ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા ભાજપ-કોંગ્રેસ દ્વારા હાથ ધરાઈ છે ત્યારે ઉમેદવાર તરીકે નક્કી થવા માટે અત્યારે સૌથી વધારે મહત્ત્વની જાતિને રાજકીય પાર્ટીઓ વધારે મહત્ત્વ આપે છે. રાજકીય પાર્ટીઓ ભલે એવું જાહેર કરે કે, અમે નાત-જાતના ભેદભાવ મિટાવવા માગીએ છે, પણ ગુજરાતની છ બેઠકો એવી છે કે, જ્યાં ઉમેદવારો ભલે નક્કી ન હોય પણ કઈ જાતિનો ઉમેદવાર આવશે તે નક્કી છે. પછી, કોંગ્રેસ નક્કી કરે કે, ભાજપ. તેમણે ફરજિયાત આ જાતિનો જ ઉમેદવાર આપવો પડે તેવી સ્થિતિ છે. જોકે, ભાજપ પાસે ૪ બેઠકો એવી પણ છે કે, જ્યાં જાતિ કરતા પાર્ટી જે નક્કી કરે તે જ ઉમેદવાર હોય છે, પછી ભલે તે કોઈ પણ સમાજના હોય.
કઈ બેઠક પર કઈ જાતિનો ઉમેદવાર
પાટીદારઃ પોરબંદર અને અમરેલી બેઠક એવી છે કે જ્યાં જાતિગત સમીકરણમાં સૌથી વધારે પટેલ છે અને પટેલ ઉમેદવાર જ નક્કી થાય છે. અત્યારે પણ બન્ને પાર્ટીની પેનલમાં પટેલ ઉમેદવારના જ નામ છે.
કોળીઃ ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠક એવી છે કે, પટેલ અને ક્ષત્રિય સમાજ ઓછો હોવા છતાં પ્રભાવી છે, આમ છતાં બન્ને પાર્ટીની મજબૂરી એવી છે કે ત્યાં કોળી ઉમેદવાર જ પસંદ કરવો પડે છે.
ક્ષત્રિયઃ સાબરકાંઠા બેઠક એવી છે કે, જ્યાં સૌથી વધારે મતદાર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને જ ટિકિટ આપવી પડે છે. પંચમહાલમાં પણ ક્ષત્રિયોની સંખ્યા વધારે છે, પણ ત્યાં સ્થિતિ અલગ છે.
બિનગુજરાતીઃ મહારાષ્ટ્રમાં ‘ગુજરાતી’ઓની સીટ છે તે જ રીતે ગુજરાતમાં પણ બિનગુજરાતીની બેઠક છે. નવસારીની બેઠક એવી છે કે, જ્યાં ફરજિયાત બન્ને પાર્ટીઓને મરાઠી ઉમેદવાર પસંદ કરવો પડે છે.
૪ બેઠકો પર પક્ષનું મહત્ત્વ
રાજ્યમાં ચાર બેઠકો એવી છે કે જ્યાં જાતિ નહીં, પણ પક્ષનું પ્રભુત્વ છે. અમદાવાદ પૂર્વ, વડોદરા, સુરત અને ગાંધીનગર, આ ચાર બેઠકો એવી છે કે, જ્યાં જાતિ નહીં, પક્ષના આધારે ઉમેદવાર ચૂંટાય છે.


