ ધરાશાયી થયાં હતાં.


