અમદાવાદઃ માર્ચના રોજ લોકડાઉન લાગુ કરાયું તેના બે-ત્રણ દિવસ પહેલાથી જ ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં સરકારે પાન-મસાલાની દુકાનો બંધ કરાવી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં તમાકુના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે. ગુજરાતમાં હવે દારૂની માફક તમાકું અને તેની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે! ચર્ચા છે કે સામાન્ય દિવસોમાં સાડા ચાર હજાર રૂપિયાની કિલો વેચાતી મસાલા (માવા)ની તમાકુના ભાવ અત્યારે રૂ. ૧૮થી ૨૦ હજાર બોલાઈ રહ્યાં છે.
ગુજરાતમાં તમાકુ અંગેની બહાર આવતી હાલની હકીકત અનુસાર તમાકુ પર પ્રતિબંધ મુકાયા બાદ ત્રણ મહત્ત્વની અસરો જોવા મળી છે. લોકો સાથે ઉઘાડી લૂંટ શરૂ થઈ છે. સરકારી તિજોરીને જીએસટીની આવકનો મોટો ફટકો પડયો છે અને કાળાબજારિયાઓને ઘી-કેળાં થઈ ગયાં છે. તેમાં અમુક જગ્યાએ દારૂની માફક પોલીસની વરવી ભૂમિકા અને ભ્રષ્ટાચાર (હપ્તાખોરી)ના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
જાણકાર અને અભ્યાસુ સૂત્રોના મતે પ્રતિબંધ વચ્ચે ગુજરાતમાં આજે પણ એટલી જ તમાકુ ચવાય છે તથા બીડી-સિગારેટ ફૂંકાય છે. માત્ર પાંચ-સાત ટકા લોકોએ અને તે પણ હંગામી ધોરણે વ્યસન છોડયા છે, બાકી કોઈ ફરક પડયો નથી. હાલ પહેલા જે લોકો તમાકુંના વ્યસન પાછળ દરરોજના રૂ. ૪૦થી ૫૦નો ખર્ચ કરતા હતા તેને આજે ૯૦થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.